(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં બુધવારે વરસાદે બ્રેક લીધા બાદ ગુરુવાર સવારથી ફરી મુંબઈના કેટલાક ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ ચાલુ રહ્યો હતો. આ અઠવાડિયાની શરૂઆતમાં ટૂંકા પણ છૂટાછવાયા વરસાદથી થોડી રાહત થઈ હતી. ભારતીય હવામાન વિભાગ અનુસાર શુક્રવારે થાણે માટે યલો એલર્ટ રહેશે, જ્યારે મુંબઈ અને પાલઘર માટે આગામી ત્રણ દિવસ માટે કોઈ હવામાન ચેતવણી જારી કરવામાં આવી નથી.
ગુરુવારે સમગ્ર શહેરમાં વરસાદ વ્યાપક રહ્યો હતો, છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગના ઓટોમેટિક વેધર સ્ટેશનના ડેટા મુજબ પૂર્વ ઉપનગરમાં સવારે આઠ વાગ્યાથી સાંજના છ વાગ્યાની વચ્ચે સૌથી વધુ સરેરાશ ૧૬.૫૦ મિલીમીટર વરસાદ નોંધાયો હતો. તો પશ્ર્ચિમ ઉપનગરમાં ૧૩.૭૫ મિ.મી. અને મુંબઈ શહેરમાં ૧૧.૭૪ મિ.મી. વરસાદ નોંધાયો હતો.
સતત વરસાદથી મુંબઈને પાણી પહોંચાડતા સાત તળાવોને પણ ફાયદો થયો છે. છેલ્લા બે દિવસ દરમ્યાન તૂટક તૂટક વરસાદે સંયુક્ત પાણીનો સ્ટોક ૧૩.૦૬ લાખ મિલ્યન લિટર એટલે કે લગભગ ૯૦ ટકા સુધી પહોંચાડી દીધો છે. આ ગયા વર્ષે આ જ તારીખે નોંધાયેલા ૧૨.૯૧ લાખ મિલ્યન લિટર (૮૯.૨૧ ટકા) કરતા નજીવો વધારે છે. વર્તમાન પાણીના જથ્થા સાથે મુંબઈમાં અંદાજિત ૩૧૯ દિવસ સુધી ચાલે એટલો પાણીનો સ્ટોક થઈ ગયો છે. જળાશયોના સ્તરમાં સુધારો થયો હોવા છતાં શહેરને ૧૫ મેથી લાદવામાં આવેલા ૧૦ ટકા પાણી કાપ હજી સુધી પાછો ખેંચવામાં આવ્યો નથી.