ન્યૂ યૉર્કઃ અમેરિકાના પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પ (Trump) અને ફિફાના પ્રેસિડન્ટ જિયાની ઇન્ફેન્ટિનો તાજેતરના ફૂટબૉલ વર્લ્ડ કપના સમયથી કોઈને કોઈ રીતે વિવાદમાં રહ્યા છે અને હવે જ્યારે ઇન્ફેન્ટિનો હોદ્દો ગુમાવવાની સ્થિતિમાં મુકાઈ ગયા છે ત્યારે ટ્રમ્પે તેમને રક્ષાકવચ પૂરી પાડતો અભિગમ અપનાવ્યો છે.
ટ્રમ્પે એક મુલાકાતમાં કહ્યું છે કે `ઇન્ફેન્ટિનોને ફિફાના પ્રમુખપદેથી હટાવવામાં આવશે તો ફૂટબૉલ જગતની એ ભયંકર ભૂલ (Mistake) કહેવાશે. ઇન્ફેન્ટિનોને તેમના હોદ્દા પરથી હટાવવાનો વિચાર પણ નહીં કરતા. તેઓ ખૂબ સારું કામ કરી રહ્યા છે, તાજેતરમાં જ તેમના પ્રમુખપદમાં ફિફાએ શાનદાર વર્લ્ડ કપ યોજ્યો. તેમનું આ આયોજન અગાઉના તમામ વર્લ્ડ કપની તુલનામાં ચાર ગણું સફળ રહ્યું. જો તેમને પદ પરથી હટાવશો તો વર્લ્ડ કપ આટલો સફળ અને નફો કરનારો ફરી ક્યારેય નહીં જોવા મળે.'
ગયા મહિને ફિફા વર્લ્ડ કપને અંતે ચૅમ્પિયન સ્પેનની ટીમને ટ્રોફી એનાયત કરવા માટે ટ્રમ્પને સ્ટેજ પર આમંત્રિત કરવાના ફિફાના નિર્ણયની ઘણા ફૂટબૉલચાહકો ટીકા કરી ચૂક્યા છે. એ ઉપરાંત, વર્લ્ડ કપ દરમ્યાન ઇરાનના ખેલાડીઓ સાથે થયેલા ગેરવર્તન, આફ્રિકાના એક ટોચના રેફરીને વર્લ્ડ કપના આરંભ પહેલાં જ ટૂર્નામેન્ટમાંથી કાઢી મૂકવાના ફિફાના નિર્ણય, દરેક મૅચ દરમ્યાન ટૂંકા હાઇડ્રેશન બે્રક, ફાઇનલના હાફ ટાઇમ વખતે મનોરંજનનો સ્ટેજ શૉ તેમ જ ખાસ કરીને પહેલી જુલાઈએ બોસ્નિયા સામેની મૅચમાં અમેરિકાના ખેલાડી ફૉલેરિન બલોગનને બતાવવામાં આવેલું રેડ કાર્ડ ટ્રમ્પની દરમ્યાનગીરીને પગલે ફિફાએ પાછું ખેંચાવી લીધું એ બધી બાબતોને લીધે ટ્રમ્પ અને ઇન્ફેન્ટિનો દોઢ મહિનાથી ચર્ચામાં છે. ઇન્ફેન્ટિનોએ તાજેતરમાં કહ્યું હતું કે `મિસ્ટર પ્રેસિડન્ટ, અમેરિકાના સપનાંને આપણે હકીકતમાં ફેરવ્યું. આપણે આખી દુનિયાને એક કરી.'
અધૂરામાં પૂરું, સ્પેન-આર્જેન્ટિના વચ્ચેની ફાઇનલના બે દિવસ બાદ ઇન્ફેન્ટિનોએ મોટું રોકાણ આકર્ષવા વર્લ્ડ કપનો અમુક ઇક્વિટી હિસ્સો વેચી દેવાનો જે નિર્ણય જાહેર કર્યો એની પણ ફૂટબૉલ જગતમાં ખૂબ ટીકા થઈ છે. આ ઇક્વિટી સ્ટેક ખરીદવામાં ખાસ કરીને જૉશ કુશનરને રસ હતો. જૉશ કુશનર અમેરિકી પ્રમુખ ટ્રમ્પની પુત્રી ઇવાન્કાના પતિ જૅરીડનો નાનો ભાઈ છે.