માવજી મહેશ્વરી
‘મારે અફસોસ સિવાય બીજું કરવાનું શું હતું? સંજયના ચાલ્યા ગયા પછી મારી મમ્મી એટલે કે મીનાક્ષી તરત મારી બાજુમાં આવીને બેસી જતાં બોલી, ‘સોનલ તું ડરતી નહીં હોં બેટા. અમે બેય હજુ મરી નથી ગયાં. તને આંગળી તો અડાડી જુએ.’ એ વખતે તેણે સંજયની પત્ની સામે જોયું હતું. મને લાગ્યું કે મારે નિર્મલાભાભી સાથે વાત કરવી જોઈએ. મેં ઈશારાથી ભાભીને બાજુમાં બોલાવી, ‘ભાભી તમે સમજાવી શકો તો સમજાવો એને. હું કોઈની દુશ્મન નથી. તમારું માને તો સમજાવી જુઓ. આ રીતે વર્તવું કોઈ સભ્યતા નથી.’ મને નિર્મલાના આંસુ જોઈને વધુ દુ:ખ થયું. મેં પપ્પાને કહ્યું, ‘પપ્પા તમારી એવી તે કઈ લાચારી છે કે તમારી હાજરીમાં જ મારું અપમાન થતું રહે અને તમે જોયા કરો?’
પપ્પાએ મસ મોટો નિસાસો નાખતા કહ્યું, ‘સોનુ મને કંઈ ન પૂછ. મને સમજાતું નથી કે મણિરામ ઝવેરીના ઘરમાં આ બધું શું થઈ રહ્યું છે? બેટા એમ સમજ કે લાચાર છું. મને માફ કરી દે.’
‘પણ તમે આ ઘરના મોભી છો. તમે સંજયના બાપ છો. એને કંઈ નહીં કહી શકો?’
પપ્પા ચૂપ થઈ ગયા. મને એટલું તો સમજાઈ ગયું કે હવે મારી અશાંતિનો સમય શરૂ થતો હતો. એ રાતે એક પછી એક બધા પોત પોતાના કમરામાં ચાલ્યા ગયા. મેં સૂવા માટે કેટલાય પ્રયત્ન કર્યા પણ કેમેય મને ઊંઘ આવતી નહોતી. એ રાતે મેં નક્કી કરી લીધું કે પરિણામ જે આવે તે, આવતી કાલે આ ઝંઝટનો અંત આણી દેવો છે. યોગાનુયોગે બીજા દિવસે બધા વહેલા ઊઠી ગયા હતા. કોઈ કોઈ સાથે બોલતું નહોતું.
અમારા નોકરો સમજી ગયા હતા કે આગલી રાતે કંઈક બન્યું છે. હું ઓફિસે ચાલી ગઈ. સંજય પણ તરત આવ્યો. મને પ્રતિક્ષણ લાગતું હતું કે હમણાં જ સંજય આવશે અને ઝઘડો કરશે. પણ સંજયને બદલે રત્નાકરજી આવી પહોંચ્યા. એમને જોઈ મને રાહત થઈ. તે મારો ચહેરો જોઈને સમજી ગયા હતા કે અમારા ઘરમાં ગઈ રાતે શું બન્યું હશે. તેમણે મારી સામે બેસતાં જ કહ્યું, ‘મને અંદાજ છે કે મેં જે કહ્યું હતું તે જ થયું છે. સંજય આડો ફાટ્યોને ?’
‘હા, તેણે કોઈ ચર્ચા જ થવા ન દીધી. જાણે અલ્ટીમેટમ આપતો હોય તેમ તેણે કહી દીધું, કે ‘એમ. વી. એન્ટરપ્રાઈઝ મને જોઈએ. એ નહીં થાય તો એ જોઈ લેશે.”
‘મને અંદાજ હતો જ કે એ એવું જ કહેશે. એને બરાબરની ચાવીઓ ચડેલી છે. ચિંતા ન કરો. આપણે વિચારી લઈશું. એના મામાઓને તમારી સાથે શી ખબર કયા જન્મનું વેર છે તે મને સમજાતું નથી. મોહનલાલે જે કર્યું તેનો બદલો એ લોકો તમારી સામે શા માટે લે છે. પણ તમે આજે કોઈક નિર્ણય લઈ જ લો. જરૂર પડે પોલીસની મદદ લો. ભલેને કોર્ટ મેટર થતી. અથવા હમણાં તમારા પપ્પાને પાવરદાર બનાવી વહીવટ એમને સોંપી દો. જોઈએ એનું શું પરિણામ આવે છે.’
