Fri Oct 02 2026

Logo

મુંબઈ સહિત પડોશી શહેરમાં ગાજવીજ સાથે વરસાદ કર્જતમાં એક કલાકમાં ૧૦૦ મિ.મી. થી વધુ  વરસાદ

2026-09-21 23:19:00
Author: Sapna Desai
મુંબઈ સહિત પડોશી શહેરમાં ગાજવીજ સાથે વરસાદ કર્જતમાં એક કલાકમાં ૧૦૦ મિ.મી. થી વધુ  વરસાદ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મુંબઈમાં ગયા અઠવાડિયે રવિવારે ભારે વરસાદ બાદ આખું અઠવાડિયું ગાયબ રહેલો વરસાદ સોમવારે સાંજે મુંબઈના જુદા જુદા વિસ્તાર તેના પડોશી શહેરોમાં  ગાજવીજ અને વીજળીના કડાકા સાથે જોરદાર ઝાપટાં પાડી ગયો હતો. થાણે, ડોંબિવલી, કલ્યાણ અને કર્જત જેવા વિસ્તારોમાં વરસાદના જોરદાર ઝાપટાં પડ્યા હતા.

મુંબઈમાં સાંજથી વાદળિયું વાતાવરણ થવાની સાથે અંધારુ થઈ ગયું હતું અને સાંજના સાત વાગ્યા બાદ દક્ષિણ મુંબઈમાં ફોર્ટ, કોલાબા સહિત અનેક વિસ્તારોમાં તથા પૂર્વ ઉપનગરમાં ઘાટકોપર, વિક્રોલી, ભંડુપ સહિત પશ્ર્ચિમ ઉપનગરમાં વિલે પાર્લે સહિતના વિસ્તારમાં વરસાદના જોરદાર ઝાપટાં નોંધાયા હતા, જ્યારે દહિસર અને બોરીવલીના કેટલાક વિસ્તારોમાં રહેવાસીઓએ ટૂંકા પણ ભારે વરસાદની જાણ કરી હતી.

મુંબઈ મેટ્રોપોલિટન રિજનના  ઘણા વિસ્તારોમાં સાંજ બાદ વરસાદના ઝાપટાં પડી ગયા હતા. હવામાન નિષ્ણાતના જણાવ્યા મુજબ કર્જતમાં અત્યંત તીવ્ર વરસાદનું ઝાપટું પડ્યું હતું, જેમાં એક કલાકમાં ૧૧૨ મિ.મી. વરસાદ નોંધાયો હતો. આ ઘટના મોસમની અંતિમ તબક્કાની ગાજવીજ સાથેના વરસાદની લાક્ષણિકતા દર્શાવે છે, જેમાં ટૂંકા અંતરમાં પણ વરસાદની માત્રામાં મોટો તફાવત જોવા મળી શકે છે. ટૂંકા ગાળાનો આવો ભારે વરસાદ મોસમની અંતિમ તબક્કાની ગાજવીજની પ્રક્રિયામાં વરસાદના અત્યંત સ્થાનિક સ્વરૂપને ઉજાગર કરે છે; જેમાં કોઈ એક સ્થળે ખૂબ જ ટૂંકા સમયમાં અસાધારણ માત્રામાં વરસાદ પડી શકે છે, જ્યારે નજીકના વિસ્તારોમાં નોંધપાત્ર રીતે ઓછો વરસાદ નોંધાઈ શકે છે.

જોકે ભારતીય હવામાન વિભાગ  દ્વારા સવારે ૮.૩૦ થી સાંજે ૬.૩૦ દરમ્યાન કર્જતમાં માત્ર નવ મિ.મી. જેટલો વરસાદ નોંધવામાં આવ્યો હતો. આ બાબત ખૂબ જ ટૂંકા ગાળાના સ્થાનિક અવલોકન અને લાંબા સમયગાળા દરમ્યાન સત્તાવાર સ્ટેશન પર નોંધાયેલા વરસાદ વચ્ચેના તફાવતને દર્શાવે છે. 

દેશના કેટલાક ભાગોમાંથી નૈર્ઋુત્યના ચોમાસા (દક્ષિણ-પશ્ર્ચિમ ચોમાસા)ની વિદાય પ્રક્રિયા શરૂ થઈ રહી છે ત્યારે આ વરસાદ પડ્યો છે. ભારતીય હવામાન વિભાગના તાજેતરના અનુમાન મુજબ ૨૧ સપ્ટેમ્બરે કોંકણ અને ગોવા વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે, જ્યારે ૨૨ અને ૨૩ સપ્ટેમ્બરે આ વિસ્તારમાં ભારે વરસાદ અને ગાજવીજની આગાહી કરવામાં આવી છે.

મુંબઈમાંથી નૈર્ઋુત્યના ચોમાસાની વિદાયની સામાન્ય તારીખ ૮ ઓક્ટોબર છે. ગયા વર્ષે ભારતીય હવામાન વિભાગ દ્વારા ૧૦ ઓક્ટોબરે મુંબઈમાંથી ચોમાસાની વિદાયની જાહેરાત કરવામાં આવી હતી, જોકે તેની સામાન્ય તારીખ ૮ ઓક્ટોબર છે.