સુઓ મોટો પ્રકરણની નોંધ લઈને ડીજે સાઉન્ડ સિસ્ટમ સામે વ્યક્ત કરી ચિંતા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રમાં તહેવારો દરમિયાન વધી રહેલા ધ્વનિ પ્રદૂષણને ગંભીરતાથી લેતાં મુંબઈ હાઈ કોર્ટે આ મુદ્દે સુઓ મોટો કાર્યવાહી ચાલુ કરી હતી. આ સાથે હાઈ કોર્ટે એવી સ્પષ્ટતા કરી હતી કે તેઓ કોઈ ધર્મ કે તહેવારોની વિરુદ્ધ નથી, પરંતુ તહેવારો અને જાહેર કાર્યક્રમોમાં થતા ધ્વનિ પ્રદૂષણથી ચિંતિત છે. જસ્ટિસ જી. એસ. કુલકર્ણી અને જસ્ટિસ નીલા ગોખલેની ખંડપીઠે તહેવારો તથા જાહેર કાર્યક્રમો દરમિયાન ડીજે, સાઉન્ડ સિસ્ટમ અને લાઉડસ્પીકરના ઉપયોગથી ફેલાતા ધ્વનિ પ્રદૂષણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે કહ્યું હતું કે કોઈપણ તહેવારની ઉજવણી કરતી વખતે એ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે તેના કારણે અન્ય લોકોને મુશ્કેલી ન પડવી જોઈએ. કોર્ટે આ પ્રકરણે સ્પષ્ટીકરણ આપતા જણાવ્યું હતું કે, "અમે કોઈ ધર્મ કે તહેવારની ઉજવણીના વિરોધમાં નથી. જોકે, તહેવારોની ઉજવણી કરતી વખતે દરેક વ્યક્તિએ એ સુનિશ્ચિત કરવું જોઈએ કે અન્ય લોકોને અસુવિધા ન થાય."
હાઈકોર્ટે આ મામલે વધુ સુનાવણી મંગળવારે રાખી છે. કોર્ટે રાજ્યના એડવોકેટ જનરલ મિલિંદ સાઠેને ધ્વનિ પ્રદૂષણને નિયંત્રિત કરતા નિયમો અંગે કોર્ટને માહિતી આપવાનો નિર્દેશ આપ્યો છે. ખાસ કરીને મૂર્તિ વિસર્જન દરમિયાન આ નિયમોનું પાલન થાય છે કે નહીં, તે અંગે પણ સરકાર પાસેથી માહિતી મગાવવામાં આવી છે.
બેન્ચે પૂછ્યું હતું કે ધ્વનિ પ્રદૂષણ માટે મંજૂર અવાજની મર્યાદા અંગે કોઈ માર્ગદર્શિકા બનાવવામાં આવી છે કે નહીં અને તેનો અસરકારક રીતે અમલ થાય છે કે નહીં. આ ઉપરાંત નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે અત્યાર સુધી શું કાર્યવાહી કરવામાં આવી છે, તેની માહિતી પણ રાજ્ય સરકાર પાસેથી મગાવવામાં આવી છે.
તહેવારો દરમિયાન ડીજે, લાઉડસ્પીકર અને અન્ય સાઉન્ડ સિસ્ટમના વધતા ઉપયોગ વચ્ચે હાઈકોર્ટનું આ વલણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કોર્ટે ફરી સ્પષ્ટ કર્યું છે કે મુદ્દો કોઈ તહેવાર કે ધર્મનો નથી, પરંતુ ધ્વનિ પ્રદૂષણને નિયંત્રિત કરવાનો અને સામાન્ય નાગરિકોને થતી અસુવિધા દૂર કરવાનો છે.