દાદા મને રાતે ઊંઘ નથી આવી. મેં બધું વિચારી લીધું છે. સંજયને તો કંઈ આપવું જ નથી. હા, તમે કહો છો તેમ પપ્પાને હમણાં પાવરદાર બનાવી હું મુક્ત થઈ જાઉં. જોઉં તો ખરી કે એ બાપ દીકરો શું કરે છે.
‘છતાં પ્રશ્નો તો થશે. પહેલો પ્રશ્ન તેમના સ્વમાનનો છે. તે તારા પાવરદાર તરીકે રહેવાનું પસંદ ન કરે. અહીં એક બીજો મુદ્દો પણ છે. જો પપ્પા તમારી મમ્મીને પાવરદાર બનાવવાનો આગ્રહ રાખે તો તમે શું કરશો?’ આટલું કહીને રત્નાકરજી મારી સામે જોઈ રહ્યા. રત્નાકરજીની વાત સાચી હતી. આગલી રાતે સંજયે મારી સાથે ઝઘડો કર્યો એથી મનોમન મમ્મી ખુશ હતી. કારણ કે એમ કરતા સંજય આપમેળે નીકળી જતો હતો. રત્નાકરજી સહેજ મલક્યા. હું સમજી એમણે જે સમસ્યાઓ બતાવી તેના સોલ્યુશન એમની પાસે હશે.
‘આપે મને ગૂંચવી નાખી દાદાજી.’
‘એ ન ચાલે તમે જે સ્થાન પર હો એ મુજબ હિંમત કેળવવી પડે, એ મુજબ નિર્ણયો લેવા પડે. એમ ભાગી છુટાય નહીં. તમે અત્યારે કરોડોના કારોબારના માલિક છો. તમારા એક ફોનથી પોલીસની પલટન હાજર થઈ જાય એની તમને ખબર હોવી જોઈએ.’
‘મેં માથું ધુણાવી નિરાશ સ્વરે કહ્યું, ‘એ બધું સાચું પણ હવે મને આમાંથી બહાર નીકળવું છે. હું ઉબાઈ ગઈ છું આ પૈસાની ચમકથી.’
રત્નાકરજી ફરીથી મલક્યા. થોડી ક્ષણો એમને એમ પસાર થઈ ગઈ. અચાનક તે બોલ્યા, ‘તમારા પપ્પાને બોલાવી લો. એમને એ પણ કહેજો કે હું પણ અહીં છું.’
હું પપ્પાને ફોન કરવા જતી જ હતી કે પપ્પાએ મારી ચેમ્બરનું બારણું ખોલ્યું. રત્નાકરજીને જોઈ તે જરા ખંચકાયા. એમનો સંકોચ દૂર કરવા જ કદાચ રત્નાકરજીએ કહ્યું, ‘તમારું આયુષ્ય લાંબું છે. જસ્ટ હમણાં જ તમને બોલાવવા માટે બેનને ફોન કરવાનું મેં કહ્યું.’
પપ્પાની આંખોમાં ઘેરી નિરાશા હતી. તેમણે નિરાશ સ્વરે કહ્યું, ‘હવે લાંબા આયુષ્યની વાત ન કરો વોરાસાહેબ.’
‘અરે, એવું ચાલ્યા કરે નાનાશેઠ? એમાં નિરાશ થઈ જવાનું ન હોય. તમારી દીકરીને હિંમત આપો અથવા તમે જાતે મેદાનમાં આવો.’
રત્નાકરજીએ બહુ જ ચતુરાઈપૂર્વક વાતની ભૂમિકા બાંધી લીધી. મારા પપ્પાની આંખોમાં બદલાતા રંગ મેં બરાબર જોયા. તેમણે ખુરશી પર સરખી રીતે બેસતાં કહ્યું, ‘હવે મને અફસોસ થાય છે. જે કંઈ થયું તે મારી ભૂલોને કારણે થયું છે.’
‘તમારા પિતાજી અને મારા અંગત સંબંધને નાતે તમને મોહનલાલ જ કહું તો વાંધો નથી ને?’
