Tue Aug 18 2026

Logo

ફડણવીસની મોટી જાહેરાત! 2027 સુધીમાં દોડશે 'મેટ્રો' જેવી લોકલ, મુંબઈગરાની લોકલ ટ્રેનની મુસાફરી બનશે વધુ આરામદાયક?

2026-08-13 21:19:02
Author: Mumbai Samachar Team
Article Image

ઓટોમેટિક દરવાજા અને અત્યાધુનિક સુવિધાઓ સાથે લોકલ મુસાફરી બનશે વધુ સુરક્ષિત 
 
મુંબઈ:
મુંબઈગરાની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનમાં દરરોજ લાખોની સંખ્યામાં મુસાફરો મુસાફરી કરે છે. જો કે ધસારાના સમયમાં લોકલમાં પ્રવાસ માથાનો દુઃખાવો બની જતો હોય છે, તેની વચ્ચે હવે મુંબઈગરા માટે રાહતના સમાચાર છે. મુંબઈની ઉપનગરી લોકલ ટ્રેન વ્યવસ્થાને વધુ આધુનિક અને પેસેન્જરફ્રેન્ડલી બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું લેવાયું છે. આગામી સમયમાં મુંબઈના પાટા પર મેટ્રો જેવી સુવિધાઓ ધરાવતી નવી લોકલ ટ્રેનો દોડતી જોવા મળી શકે છે.

કેન્દ્ર સરકાર દ્વારા મુંબઈની ઉપનગરી રેલ વ્યવસ્થાની ક્ષમતા વધારવા માટે 238 નવી 12-કોચવાળી રેકને મંજૂરી આપવામાં આવી છે. આ રેકમાં સ્વચાલિત દરવાજા સહિતની આધુનિક સુવિધાઓ હશે. આ ટ્રેનોની ખરીદીની પ્રક્રિયા પણ આગળ વધી રહી છે. આજે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે 2027માં મુંબઈગરાઓની સેવામાં મેટ્રો જેવી 238 ઉપનગરીય લોકલ ટ્રેનો લાવવાનું લક્ષ્ય છે. માર્ચ 2030 સુધીમાં સમગ્ર લોકલ ટ્રેન વ્યવસ્થાને મેટ્રો જેવી આધુનિક બનાવવાની દિશામાં કામ કરવામાં આવશે.

નવી જનરેશનની આ લોકલ ટ્રેનોમાં સ્વચાલિત દરવાજા મુસાફરોની સુરક્ષા માટે મહત્વપૂર્ણ સાબિત થશે. હાલમાં મુંબઈમાં દોડતી એસી લોકલ ટ્રેનોમાં પણ ઓટોમેટિક દરવાજા છે, જે ટ્રેન ચાલતી હોય ત્યારે બંધ રહે છે અને સ્ટેશન પર ટ્રેન ઊભી રહે ત્યારે જ ખુલે છે. આ વ્યવસ્થાથી ચાલતી ટ્રેનમાંથી પડી જવાના અને લટકીને પ્રવાસના જોખમને ઘટાડવામાં મદદ મળે છે.  

પ્રોજેક્ટ માટે કુલ આશરે રૂ. 19,293 કરોડનો ખર્ચ મંજૂર 

નવી ટ્રેનોમાં મુસાફરોને વધુ આરામદાયક અને સુરક્ષિત મુસાફરીનો અનુભવ મળે તે માટે અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની યોજના છે. રેલવેના જણાવ્યા મુજબ 238 નવી રેક 12 કોચની હશે અને તેમાં દરવાજાની વ્યવસ્થા હશે. આ પ્રોજેક્ટ માટે કુલ આશરે રૂ. 19,293 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. 

મુંબઈમાં 3,234 ઈએમયુ લોકલ સેવા ચલાવાય છે

મુંબઈમાં ઉપનગરી રેલવે પર મુસાફરોની સંખ્યા સતત વધી રહી છે, જેમાં એવરેજ દર પાંચ મિનિટે લોકલ ટ્રેન દોડાવાય છે. હાલમાં સેન્ટ્રલ અને વેસ્ટર્ન રેલવે મળીને દરરોજ 3,234 ઈએમયુ લોકલ સેવા ચલાવાય છે, જેમાં એસી લોકલનો પણ સમાવેશ થાય છે. નવા રેક ઉમેરવાથી મુસાફરોની વધતી સંખ્યાને પહોંચી વળવામાં મદદ મળશે. 

ઓટોમેટિક ડોરથી સુરક્ષાના સ્તરમાં થશે વધારો

રેલવે દ્વારા માત્ર નવી ટ્રેનો જ નહીં, પરંતુ મુંબઈના વિવિધ સ્ટેશનો પર પ્લેટફોર્મ, પિટ લાઇન, સ્ટેબલિંગ લાઇન અને અન્ય સુવિધાઓની ક્ષમતા વધારવાના કામ પણ હાથ ધરવામાં આવ્યા છે. નવી ટ્રેનોની કામગીરી કયા રૂટ પર અને કેટલી સંખ્યામાં શરૂ થશે તે ટ્રેકની ક્ષમતા, ઉપલબ્ધ રેલ-પાથ, રોલિંગ સ્ટોક અને જરૂરી માળખાકીય સુવિધાઓ સહિતના પરિબળો પર આધારિત રહેશે. રેલવેની યોજના મુજબ 238 નવી ઉપનગરી (ઈએમયુ) રેક મુંબઈની મુસાફરીની ક્ષમતા વધારશે. સાથે જ ઓટોમેટિક દરવાજા જેવી સુવિધાઓથી દૈનિક મુસાફરીમાં સુરક્ષાનું સ્તર પણ સુધરવાની અપેક્ષા છે. 

2030 સુધીમાં મેટ્રો જેવી આધુનિક સુવિધાઓથી સજ્જ

2027માં 238 નવી લોકલ ટ્રેનો લાવવાનું લક્ષ્ય મુંબઈની ઉપનગરીય પરિવહન વ્યવસ્થાના આધુનિકીકરણમાં મહત્વપૂર્ણ તબક્કો બની શકે છે ત્યાર બાદ માર્ચ 2030 સુધીમાં સમગ્ર લોકલ ટ્રેન વ્યવસ્થાને મેટ્રો જેવી આધુનિક સુવિધાઓથી સજ્જ કરવાની દિશામાં કામ કરવાનો લક્ષ્યાંક છે.
જો આ યોજના નિર્ધારિત સમયમર્યાદા પ્રમાણે આગળ વધશે, તો આગામી કેટલાક વર્ષોમાં મુંબઈગરાઓની રોજિંદી લોકલ સફરમાં મોટો બદલાવ જોવા મળી શકે છે. મેટ્રો જેવી સુવિધાઓ ધરાવતી નવી લોકલ ટ્રેનો મુંબઈની જાહેર પરિવહન વ્યવસ્થાને વધુ સુરક્ષિત અને આધુનિક અને પેસેન્જરફ્રેન્ડલી બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.