કોલકાતા: પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના બે જૂથો વચ્ચે પક્ષના નામ અને ચૂંટણી ચિહ્ન બાબતે ચાલી રહેલી રાજકીય અને કાનૂની લડાઈ વચ્ચે, મમતા બેનર્જીના જૂથને કોલકાતા હાઈકોર્ટે રાહત આપી છે. જેમાં મમતા બેનર્જી ટીએમસીના ત્રણ બેંક એકાઉન્ટના સંચાલન કરવાની વચગાળાની વ્યવસ્થા યથાવત રાખી છે.
ફેરફાર માત્ર આગામી પેટાચૂંટણીઓ પૂરતો જ મર્યાદિત
આ બાબતને ધ્યાનમાં લેતા અદાલતે જણાવ્યું હતું કે ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી ચિહ્નમાં કરવામાં આવેલો ફેરફાર માત્ર આગામી પેટાચૂંટણીઓ પૂરતો જ મર્યાદિત છે. તેથી હાલ પૂરતો તે બેંક ખાતાઓના નાણાકીય સંચાલનને લાગુ પડશે નહીં.
બે અધિકૃત ચેક પર સહી કરવાની મંજૂરી આપવામાં આવશે
જેમાં હાઈકોર્ટના નવા આદેશ અનુસાર, તૃણમૂલ કોંગ્રેસના ત્રણ બેંક ખાતાઓના સંચાલન માટેની વચગાળાની વ્યવસ્થાને 29 જાન્યુઆરી 2027 સુધી લંબાવવામાં આવી છે. મમતાના નેતૃત્વ હેઠળના તૃણમૂલ જૂથના કોઈપણ બે અધિકૃત પ્રતિનિધિઓને ચેક પર સહી કરવાની મંજૂરી આપવામાં આવશે.
વિશેષ અધિકારીની મંજૂરી બાદ બેંક દ્વારા ભંડોળ મુક્ત કરાશે
કોર્ટ દ્વારા નિયુક્ત કરાયેલા વિશેષ અધિકારી અને ભૂતપૂર્વ ન્યાયાધીશ સુબ્રત તાલુકદાર આ ચેકની ચકાસણી કરશે. વિશેષ અધિકારીની મંજૂરી મળ્યા બાદ જ બેંક દ્વારા ભંડોળ મુક્ત કરવામાં આવશે.ટીએમસીના ત્રણ બેંક ખાતા ફ્રીઝ કરવા અંગેના વિવાદને પગલે આ મામલો સૌપ્રથમ જુલાઈ મહિનામાં જસ્ટિસ સૌગત ભટ્ટાચાર્યની બેંચ સમક્ષ આવ્યો હતો.