Tue Oct 06 2026

Logo

174 મુસાફરોના જીવ બચાવનાર ભારતીય કેપ્ટન સ્મિત મચ્છાર બન્યા 'ગ્લોબલ હીરો': ટ્રમ્પ અને નેતન્યાહુએ કર્યા વખાણ

Tel Aviv   2026-10-01 07:49:00
Author: Vimal Prajapati
174 મુસાફરોના જીવ બચાવનાર ભારતીય કેપ્ટન સ્મિત મચ્છાર બન્યા 'ગ્લોબલ હીરો': ટ્રમ્પ અને નેતન્યાહુએ કર્યા વખાણ

તેલ અવીવ: દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈ (flydubai) ની ફ્લાઇટ FZ-1073 માં મિડ-એર (હવામાં) એક ભયાનક ઘટના બની તેની અત્યારે આખા વિશ્વમાં ચર્ચા થઈ રહી છે. ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છારે (Captain Smit Machchhar) અસાધારણ સાહસ અને ધૈર્ય દર્શાવીને વિમાનમાં સવાર 174 મુસાફરોના જીવ બચાવી લીધા છે. અત્યારે ખાસ કરીને ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છારના ખૂબ જ વખાણ કરવામાં આવી રહ્યાં છે.

પ્લેન માત્ર 30 સેકન્ડમાં 14,000 ફૂટ નીચે આવી ગયું

રિપોર્ટ મુજબ, પ્લેનના ઓમાની મૂળના કો-પાયલટે અચાનક વિમાનને ક્રેશ કરવાના ઈરાદા સાથે કેપ્ટન સ્મિત પર ચાકુથી હુમલો કર્યો હતો. આ હુમલાને કારણે વિમાને અચાનક જ પોતાનું સંતુલન ગુમાવ્યું હતું અને માત્ર 30 સેકન્ડથી ઓછા સમયમાં પ્લેન આશરે 14,000 ફૂટ નીચે ગરકાવ થઈ ગયું હતું. ગંભીર રીતે ઘાયલ હોવા છતાં કેપ્ટન સ્મિતે હિંમત ન હારી, હુમલાખોરનો સામનો કર્યો અને કોકપિટનો દરવાજો ખોલવામાં સફળ રહ્યા હતં.

મુસાફરો અને ક્રૂ મેમ્બર્સે દેખાડી બહાદુરી

દરવાજો ખુલતાની સાથે જ ફ્લાઇટમાં સવાર મુસાફરો અને અન્ય ક્રૂ મેમ્બર્સે તુરંત કોકપિટમાં પ્રવેશ કર્યો હતો. વિમાનમાં સવાર મુસાફરો અને ઓફ-ડ્યુટી પાયલટોએ મળીને હુમલાખોર કો-પાયલટને પકડી પાડ્યો અને તેને કાબૂમાં લીધો હતો. ત્યારબાદ અન્ય પાયલટોએ વિમાનનો કંટ્રોલ સંભાળીને પરિસ્થિતિ થાળે પાડી હતી.

ડોનાલ્ડ ટ્રમ્પ અને બેન્જામિન નેતન્યાહુએ બિરદાવ્યું સાહસ

ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કેપ્ટન સ્મિત મચ્છારની બહાદુરીને સલામી આપતા સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી અને ભરપૂર વખાણ કર્યા છે. આ પોસ્ટમાં તેમણે લખ્યું કે, ‘ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છારને તેમની અસાધારણ બહાદુરી બદલ હું સલામ કરું છું. ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોવા છતાં કેપ્ટન સ્મિતે લડત આપી, કોકપિટનો દરવાજો ખોલ્યો અને યાત્રીઓને હુમલાખોર પર કાબૂ મેળવવામાં મદદ કરી. તેમણે ઇઝરાયેલી નાગરિકો અને અન્ય દેશોના નાગરિકો સહિત કુલ 174 લોકોના જીવ બચાવ્યા છે. હું કેપ્ટન મચ્છારના ઝડપી અને સંપૂર્ણ સ્વાસ્થ્યલાભની કામના કરું છું’.

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ ઘટના અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ‘પાયલટની હાલત ખૂબ જ ખરાબ હતી. મને લાગે છે કે તેમની હાલત હજુ પણ ખૂબ ખરાબ છે, પરંતુ તેમણે સૂઝબૂઝનો પરિચય આપ્યો હતો. એક રીતે કહીએ તો, તેઓ એક હીરો છે. વધુમાં કહ્યું કે, પાયલટે દરવાજો ખોલ્યો, તેઓ પાછળની તરફ પડ્યા અને દરવાજો ખોલવામાં સફળ થયા બાદ મદદ માટે બૂમ પાડી અને મુસાફરોની મદદ લીધી હતી’.

વધુ જુઓ...