Thu Oct 01 2026

Logo

મુંબઈને જળબંબાકાર થતી અટકાવવા બીએમસીનો એક્શન પ્લાન

2026-09-21 10:15:00
Author: Sapna Desai
મુંબઈને જળબંબાકાર થતી અટકાવવા બીએમસીનો એક્શન પ્લાન

નવ મહિનામાં ડીપીઆર તૈયાર કરીને ત્રણ તબક્કામાં પ્રોજેક્ટ અમલમાં મુકાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દર વર્ષે ચોમાસામાં મુંબઈને જળબંબાકાર થતી અટકાવવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ ૧૩,૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે એક્શન પ્લાન તૈયાર કર્યો છે, તે માટે ક્ધસલ્ટન્ટ (સલાહકાર) નીમવામાં આવવાનો છે. સલાહકાર પાસે ડિઝાઈન અને  ડિટેઈલ પ્રોજેક્ટ રિપોર્ટ (ડીપીઆર) તૈયાર કરવા માટે નવ મહિનાનો સમય હશે, જેની માટે તેને ૧૧૦ કરોડ રૂપિયા ચૂકવવામાં આવશે. પૂરમુક્ત મુંબઈ માટે ત્રણ પેકેજમાં  શહેરની ડ્રેનેજ, પમ્પિંગ અને વિશાળ ફ્લડ મેનેજમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રકચરના કામને આવરી લેવામાં આવશે.

મુંબઈમાં દર વર્ષે ચોમાસામાં પૂરજનક પરિસ્થિતિ નિર્માણ થાય છે. તેથી આ યોજનાથી શહેરની વારંવાર નિર્માણ થનારી પૂરજનક પરિસ્થિતિને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવશે, જેમાં નાના કદના અને ભરાયેલી ગટરોથી લઈને અપૂરતી પમ્પિંગ ક્ષમતા અને શહેરની સ્ટોર્મ-વોટર સિસ્ટમ (વરસાદી પાણીનો નિકાલ કરનારી પાઈપલાઈન)ને સુધારવામાં આવશે. મુખ્ય ઉદ્દેશ્ય ડ્રેનેજ લાઈનને કલાક દીઠ પંચાવન મિલીમીટરથી વધુ વરસાદનો સામનો કરવા માટે અપગ્રેડ કરવાનો છે, જ્યારે માહુલ અને મોગરા સહિતના પૂર-સંભવિત વિસ્તારોમાં પમ્પિંગ ક્ષમતાનો વિસ્તાર કરવાનો છે. મીઠી નદી સુધારણા પ્રોજેક્ટનો આગળનો તબક્કો પણ પ્રસ્તાવિત છે. 

ડીપીઆરમાં પૂર-સંભવિત વિસ્તારોનો વિગતવાર નકશો બનાવાશે, ભારે વરસાદ અને ભરતી દરમિયાન પાણી ભરાવાનું મોડેલ બનાવશે અને પૂર ચેતવણીઓની ગતિ અને વિશ્ર્વસનીયતાને મજબૂત બનાવશે. ડીપીઆર પમ્પિંગ સ્ટેશનો, સ્ટોર્મ-વોટર ચેનલ, રિટેન્શન તળાવો અને ડ્રેનેજ પહોળા કરવાના કામોના વૈજ્ઞાનિક આયોજનને પણ માર્ગદર્શન આપશે. 

પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ નૈસર્ગિક આધારિત પગલાં પણ પ્રસ્તાવિત કરવામાં આવી રહ્યા છે, જેમાં ૧૨-૧૫ ટકા વરસાદી પાણીને શોષી શકે તેવી ફૂટપાથ અને ભૂગર્ભ, મધપૂડા જેવા ડિટેન્શન ટેન્કનો સમાવેશ થાય છે જે અસ્થાયી રૂપે વહેતા પાણીને સંગ્રહિત કરવા અને ધીમે ધીમે ભૂગર્ભજળને રિચાર્જ કરવા માટે બનાવવામાં આવશે.


પ્લાસ્ટિક કચરાને અવરોધિત કરતા નાળા અને કલ્વર્ટ એ બીજું લક્ષ્ય છે. આ યોજનામાં તરતા કચરાને પ્રવેશતા પહેલા અને મહત્ત્વપૂર્ણ સ્ટોર્મ-વોટર ચેનલોને ગૂંગળાવે તે પહેલાં તેને ફસાવવા માટે ઇન્ટરસેપ્શન સિસ્ટમ્સ અને જાળીનો પ્રસ્તાવ છે. સલાહકારની નિમણૂક અને ડીપીઆર તૈયાર કરવા માટે રૂ. ૧૧૦.૧૭ કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. 

ફ્લડ-મિટીગેશન બ્લુપ્રિન્ટ તૈયાર કરવાની પ્રક્રિયા એક વર્ષથી વધુ સમયથી ચાલી રહી છે અને હવે તે ડીપીઆર તબક્કામાં પ્રવેશી ચૂક્યું છે. આ પ્રક્રિયા ૧૨ માર્ચ, ૨૦૨૫ ના રોજ પાલિકા અને  નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી  સાથેની  પહેલી બેઠક સાથે શરૂ થઈ હતી. ત્યારબાદ સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને જૂનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. એ બાદ પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી મળી હતી, પછી પ્રસ્તાવ કેન્દ્ર સરકાર અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. પ્રસ્તાવિત ભંડોળ માળખા હેઠળ, ૪૦ ટકા રકમ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાંથી, ૩૦ ટકા મહારાષ્ટ્ર સરકાર પાસેથી અને ૩૦ ટકા પાલિકા પાસેથી મેળવવામાં આવશે.