મારા પપ્પા જરા ગળગળા થઈ ગયા. તેમણે કહ્યું, ‘અરે એ શું બોલ્યા વોરાસાહેબ, હું તો તમારા દીકરા સરખો છું. તમે મને તું કહીને બોલાવશો તો મને વધારે ગમશે.’
‘તો મોહનલાલ તમારા પિતાજીના દેહાંત બાદ તમારા પરિવારમાં વિલના કારણે ખટરાગ જાગ્યો છે એ હું જાણું છું. સોનલબહેન થાક્યાં છે અથવા કંટાળ્યા છે એવું હું કહી ન શકું. પણ એમની ઈચ્છા એવી છે કે હાલના તબક્કે એમ.વી.નો કારોબાર તમે સંભાળી લો. જેમ તમે પહેલા તમારા પિતાજી વતી ચલાવતા તેમ હવે સોનલબહેન વતીથી એમના પાવરદાર કામ કરો. ટર્મ કન્ડીશન જે સોનલબહેન કહેશે તે.’
‘પછી સંજય?’ પપ્પાથી બોલાઈ ગયેલું.
‘એ મુદ્દો અત્યારે છે જ નહીં. અત્યારે મુદ્દો છે સોનલબહેન વતી એમ વી એન્ટરપ્રાઈઝ ચલાવવાનો. તમે એ માટે સહમત છો?’
પપ્પા થોડીવાર મારી સામે જોઈ રહ્યા. એમને કદાચ એ વિચાર આવ્યો હશે કે અમે બેય જણે આટલું ક્યારે વિચારી લીધું. તેમણે કહ્યું, ‘સોનલ આ તો મને વોરાસાહેબે એમની ફરજના ભાગ રૂપે કહ્યું. તું કંઈ નહીં કહે?’
‘પપ્પા, રત્નાકરજીએ જે કહ્યું તે એક કાયદાનો વિષય છે. ચાલો આપણે એક બાપ દીકરી તરીકે વાત કરીએ. કાલે આપણાં ઘરમાં, તમારી હાજરીમાં જે કંઈ થયું તે વખતે મેં તમને દુ:ખી જોયા હતા. તમે પણ મારું અપમાન જોઈને અકળાયા હશો. તમને નથી લાગતું કે તમારે મને મદદ કરવી જોઈએ?
મને ખબર છે કે આપણાં ઘરના લોકોની હાજરીમાં કોઈ રસ્તો નહીં નીકળે. રાતે સંજયભાઈએ જે ડિમાન્ડ કરી છે તેની સાથે તમે સહમત છો? જો તમે એમ કહો કે બધુંય સંજયભાઈને નામે કરી દે, તો હું તેમ કરવા પણ તૈયાર છું. બોલો તમે જ કહો હું શું કરું?’
પપ્પા વિચારમાં પડી ગયા. એમણે જરા શબ્દો ગોઠવીને કહ્યું, ‘ના મેરબાની કરીને સંજયને નામે કશું ન કરતી. આપણને ધક્કો મારીને બહાર કાઢતાં એને શરમ નહીં આવે. મારે ક્યાં સુધી પાવરદાર રહેવું?’
‘પપ્પા તમે ઈચ્છો ત્યાં સુધી.’
‘સોનલ તને ખરેખર આ મિલકતમાં રસ નથી? પપ્પાએ આખરે એ વાત પૂછી જ નાખી જે એમના મનમાં રમતી હતી. એમને હજુય મારા પર પૂરેપૂરો વિશ્વાસ નહોતો. હું હસી. મેં એકદમ તેમની આંખોમાં જોતા કહ્યું, ‘પપ્પા તમને તો ખબર છે કે મારું લોહી ભેળસેળવાળું છે.
અડધું તમારું છે, અડધું મમ્મીનું છે. મમ્મી મારા જેવી જ હતી ને? તેણે કદી તમારી મિલકતમાં રસ લીધો હતો? પપ્પા અત્યારે બધીય બાબતોથી હટીને ફક્ત તમારી દીકરીના સંબંધે કહું છું કે જો તમે કહેતા હો કે મારે પાવરદાર નહીં માલિક થવું છે, તો હમણાં જ રત્નાકરજીને કહું કે તેઓ પેપર્સ તૈયાર કરે. મને ખરેખર કશું નથી જોઈતું. હું તો આપણાં ઘરની શાંતિ ઝંખું છું. પણ મને નથી લાગતું કે આપણા ઘરમાં શાંતિ આવે.
