રવિ નાયક
વસાહતીઓનો મુદ્દો યુરોપના પ્રજાજનોમાં ભારે ઉશ્કેરાટ ફેલાવી રહ્યો છે. અત્યારના સંજોગોમાં યુરોપિયન પ્રજાનો મોટો વર્ગ પોતાની સરકારોનાં લિબરલ અભિગમથી નાખુશ છે. એમનું માનવું છે કે આફ્રિકન દેશોમાંથી છાસવારે ઘૂસણખોરી કરનારા લોકો યુરોપની સંસ્કૃતિને ખતમ કરી રહ્યા છે.
એવામાં વળી એવું થયું કે જુલાઈના અંતભાગે મોરોક્કોના હજારો નાગરિકો અચાનક સ્પેનના તાબા હેઠળના એક શહેરમાં ઘૂસી આવ્યા. ત્રણેક દિવસોમાં જ એટલી મોટી સંખ્યામાં મોરોક્કન્સ અહીં આવી ચડ્યા, કે રાતોરાત એ શહેરની વસતિ બમણી થઇ ગઈ! આ ઘટનાક્રમ બાદ આખું યુરોપ ફફડી ઉઠ્યું. ન્યૂઝ ચેનલ્સ પર દરિયા કિનારેથી ચાલીને સ્પેનમાં પ્રવેશતા લોકોના ધાડેધાડા જોઇને સ્વાભાવિક રીતે જ યુરોપિયન પ્રજાની તો જાણે ઊંઘ ઊડી ગઈ.
જોકે આ ઘટનાક્રમ માટે જવાબદાર ઈતિહાસ અને આ પ્રદેશની રાજકીય પરિસ્થિતિ જરા પેચીદી બાબતો છે. મોરોક્કોની મોટા ભાગની વસતિ મુસ્લિમ છે અને સ્પેનમાં ઘૂસનારા લોકો ય મહદઅંશે મુસલમાન જ હશે. બીજી તરફ સ્પેન એક ખ્રિસ્તી દેશ છે એટલે આ આખા મુદ્દાને બહુ સહજ રીતે માત્ર ધાર્મિક એન્ગલથી જ મૂલવવામાં આવે એ સ્વાભાવિક છે. બીજો મુદ્દો એ છે કે મોરોક્કો આફ્રિકા ખંડનો હિસ્સો છે જ્યારે સ્પેન એક યુરોપિયન દેશ છે. યુરોપ અને આફ્રિકા વચ્ચેનો આર્થિક તફાવત ઊડીને આંખે વળગે એવો જ હોવાનો.
આ બધા વચ્ચે ત્રીજો મુદ્દો સૌથી પેચીદો છે. યુરોપિયન યુનિયનના દેશો વચ્ચે થયેલી સંધિ મુજબ યુરોપનાં રાષ્ટ્રો વચ્ચેની સરહદો બહુ ચુસ્ત નથી. અહીં એક દેશમાં વસતો યુરોપિયન નાગરિક ઝાઝી ઝંઝટ વિના બીજા યુરોપિયન દેશમાં આસાનીથી જઈ શકે છે, પણ યુરોપિયન યુનિયનના સભ્ય રાષ્ટ્રો સિવાયના દેશો સાથેની સરહદો ચુસ્ત રીતે બંધ રાખવામાં આવે છે.
હવે કોઈક આફ્રિકન દેશના નાગરિકોના ધાડેધાડા સ્પેનમાં ઘૂસી જાય, તો ભવિષ્યમાં આજ ટોળું યુરોપના અન્ય રાષ્ટ્રોમાં ય આસાનીથી ઘૂસણખોરી કરે. આથી મોરોક્કન્સની ઘૂસણખોરી બાદ બાકીનું આખું યુરોપ સ્પેન પર નારાજ થયું છે.
મોટા ભાગના લોકો માને છે કે આફ્રિકન દેશ મોરોક્કોના નાગરિકો સમુદ્ર ઓળંગીને યુરોપ ખંડના દેશ સ્પેનમાં ઘૂસી ગયા. આ માન્યતામાં સત્ય પા ભાગ જેટલું છે, બાકીના પોણા ભાગનું સત્ય સમજવા ભૂ-રાજકીય પરિસ્થિતિ અને ઈતિહાસ સમજવા પડે. મોરોક્કન નાગરિકો જ્યાં ઘૂસ્યા એ શહેર એટલે સ્પેનનું સેઉટા (Ceuta). કેટલાક એનો ઉચ્ચાર સ્યુટા તરીકે કરે છે. આ શહેર ભૌગોલિક રીતે સ્પેનના ભૂખંડમાં નથી, બલકે મોરોક્કો સાથે જોડાયેલું છે.જી હા, ભૂમધ્ય સમુદ્ર અને એટલાન્ટિક મહાસાગર જ્યાં ભેગા થાય છે, એ વિસ્તાર એટલે જીબ્રાલ્ટરની સામુદ્રધુની.
