Mon Sep 07 2026

Logo

કચ્છી ચોવકઃ જેને દુશ્મન વખાણે તે સાચા શૂરવીર!

2026-08-12 09:49:00
Author: Kishor Vyas
કચ્છી ચોવકઃ જેને દુશ્મન વખાણે તે સાચા શૂરવીર!

કિશોર વ્યાસ

ચોવક છે: ‘હણ થોડીને હણોંહણ જીવી.’ પહેલો શબ્દ છે: ‘હણ’ જેનો અર્થ થાય છે કામ કે કાર્ય. ‘થો઼ડી’ એટલે થોડીક. ‘હણોહણ’ એટલે મારોમાર કે ઉતાવળ. ‘જીજી’ શબ્દનો અર્થ થાય છે: વધારે. સીધો શબ્દાર્થ જોવા જઈએ તો અર્થ થાય છે: કામ થોડું અને ઉતાવળ વધારે, પરંતુ ચોવક બીજા અર્થમાં એમ પણ કહે છે કે, ‘જીવન થોડું છે, જીવી લેવાની ઉતાવળ રાખજો.’ ચોવક એમ પણ કહે છે કે, કોઈ કામ કરવાની ઉતાવળ કરવાની જરૂર ન હોવા છતાં એ કામ પૂરું કરવાનો દેખાડો કરવો! કામ કરતાં તેનો તાયફો વધારે કરવો!

ધંધામાં લીલાલહેર કોને હોય? કહેવાય છે કે, સોનીને તેના ધંધામાં લીલાલહેર હોય છે. એટલે જ કચ્છીમાં એમ કહેવાય છે કે: ‘સોની ડુકારેં પ ખટે નેં સુકારેં પ ખેંટ’- દુષ્કાળ હોય કે સુકાળ હોય સોનીને ફરક ન પડે, કારણ કે, દુષ્કાળમાં લોકો સોનું વેચી નાખે અને સુકાળના વરસમાં સોનું ખરીદતા હોય છે. સોનીનો ધંધો બારમાસી ધંધો ગણાય છે! અહીં ‘ડુકારેં’ શબ્દનો ઉપયોગ થયો છે, જેનો અર્થ થાય છે: દુષ્કાળમાં. ‘ખટે’ એટલે કમાય કે કમાણી કરે. ‘સુકારેં’નો અર્થ છે ‘સુકાળ’.

એક બહુ સરસ ચોવક છે: ‘સૂરા સે સચા, જેંની વેરી વખાણી ધા’ ‘સૂરા’ એટલે બહાદૂર કે શૂરવીર ‘સે’ અહીં ‘એ’કે ‘ઈ’ના અર્થમાં મુકાયો છે. ‘સચા’ એટલે સાચા. ‘જેંની’નો અર્થ છે: જેના. ‘વેરી’ એટલે વેરી-દુશ્મન. ‘વખાણીં ધા’ એટલે વખાણશે. સરળ- શબ્દાર્થ એવો થાય છે કે, જેની બહાદુરી દુશ્મનો પણ વખાણે એ સાચા શૂરવીર ગણાય. આપણે ગુજરાતીમાં ઘણી વખત એક કહેવતનો બોલ-ચાલમાં ઉપયોગ કરતા હોઈએ છીએં કે, ‘મા વખાણે દીકરો ડાહ્યો ન ગણાય’ એ અર્થમાં જ આ ચોવક બની છે. જ્યારે બીજા લોકો ગુણના વખાણ કરે એ જ સાચો ગુણિયલ.

સાચા માણસને સૂફી તરીકે ઓળખાવતી પણ એક ચોવક છે: ‘સૂફી સે, જુકો ચૅ તેરઇં મોં તેં’ મતલબ કે, મોઢા પર કહી દેનાર માણસ જ સાચો! શબ્દ છે: ‘સૂફી સે’ અને ‘ચૅ’ એટલે કહે. ‘તેરઇં’ એટલે ત્યારેજ કે મોઢા પર કહી દે તે!

કોઈને કોઈ મહત્ત્વનું કામ સોંપ્યું હોય અને એ વ્યક્તિ, આજે નહીં કાલે કે પછી સવાર-સાંજના વાયદા કર્યા કરે તેવી વ્યક્તિને ‘દરજી’ અને ‘સોની’ સાથે સરખાવવામાં આવી હોય તેવી પણ કચ્છીમાં એક ચોવક પ્રચલિત છે. સામાન્ય રીતે પણ એ આપણા સૌનો અનુભવ રહ્યો હશે કે, દરજી અને સોની હંમેશાં કામ પૂરું કરવાના વાયદા જ કર્યા કરે! તો, તેના માટે ચોવક છે: ‘સૂઈ જી સાંજી નેં સોની જી સવાર’ ‘સૂઈ’ એટલે દરજી. ‘જી’ એટલે ‘ની’. ‘સાંજી’નો અર્થ થાય છે: સાંજ. શબ્દાર્થ છે: દરજીની સાંજ અને સોનીની સવાર (એ ભાગ્યે જ પડે!) તેમના કામના સવાર-સાંજના વાયદાઓ પડ્યા જ કરે!

એક બહુ જ સરસ ચોવક સમાજમાં પ્રચલિત છે. ‘સુકેં તે઼ડી બારીયોં, આલૂકા ઉથલાઈયોં’ ચોવકમાં લાકડાંના ભારાને પ્રતીક બનાવીને જીવનની ફિલસૂફીનો પોતામાં સમાવેશ કરનાર આ ચોવકનો શબ્દાર્થ એવો છે કે, લાકડાં જેવાં સુકાઈ જાય તેવાં બાળીએં, અને ભીના હોય તેને સુકાવા માટે ઉથલાવીએં! ‘સુકેં’ શબ્દનો અર્થ છે, સુકાઈ જાય, ‘તે઼ડાં’ એટલે તેવાં. ‘બારીયોં’ એટલે બાળીએ, (ચૂલામાં), ‘આલૂકા’ એટલે ભીના અને ઉથલાઈયોં એટલે ઉથલાવીએં. સુકા ભેગાં નીલાં (ભીના) ન બાળવાની વાત પણ ચોવકમાં વણી લેવાઈ છે. કેટલા ગહન અર્થ સાથે આ ચોવક બની હશે! ચતુર કરો વિચાર...