અમદાવાદ: તાજેતરમાં જ ગુજરાત જાહેર સેવા આયોગના (GPSC) ચેરમેન હસમુખ પટેલના રાજીનામાની માંગ સાથે ગાંધીનગરમાં આંદોલન ચાલી રહ્યું છે, તો બીજી તરફ GPSCમાં એકસાથે 7 સભ્યોની નિમણૂક કરવામાં આવી છે, જો કે આ સભ્યોની નિમણૂકને લઈને પણ વિવાદ ઊભો થયો છે. GPSCના નવનિયુક્ત સભ્ય તરીકે ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ સાથે જોડાયેલા શિશિર ત્રિવેદીની નિમણૂક સામે ગુજરાત કોંગ્રેસે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસના મીડિયા પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ આરોપ લગાવ્યો છે કે રાજ્ય સરકારે જીપીએસસીને "પાર્ટી સિલેક્શન કમિશન" બનાવી દીધું છે.
GPSCમાં રાજકીય નિમણૂકોથી યુવાનોના ભવિષ્ય સાથે રમત
ડૉ. મનીષ દોશીએ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કહ્યું હતું કે, આયોગમાં લાંબા સમયથી સભ્યોની નિમણૂક ન થવાને કારણે પરીક્ષા પાસ કરનારા આશરે 15,000 જેટલા આશાસ્પદ યુવાનોના ઇન્ટરવ્યુ લટકી પડ્યા હતા અને તેમને 2 થી 5 વર્ષ સુધી રાહ જોવી પડી હતી, અને હવે આવી રાજકીય નિમણૂકો કરીને યુવાનોના ભવિષ્ય સાથે રમત રમાઈ રહી હોવાનો દાવો કરાયો છે. ભરતી પ્રક્રિયામાં ગંભીર ગેરરીતિઓનો આક્ષેપ કરતા તેમણે જણાવ્યું કે વર્ગ 1 અને 2 ની ભરતીઓ, પ્રોફેસરો, એન્જિનિયરો તથા ફૂડ ઇન્સ્પેક્ટરોની નિમણૂકોમાં અગાઉથી ગોઠવણ કરીને પોતાના માણસોને જ પસંદ કરવાનો ખેલ રચાય છે.
પત્રકાર પરિષદને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશી...
— Gujarat Congress (@INCGujarat) September 30, 2026
— @drmanishdoshi pic.twitter.com/rpEttWgqZb
આયોગમાં ગોઠવણ કરી "નોકરી ચોરી"
તેમણે આક્ષેપ કર્યો હતો કે આ પ્રક્રિયામાં એસસી, એસટી, બક્ષીપંચ અને સામાન્ય વર્ગના ઉમેદવારો સાથે ભેદભાવ થાય છે, જેમાં લેખિત પરીક્ષામાં વધુ ગુણ મેળવનારને ઇન્ટરવ્યુમાં ઓછા ગુણ આપી બહાર કરી દેવાય છે. તેમણે ઉમેર્યું કે જેમ ચૂંટણીમાં વોટ ચોરી થાય છે, તેમ જીપીએસસીમાં પોતાના માણસો ગોઠવીને યુવાનોની "નોકરી ચોરી" કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જ્યારે કે નવનિયુક્ત સભ્યની પોતાની ભાષાકીય યોગ્યતા પણ સવાલોના ઘેરામાં છે.
શિશિર ત્રિવેદીની નિમણૂક રદ્દ કરો
આ મુદ્દે કોંગ્રેસે શિશિર ત્રિવેદીની નિમણૂક તાત્કાલિક અસરથી રદ્દ કરવાની માંગ કરી છે. આ સાથે કોંગ્રેસે સ્પષ્ટ માંગણી કરી છે કે આયોગમાં કોઈ રાજકીય કે પક્ષીય વ્યક્તિઓને બદલે ગુજરાતના ઘણા શ્રેષ્ઠ શિક્ષણવિદો, કાયદાવિદો, વૈજ્ઞાનિકો કે ભાષા નિષ્ણાતો છે, તેની નિમણૂક કરવામાં આવે. તેમણે ચેતવણી આપી હતી કે સરકાર પોતાના મળતિયાઓને સરકારી વ્યવસ્થામાં ગોઠવવા માટે આખી સિસ્ટમ પર કબજો કરવાનું બંધ કરે અને યુવાનોના કારકિર્દી સાથે ચેડાં કરવાનું તુરંત અટકાવે, તેવો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે.