Thu Sep 03 2026

Logo

અજબ ગજબની દુનિયા

2026-09-02 08:08:54
Author: Henry Shastri
અજબ ગજબની દુનિયા

હેન્રી શાસ્ત્રી  

આઠ કરોડનો ખાનગી ખુલાસો

સોશ્યલ મીડિયા નામના સમાંતર સમાજમાં ચાલી રહેલી ‘સામાજિક પ્રવૃતિઓ’ એક જુઓ અને એક ભૂલો એવી હોય છે. એમાંય ઓનલાઈન ફ્રોડના કિસ્સા તો એવા હોય છે કે ચકરાવે ચડી જવાય. તાજેતરનો કિસ્સો તો ‘ઉલ્લુ બનતી હૈ દુનિયા, બનાનેવાલા ચાહિએ’નું વિશિષ્ટ ઉદાહરણ છે. માસ્ક પહેરી, ચહેરો ઢાંકી એક શખ્સે ‘ખાનગી ખુલાસા’ની વાત વહેતી મૂકી ‘સમાજના લોકો’માં જબરદસ્ત કુતૂહલ પેદા કર્યું. 

જિજ્ઞાસાના સળવળાટવાળા લોકોએ એમાં જબરી દિલચસ્પી દેખાડી જેને પગલે મોઢું દેખાડ્યા વિના પેલો શખ્સ ‘મૂંહ દિખાઈ’ના સાડા આઠ કરોડ રૂપિયા સમેટી પોબારા ગણી ગયો. શરૂઆત થઈ એક સોશ્યલ મીડિયા અકાઉન્ટથી. આ અકાઉન્ટ 25 ઓગસ્ટ 2026 નામ ધરાવતું હતું. માસ્કધારી વ્યક્તિ એમાં વીડિયો મૂકતો ગયો જેમાં 25 ઓગસ્ટના દિવસે મોટો ધડાકો કરતો ખુલાસો થવાનો છે એ વાત ગાઈ વગાડીને રજૂ કરવામાં આવી હતી. 

એવું તે શું કહેવાનું હશે એ કુતૂહલને કારણે એ અકાઉન્ટના ફોલોઅર્સની સંખ્યા સડસડાટ વધવા લાગી જેનો આંકડો ટૂંક સમયમાં લાખોને પાર કરી ગયો. ખુલાસો કરવાનો દિવસ નજીક આવ્યો ત્યારે યુઝર્સને એક લિંક આપવામાં આવી અને 500 રૂપિયા ભરશો તો રાઝ કી બાત જાણવા મળશે એવી જાળ બિછાવાવમાં આવી. દાવા મુજબ ‘ખાનગી ખુલાસો’ જાણવાની ઉત્કંઠા માટે દોઢ લાખથી વધુ લોકોએ 500 રૂપિયા ભરી દીધા. 

મતલબ કે સાતથી આઠ કરોડ એ અકાઉન્ટમાં જમા થઈ ગયા. પૈસા ભરી લોકો પેઈડ ક્ધટેન્ટ સુધી પહોંચ્યા તો ખુલાસાને નામે આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સની મદદથી તૈયાર કરેલો મોટિવેશનલ વીડિયો સામે આવ્યો જેમાં સમય કેટલો મૂલ્યવાન છે તેમ સવારે વહેલા ઉઠવા જેવી સારી આદતોનું લિસ્ટ અને બીજી સુફિયાણી સલાહ હતી. ટૂંકમાં આઠ કરોડનો ચૂનો લાગી ગયો. જોકે, વ્યક્તિગત ધોરણે 500 રૂપિયા જ ગુમાવ્યા હોવાથી હો હા ન થઈ.

ગરણીનું છાપરું : આફતમાં અવસર

ત્રીજું વિશ્વયુદ્ધ પાણીના મુદ્દે થશે એવી થિયરી છેલ્લાં કેટલાંક વર્ષથી ચર્ચાઈ રહી છે અને એના સંકેત આપતા પાણીની ભીષણ સમસ્યાના છૂટાછવાયા પ્રસંગો બનતા હોય છે. જોકે, સાથે સાથે એની નોબત જ ન આવે એ દિશામાં પ્રયત્નો પણ થઈ રહ્યા છે. આવી જ એક કોશિશ દોઢેક કરોડની વસતિ ધરાવતા ઈસ્ટ આફ્રિકાના રવાન્ડા દેશમાં જોવા મળ્યું છે. પાણીની તીવ્ર સમસ્યાનો સામનો કરતા આ દેશે એકવીસમી સદીમાં રાષ્ટ્રીય બજેટમાં પાણીનો પ્રોબ્લેમ દૂર કરવા નાણાકીય ફાળવણીની શરૂઆત કરી છે. 

સરકારી પહેલની સાથે સાથે જળસંગ્રહ માટે જનજાગૃતિ પણ જોવા મળી રહી છે. અહીંના મોટાભાગના ઘરની છતની રચના એવી રીતે કરવામાં આવી છે જેથી પાણીનું ટીપું પણ વ્યર્થ ન જાય. અત્યંત સરળ અને સસ્તી ટેક્નિકમાં ઘરની છત ઉપર વિશાળ ગરણી આકારની વ્યવસ્થા બેસાડવામાં આવી છે. એની ડિઝાઈન એવી રાખવામાં આવી છે જેથી વરસાદનું પાણી ચારે બાજુએથી એક જગ્યાએ એકઠું થઈ પાઈપ વાટે અંડરગ્રાઉન્ડ ટાંકીમાં પહોંચી જાય છે. 

પરિણામે વરસાદનું પાણી ઘરની ટાંકીમાં જમા થઈ સુરક્ષિત રહે છે અને જરૂર પડ્યે એનો ઉપયોગ કરી શકાય છે. ટાંકી અંડરગ્રાઉન્ડ હોવાથી જગ્યાની સમસ્યા બચી જાય છે અને પાણીને વાતાવરણની અસર નથી થતી તેમ જ ફિલ્ટર કરીને વાપરી પણ શકાય છે. આફતમાં અવસર સાબિત થતી આ સ્માર્ટ છત સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ એક મિસાલ બની ગઈ છે. એમાંય ભારતીય લોકો આ આઈડિયા પર ઓવારી ગયા છે અને આપણે પણ આવું કરવું જોઈએ એવી પ્રતિક્રિયા વ્યક્ત કરી રહ્યા છે. 

ફ્રી વાઈ-ફાઈ લગા કે રખના, ચોર કો ભગા કે દેખના

જુગાડ કરવામાં ભારતીય લોકોનો જોટો જડવો મુશ્કેલ છે. પ્રોબ્લેમ ગમે તે પ્રકારનો અને ગમે એટલો મોટો કેમ ન હોય ભારતીય ભેજું એનો એવો ઉકેલ શોધી કાઢે, જેની કલ્પના પણ ન થઈ શકે. દેશના અનેક નાના મોટા નાગર - શહેરોમાં અનેક આંખો પહોળી થઈ જાય એવા ઉદાહરણ - નુસખા જોવા મળે છે. હવે આ હોશિયારી વિદેશમાં પણ પહોંચી ગઈ છે.
 
પશ્ચિમ આફ્રિકાના ઘાના નામના દેશમાં ચોરલોકોના આતંકથી પરેશાન યુવાને નજીવા ખર્ચે ઝેડ પ્લસ જેવી સુરક્ષા વ્યવસ્થા ઊભી કરેલી જોઈ લોકો મોઢામાં આંગળી નાખી ગયા છે. ઘરફોડીના વારંવાર બનતા કિસ્સાથી બચવા સિક્યોરિટી ગાર્ડ રાખવો પોસાય એમ નહોતું એટલે યુવાને આઈડિયા લડાવ્યો. ઘરની બહાર સાંજે પાંચથી સવારે સાત વાગ્યા દરમિયાન ફ્રી વાઈ - ફાઈ ઉપલબ્ધનું બોર્ડ લગાવી દીધું. 

સાકરના દાણા પાસે કીડી પહોંચી જ જાય એમ ‘મફતનું ચંદન ઘસ બે લાલિયા’ કહેવત યથાર્થ ઠરી અને ફ્રી ઈન્ટરનેટના લોભમાં યંગસ્ટર્સ એ વિસ્તારમાં કલાકો સુધી અડિંગો જમાવી બેસવા લાગ્યા અને મોબાઈલ - લેપટોપનો આનંદ લેવા લાગ્યા. પરિણામે આ વિસ્તારમાં આખી રાત ચહલપહલ રહેવા લાગી અને નજીકમાં ફરકવાની ચોરલોકોની હિંમત જ ન રહી. હવે એ વિસ્તારમાં બધાને રાતે ચૈન કી નીંદ આવે છે અને વાઈ - ફાઇના બિલમાં સુરક્ષા થઈ જાય છે. મોડર્ન પ્રોબ્લેમના મોડર્ન સોલ્યુશન તરીકે એની પ્રશંસા થઈ રહી છે. 

ગધેડાને તાવ આવે એવી વાત

બાળપણમાં તમે સુપડક્ધનો રાજાની વાર્તા સાંભળી હશે. શાળા અભ્યાસમાં હાથીના સૂપડા જેવા કાન એ પણ ભણ્યા હશો. પણ ગધેડાના સૂપડા જેવા કાન અને ‘ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસ’માં સ્થાન? ગધેડાને તાવ આવે એવી વાત (અસંભવ, નકામી અને ગાંડપણ ભરેલી વાત) છે એમ તમે હસતા હસતા બોલી ઊઠશો. જોકે, અમેરિકાના પેન્સિલવેનિયા શહેરમાં આ હકીકત બની છે. 16 વર્ષના એક ગદર્ભનું નામ સત્તાવાર રીતે : ‘ગિનેસ બુક’માં નોંધાઈ ગયું છે. 

આ સિદ્ધિના આનંદનો એટલો અતિરેક થયો છે કે એની માલકણ જેનિફરએ સહ પરિવાર સરસ મજાની પાર્ટી કરી ગધેડાને ગળે વળગાડી વધામણાં પણ આપ્યા અને એને માટે સ્પેશ્યલ ફૂડનો પ્રબંધ પણ કર્યો. હરખ તો એ હદે વધી ગયો કે મેડમ જેનિફરએ ગધેડાના ફોટા સાથેનું ટીશર્ટ બનાવવા આપી દીધું છે. ‘ગિનેસ બુક’ની એન્ટ્રી અનુસાર આ અમેરિકન ગધેડાનું નામ હેંક છે. એના કાન 17.12 ઈંચ (લગભગ દોઢ ફૂટ) લાંબા છે અને આ સિદ્ધિને કારણે નવો વિશ્વવિક્રમ એના નામે થઈ ગયો છે. અગાઉનો સૌથી લાંબા કાન (15.62  ઇંચ)નો વિક્રમ હોપ નામના ગધેડાના નામે હતો. અલબત્ત, લાંબા કાનને કારણે હેંક વધુ સાંભળે છે કે કેમ એની જાણકારી નથી. 

લ્યો કરો વાત 

મન ફાવે ત્યારે દરિયાકિનારે લટાર મારવાનો લહાવો લેવો ગમતી વાત છે. કોઈ ઘૂઘવતો સાગર અને દરિયાના મોજા જોવા જાય. કોઈને વળી દૂર ક્ષિતિજમાં ડૂબતો સૂર્ય જોવાની ઈચ્છા હોય. કોઈને છબછબિયાં કરવા હોય તો કોઈને ભેળ ખાવી હોય. જોકે, ચીનના શેનઝેન વિસ્તારના દામીશા દરિયાનોકિનારો ખૂંદવો ગયા હો અને ‘હાઉસફુલ’નું પાટિયું જોવા મળી શકે છે. 

વાત એમ છે કે 1.8 કિ.મી. લંબાઈના આ બીચ પર શનિ-રવિ દોઢ બે લાખની સંખ્યામાં લોકો ઊમટે છે. કેટલાક લોકો તો કલાકો રાહ જોયા પછી પાણીમાં પગ પલાળવા નથી પહોંચી શકતા. આ વિચિત્ર પરિસ્થિતિને પગલે સ્થાનિક સત્તાધીશોએ સંખ્યા 80 હજાર સુધી મર્યાદિત રાખી છે. બસ અને ટ્રેનથી બીચ સુધી પહોંચવામાં આસાની છે પણ કિનારે પહોંચ્યા પછી જળ સુધી પહોંચતા પરસેવો વળી જાય છે. આ કારણસર લોકોનું રેશનિંગ કરવામાં આવ્યું છે.