Mon Aug 17 2026

Logo

ડૉલર સામે રૂપિયો 12 પૈસા ઘટ્યો

2026-08-13 19:50:54
Author: Ramesh Gohil
Article Image

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ
સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ, ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં વેચવાલી અને આયાતકારોની ડૉલરમાં લેવાલી રહેતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 12 પૈસાના ઘટાડા સાથે 95.45ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને બે્રન્ટ ક્રૂડતેલના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હોવાથી રૂપિયાને આંશિક ધોરણે ટેકો મળ્યો હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ જણાવ્યું હતું.
 
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 95.33ના બંધ સામે નરમાઈના અન્ડરટોને 95.40ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 95.48 અને ઉપરમાં 95.35ની રેન્જમાં રહ્યા બાદ અંતે ગઈકાલના બંધ સામે 12 પૈસાના ઘટાડા સાથે 95.45ના મથાળે બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ડૉલર સામે રૂપિયામાં સાધારણ ત્રણ પૈસાનો સુધારો આવ્યો હતો. 

હાલમાં વૈશ્વિક બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને અમેરિકા  તથા ઈરાન વચ્ચેની ડીલમાં થઈ રહેલા વિલંબને ધ્યાનમાં લેતા આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયામાં નરમાઈનું વલણ જોવા મળે તેવી શક્યતા વ્યક્ત કરતાં મિરે એસેટ્ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ જણાવતાં ઉમેર્યું હતું કે અમારા મતે આગામી ટૂંકા સમયગાળામાં ડૉલર સામે રૂપિયો 95.20થી 95.70 આસપાસની રેન્જમાં રહે તેવી શક્યતા નકારી ન શકાય. 

ગત જુલાઈ મહિનામાં ખાસ કરીને કાંદા સહિતની રોજીંદી વપરાશી ખાદ્ય ચીજોના ભાવ વધી આવતાં દેશમાં રિટેલ ફુગાવો રિઝર્વ બૅન્કના અંદાજ કરતાં વધીને 4.45 ટકાની સપાટીએ રહ્યો હોવાથી રૂપિયો દબાણ હેઠળ આવ્યો હતો. તેમ જ આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સમાં 113.61 પૉઈન્ટનો સુધારો આવ્યો હતો, જ્યારે એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં 40.10 પૉઈન્ટનો ઘટાડો આવ્યો હતો. તેમ જ ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 1002.50 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાનું એક્સચેન્જે જણાવતાં ગબડતા રૂપિયાને ઢાળ મળ્યો હતો. જોકે, આજે  વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ 0.11 ટકા ઘટીને 99.89 આસપાસ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ 1.51 ટકા ઘટીને બેરલદીઠ 87.64 આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી રૂપિયાને અમુક અંશે ટેકો મળ્યો હતો.