રોમઃ ઇટલીની વડા પ્રધાન જોર્જિયા મેલોની (Giorgia Meloni) ની સરકારે દેશની શિક્ષણ વ્યવસ્થા અને સંસ્કૃતિને લઈને એક મોટો અને કડક નિર્ણય લીધો છે. ઇટલીની શાળાઓમાં હવે બુરખા અને ચહેરો ઢાંકતા નકાબ પહેરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની તૈયારીઓ ચાલી રહી છે. આ સિવાય દરેક વર્ગખંડમાં વિદેશી વિદ્યાર્થીઓની મહત્તમ સંખ્યા પણ નક્કી કરવામાં આવશે. વડા પ્રધાન મેલોનીએ પોતાની રાજકીય પાર્ટી 'બ્રધર્સ ઓફ ઇટલી' ના યુવા મોરચાના કાર્યક્રમ 'ફેનિક્સ' દરમિયાન આ મહત્વકાંક્ષી પ્રસ્તાવની જાહેરાત કરી હતી.
કોઈપણ બાળકીને ચહેરો છુપાવવા મજબૂર ન કરી શકાય
એક કાર્યક્રમ દરમિયાન પોતાના સંબોધનમાં મેલોનીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, ‘શાળામાં બાળકોએ ચહેરો ઢાંક્યા વગર જ આવવું પડશે. કોઈપણ વાસ્તવિક કે કહેવાતી પરંપરાના નામે કોઈ પણ બાળકી કે યુવતીને પોતાનો ચહેરો છુપાવવા માટે મજબૂર કરી શકાય નહીં’. આ મુદ્દે ઇટાલીની સરકાર હવે કાયદો બનાવવાની તૈયારી કરી રહી છે.
Il mio intervento in diretta da Fenixhttps://t.co/Z0sucLpFbD
— Giorgia Meloni (@GiorgiaMeloni) September 20, 2026
વર્ગખંડોમાં વિદેશી બાળકોની મર્યાદા શા માટે?
દરેક ક્લાસરૂમમાં વિદેશી બાળકોની સંખ્યા મર્યાદિત કરવા અંગે તર્ક આપતાં મેલોનીએ કહ્યું કે, ‘ઇટલીના સ્થાનિક બાળકો પોતાની જ દેશની શાળાઓમાં લઘુમતી કે ઉપેક્ષિત અનુભવે તે ચલાવી લેવાય નહીં’. તેમણે ઉમેર્યું કે, જ્યારે કોઈ વર્ગમાં સ્થાનિક ભાષા ન સમજી શકતું માત્ર એક વિદેશી બાળક હોય છે, ત્યારે તે શિક્ષકો અને અન્ય સહપાઠીઓની મદદથી ઝડપથી ભાષા શીખીને મુખ્યધારામાં ભળી જાય છે. પરંતુ જ્યારે આવા વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ વધી જાય છે, ત્યારે તે સાચું સંકલન રહેવાને બદલે ઉપેક્ષામાં ફેરવાઈ જાય છે.
વાલીઓ માટે પણ ભાષા શીખવી ફરજિયાત બનશે
સરકાર દ્વારા તૈયાર કરવામાં આવી રહેલા નવા પ્રસ્તાવ પ્રમાણે, જે વિદેશી વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રણાલીમાં ભળવામાં ગંભીર મુશ્કેલીઓ પડી રહી છે, તેમના વાલીઓ માટે પણ ઇટાલિયન ભાષા શીખવી ફરજિયાત બનાવવામાં આવશે. આ પ્રસ્તાવને ટૂંક સમયમાં જ કેબિનેટની બેઠકમાં ઔપચારિક મંજૂરી માટે રજૂ કરવામાં આવશે. યુરોપમાં વધી રહેલા ઇમિગ્રેશન અને સાંસ્કૃતિક એકીકરણની ચર્ચાઓ વચ્ચે મેલોની સરકારના આ પગલાને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.