Tue Oct 06 2026

Logo

ચેમ્બુરની સોસાયટીની લિફ્ટમાં ડિલિવરી બોયની શરમજનક હરકત: હાથમાં પેશાબ કર્યાનું સીસીટીવી ફૂટેજ વાયરલ

2026-10-01 21:24:59
Author: Mumbai Samachar Team
ચેમ્બુરની સોસાયટીની લિફ્ટમાં ડિલિવરી બોયની શરમજનક હરકત: હાથમાં પેશાબ કર્યાનું સીસીટીવી ફૂટેજ વાયરલ

મુંબઈ: ચેમ્બુરના તિલકનગર વિસ્તારમાં આવેલી અક્ષય પેરેડાઈઝ સોસાયટીમાં ચોંકાવનારી ઘટના ઘટી છે. સોસાયટીની લિફ્ટમાં એક ફૂડ ડિલિવરી રાઈડરે પોતાના હાથમાં પેશાબ કરીને ત્યાર બાદ તે પીધો હોવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. આ ઘટનાને પગલે સોસાયટીના રહેવાસીઓમાં ભારે ચકચાર મચી ગઈ હતી.

મંગળવારે સાંજે સોસાયટીની લિફ્ટમાંથી દુર્ગંધ આવતાં રહેવાસીઓએ તપાસ શરૂ કરી હતી. લિફ્ટનો ફ્લોર મેટ પણ સંપૂર્ણપણે ભીનો મળી આવ્યો હતો. શરૂઆતમાં કોઈ કૂતરાએ લિફ્ટમાં પેશાબ કર્યો હોવાની આશંકા હતી. જોકે, સીસીટીવી ફૂટેજ તપાસતાં રહેવાસીઓને ડિલિવરી બોયની આ શર્મનાક હરકત જોવા મળી હતી.

સોસાયટીના સભ્ય ગિરીશ શેટ્ટીએ સીસીટીવી ફૂટેજ સોસાયટીના સંદેશાવ્યવહાર જૂથમાં શેર કરીને સુરક્ષા કર્મચારીઓને ડિલિવરી બોયની ઓળખ કરવા જણાવ્યું હતું. સોસાયટીમાં મુલાકાતીઓના નામ અને ફોટોગ્રાફનો રેકોર્ડ હોવાથી ડિલિવરી બોય કયા ઘરમાં ડિલિવરી આપવા આવ્યો હતો તેની માહિતી મેળવી સંબંધિત રહેવાસીને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ શેર કરવામાં આવ્યો હતો.

સોસાયટીના સભ્યોએ પોલીસનો સંપર્ક કરીને ફરિયાદ નોંધવાની વિનંતી કરી હતી. શેટ્ટીના જણાવ્યા મુજબ, પોલીસને પણ આ મામલે કઈ કલમ હેઠળ ફરિયાદ નોંધવી તે અંગે મૂંઝવણ હતી. ઘટનાનો વીડિયો સંબંધિત ડિલિવરી માધ્યમના અધિકારીઓ અને મહારાષ્ટ્રના ખાદ્ય અને ઔષધ પ્રશાસનના કમિશનર તુકારામ મુંઢે સુધી પણ પહોંચાડવામાં આવ્યો હતો. ડિલિવરી માધ્યમ તરફથી એક વખત સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યાર બાદ કોઈ વધુ માહિતી મળી ન હોવાની માહિતી સોસાયટીએ આપી હતી.