તમે આ ફર્મનો વહીવટ કરતા હતા, હજુય કરશો. મને એ પણ ખબર છે કે મારાં પગલાંનું શું રીએક્શન આવશે. હું ભલે સંજયની બહેન હોંઉ, પણ તે મને બહેન માનતો નથી. હું અહીં નહીં હોઉં તો કદાચ એ શાંત થઈ જશે.’ મેં મમ્મીની યાદ અપાવી તેથી પપ્પા જરા ડિસ્ટર્બ થઈ ગયા. મને ખબર હતી કે તે મારી મમ્મીને બહુ જ પ્રેમ કરતા હતા. હજુ પણ ભુલ્યા નહોતા. મારા શબ્દોએ એમને વિચલિત કરી નાખ્યા. તેમણે લાગણી ભરી નજરે મારી સામે જોતાં કહ્યું, ‘સોરી બેટા કાલે અને તે પહેલા પણ તારું અપમાન થતું હું અટકાવી શક્યો નથી.’
‘કંઈ વાંધો નહીં પપ્પા. તમારા મનમાં હજુય કોઈ શંકા હોય તો કહી નાખો. તમારે વિચારવાનો સમય જોઈતો હોય, કદાચ મમ્મી સાથે ચર્ચા કરવી હોય તો કરી લ્યો.’
મેં જાણી જોઈને મમ્મીની વાત કાઢી. પપ્પા જરા ટટ્ટાર થયા. તેમણે કહ્યું, ‘એને પૂછવાની મને જરૂર જણાતી નથી. હા, એની એવી ઈચ્છા છે કે આ ફર્મમાં તેનો પણ કોઈ હોદ્દો હોય.’
અમારી વાતો સાંભળી રહેલા રત્નાકરજીએ શબ્દો ગોઠવીને કહ્યું, ‘જો સોનલબહેન એ પ્રકારનો તમને પાવર આપે તો તમે જાતે એમને મેનેજર બનાવી શકો. તમે ઘરના અન્ય સભ્યોને પણ હોદ્દો આપી શકો અથવા એમનો પગાર પણ નક્કી કરી શકો. એ ટર્મ કન્ડિશનના ભાગ રૂપે આવી શકે.’
રત્નાકરજીએ શું વિચારીને મમ્મીને મેનેજર બનાવવાની વાત કરી તે મને સમજાયું, તેઓ કદાચ એક વિવાદને ઊગતો અટકાવવા માગતા હતા.
‘કયો વિવાદ?’ સનતે ઘણા સમય પછી તેની ચુપકિદી તોડી.
મમ્મીને મેનેજર બનાવવામાં આવે એટલે તેનો ઈગો સચવાઈ જાય. પોતાના હાથમાં કંઈ નથી એવો વિચાર તેને ન આવે. એમણે પગારની જે વાત હતી તે સંજયના સંદર્ભમાં કહી હતી. પપ્પા એગ્રી થઈ ગયા. રત્નાકરજીએ એમને પૂછી પૂછીને ટર્મ કન્ડિશન નક્કી કરી પેપર્સ તૈયાર કર્યા. એમ. વી. એન્ટરપ્રાઈઝના જનરલ પાવરદાર તરીકે મોહનલાલ મણિરામ ઝવેરીની નિમણૂક્ના પેપર્સ પર મેં એકદમ હળવાશથી સહી કરી.
હું મારી ખુરશી પરથી ઊભી થઈ ગઈ તો મને અટકાવતા રત્નાકરજીએ કહ્યું, ‘એમ નહીં બહેન આખા સ્ટાફને ભેગો કરો, તમે જ જાહેરાત કરો.’ પપ્પાને તેમની વાત ગમી. થોડીવારમાં આખોય સ્ટાફ મીટિંગ રૂમમાં હાજર થયો. સંજય પણ હતો. મેં જરા સુકાતા ગળે વિતેલાં એક વર્ષની વાત કરી, સ્ટાફના થોડાં વખાણ કર્યાં, હું આરામ કરવા માગું છું તેવી વાત પણ કહી અને પછી પપ્પાના નામની જાહેરાત કરી.
એ જાહેરાત થયાની બે મિનિટ પછી સંજય ઊભો થયો અને સામે એક સ્માઈલ ફેંકીને ચાલ્યો ગયો.
(ક્રમશ:)