Wed Aug 19 2026

Logo

‘પરિવાર’ નામની ગુડવિલ કેટલી પેઢીઓ સુધી ચાલશે, આરાધ્યા કેસમાં હાઈ કોર્ટનો બચ્ચન પરિવારને મોટો સવાલ?

2026-08-13 22:40:30
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હી: અભિષેક બચ્ચનની દીકરી આરાધ્યા બચ્ચન સાથે જોડાયેલા કેસની સુનાવણી દરમિયાન દિલ્હી હાઈ કોર્ટે એવો મહત્વનો કાનૂની સવાલ ઉઠાવ્યો છે કે કોઈ જાણીતા પરિવારના નામ સાથે જોડાયેલી પ્રતિષ્ઠા અને ગુડવિલ આખરે કેટલી પેઢીઓ સુધી ચાલશે? જસ્ટિસ અનુપ જયરામ ભંભાણીની અદાલતમાં થયેલી સુનાવણીમાં ‘બચ્ચન’ પરિવારના નામની પ્રતિષ્ઠા, વ્યક્તિત્વ અધિકાર, ટ્રેડમાર્ક અને બૌદ્ધિક સંપદા અધિકારો વચ્ચેના સંબંધ અંગે ચર્ચા થઈ. કોર્ટે આ સાથે એ પણ સવાલ નિર્માણ કર્યો કે ઈન્ટરનેટ પર ફેલાવવામાં આવતી ફેક ન્યૂઝ કોઈ વ્યક્તિના આઈપી અધિકારોનું ઉલ્લંઘન ગણી શકાય કે નહીં.

બચ્ચન પરિવાર તરફથી હાજર વરિષ્ઠ વકીલ પ્રવીણ આનંદે દલીલ કરી હતી કે આ કેસ માત્ર આરાધ્યા બચ્ચનની પ્રતિષ્ઠા સુધી મર્યાદિત નથી, પરંતુ સમગ્ર બચ્ચન પરિવારના નામ અને ગુડવિલ સાથે જોડાયેલો છે. તેના પર કોર્ટે ટ્રેડમાર્કની ગુડવિલ અને કોઈ વ્યક્તિના નામથી ઊભી થતી પ્રતિષ્ઠા વચ્ચેનો તફાવત સમજવાનો પ્રયાસ કર્યો. 

કોર્ટે સવાલ કર્યો કે ટ્રેડમાર્કની ગુડવિલ સામાન્ય રીતે કોઈ ઉત્પાદન અથવા સેવા સાથે જોડાયેલી હોય છે, જ્યારે વ્યક્તિની અટકની પ્રતિષ્ઠા તેની સિદ્ધિઓ અને ઓળખથી બને છે. આવી સ્થિતિમાં જો પરિવારની અટકની પ્રતિષ્ઠાને ગુડવિલ તરીકે માનવામાં આવે તો શું તે એક પેઢીથી બીજી પેઢી સુધી ટ્રાન્સફર થઈ શકે અને તેની કોઈ મર્યાદા નક્કી કરી શકાય?

આ સુનાવણીમાં હાઈ કોર્ટે ત્રણ મુખ્ય કાનૂની પ્રશ્નો પણ સામે રાખ્યા છે. તેમાં પ્રથમ સવાલ પરિવારના નામની ગુડવિલ કેટલી પેઢીઓ સુધી ટકી શકે તે અંગે છે. બીજો સવાલ એ છે કે ઈન્ટરનેટ પર કોઈ વ્યક્તિ વિશે ફેલાવવામાં આવેલી અત્યંત વાંધાજનક અથવા નુકસાનકારક ફેક ન્યૂઝ બૌદ્ધિક સંપદા અધિકારોનું ઉલ્લંઘન બની શકે કે નહીં અને જો બની શકે તો કયા પ્રકારના આઈપી અધિકાર હેઠળ તેનો સમાવેશ થાય. ત્રીજો સવાલ એ છે કે માનહાનિ અથવા પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાની કાનૂની સંકલ્પનાને બૌદ્ધિક સંપદા અધિકારો સાથે જોડી શકાય કે નહીં. 

અત્રે ઉલ્લેખનીય છે કે આરાધ્યા બચ્ચને વર્ષ 2023માં તેમના પિતા અભિષેક બચ્ચન મારફતે દિલ્હી હાઈ કોર્ટમાં અરજી કરી હતી. અરજીમાં અનેક યુટ્યુબ ચેનલ અને અજાણ્યા લોકો સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. આરોપ હતો કે ઈન્ટરનેટ પર આરાધ્યા અને બચ્ચન પરિવાર અંગે એવી સામગ્રી પ્રસારિત કરવામાં આવી રહી હતી, જે તેમની પ્રતિષ્ઠા અને આરાધ્યાની ગોપનીયતાને નુકસાન પહોંચાડે છે. કેટલાક વીડિયોમાં આરાધ્યા ગંભીર રીતે બીમાર હોવા અને હોસ્પિટલમાં દાખલ હોવાના દાવા કરવામાં આવ્યા હતા. એક વીડિયોમાં તો તેમના મૃત્યુનો પણ દાવો કરવામાં આવ્યો હતો.

એપ્રિલ 2023માં દિલ્હી હાઈ કોર્ટે આરાધ્યાના પક્ષમાં વચગાળાની રાહત આપતાં સંબંધિત પક્ષોને તેમના સ્વાસ્થ્ય અંગે ભ્રામક અથવા ખોટી સામગ્રી પ્રકાશિત કરતા રોક્યા હતા. તે સમયે કોર્ટે બાળકોની ગરિમા અને સન્માનના અધિકાર પર ભાર મૂક્યો હતો અને બાળકના શારીરિક અથવા માનસિક સ્વાસ્થ્ય અંગે ખોટી માહિતી ફેલાવવાને ગંભીર બાબત ગણાવી હતી. હવે કેસની સુનાવણીમાં મુદ્દો માત્ર ફેક ન્યૂઝ સુધી સીમિત રહ્યો નથી, પરંતુ વ્યક્તિત્વના અધિકાર અને બૌદ્ધિક સંપદા કાયદાની સીમા સુધી પહોંચી ગયો છે.

સુનાવણી દરમિયાન જસ્ટિસ ભંભાણીએ વ્યક્તિત્વ અધિકારોના વધતા જતા દાયરાને લઈને પણ સવાલો ઉઠાવ્યા હતા. કોર્ટે ટિપ્પણી કરી હતી કે વ્યક્તિત્વ અધિકારોની સંકલ્પના ‘અમીબા’ની જેમ સતત પોતાનું સ્વરૂપ વિસ્તારી રહી છે. 

બીજી તરફ, વકીલ પ્રવીણ આનંદે દલીલ કરી હતી કે પ્રતિષ્ઠાને મળતું કાનૂની રક્ષણ માત્ર ટ્રેડમાર્ક સુધી મર્યાદિત નથી અને ‘પાસિંગ ઑફ’નો કાનૂની સિદ્ધાંત વધુ વ્યાપક હોઈ શકે છે. તેમના જણાવ્યા મુજબ આરાધ્યા અંગેની કથિત ખોટી સામગ્રીમાં બચ્ચન પરિવારના નામ અને તસવીરોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના કારણે સમગ્ર પરિવારની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું છે. હવે આગામી 15 સપ્ટેમ્બરની સુનાવણીમાં હાઈ કોર્ટ આ કાનૂની પ્રશ્નો પર વધુ ચર્ચા કરશે.