અહીં જીબ્રાલ્ટરની ઉત્તર દિશામાં સ્પેન (એટલે કે યુરોપ) અને દક્ષિણ દિશમાં મોરોક્કો (એટલે કે આફ્રિકા) છે. નકશો જુઓ તો તમને એવું જ લાગે કે સેઉટા શહેર મોરોક્કોનો હિસ્સો છે પણ હકીકતે એ સ્પેનિશ ટેરીટરી એટલે કે સ્પેનના કબજા હેઠળનો વિસ્તાર છે. સેઉટા અને તેની પૂર્વમાં આવેલું મેલિલા (Melilla) શહેર, એ આખા આફ્રિકા ખંડમાં યુરોપિયન યુનિયન (EU)ની એકમાત્ર જમીની સરહદો છે. આ ભૌગોલિક સ્થિતિ તેને ખૂબ જ સંવેદનશીલ અને વ્યૂહાત્મક બનાવે છે. આફ્રિકાથી યુરોપમાં ગેરકાયદેસર રીતે પ્રવેશવા માંગતા આફ્રિકન અને મોરોક્કન નાગરિકો માટે સેઉટા પહેલેથી જ આસાન ટાર્ગેટ રહ્યું છે. મોરોક્કોના દરિયા કિનારેથી થોડું તરીને સેઉટાના દરિયા કિનારે પહોંચી શકાય છે.
ઇતિહાસ એવો છે કે મધ્યયુગ દરમિયાન ઉત્તરીય આફ્રિકા ઇસ્લામિક તેમજ બર્બર રાજવંશોના શાસન હેઠળ રહ્યો. વર્ષ 1415માં પોર્ટુગલના રાજાએ સેઉટા પર ચડાઈ કરીને તેને પોતાના નિયંત્રણમાં લઈ લીધું, પરંતુ પંદરમી સદી દરમિયાન યુરોપ ખંડના જ બે પડોશી દેશો સ્પેન અને પોર્ટુગલ વચ્ચે ય સંઘર્ષ થયો, જેમાં પોર્ટુગલે સેઉટાનો કબજો મેળવ્યો. એ પછી ઘણી સખળડખળ ચાલતી રહી અને સત્તરમી સદીમાં પોર્ટુગલે શહેરનો કબજો ફરીથી સ્પેનને સોંપ્યો.
એમાં વળી મોરોક્કો દેશ કાળક્રમે સ્પેન અને ફ્રાન્સના કબજા હેઠળ રહ્યો. ઠેઠ 1956માં મોરોક્કો આઝાદ થયું, ત્યારેય સ્પેને સેઉટા અને મેલિલા પરનો પોતાનો કબજો કાયમ રાખ્યો. આ બંને શહેરોમાં વસતા નાગરિકો પણ સ્પેનિશ જ છે. એટલે આ શહેરોએ પણ સ્પેન સાથે જ રહેવાની ઈચ્છા જાહેર કરી. બીજી તરફ મોરોક્કો સેઉટાને પોતાનું શહેર ગણાવતું રહ્યું.
આ બધી બબાલ વચ્ચે બીજો મુદ્દો પણ સળગ્યો વેસ્ટર્ન સહારા પ્રદેશનો કબજો. આમ તો પશ્ર્ચિમી સહારા પ્રદેશ સ્પેનથી ભૌગોલિક રીતે ખાસ્સો દૂર છે. વચ્ચે આખો મોરોક્કો દેશ આવેલો છે. તેમ છતાં સ્પેને 1975 સુધી વેસ્ટર્ન સહારામાં પોતાની વસાહત રાખેલી. એ પછી મોરોક્કોએ અહીં કબજો જમાવ્યો, પણ સ્પેને અહીંના મૂળ નિવાસી લોકોને મોરોક્કો વિરુદ્ધ સપોર્ટ આપવાનું ચાલુ રાખ્યું.
સેઉટા શહેરનો મામલો કદાચ એટલો ભડક્યો ન હોત, પણ વેસ્ટર્ન સહારાનો બદલો લેવા માટે મોરોક્કો વર્ષોથી પોતાના બેરોજગાર લોકોને સેઉટામાં ઘૂસણખોરી કરવા ઉશ્કેરતું રહ્યું છે. જુલાઈના અંત ભાગે જે હજારો ઘુસણખોરો સેઉટામાં ઘૂસી આવ્યા, એ ઘટના પણ મોરોક્કોના પોલીસતંત્રની રહેમ નજર હેઠળ ઘટી હોવાનું મનાય છે. ટૂંકમાં વધુ એક સંભવિત યુદ્ધ ઘડિયાળની ટિક ટિક સાથે આગળ ધપી રહ્યું હોવાની શકયતા ગાજી રહી છે.