નવી દિલ્હીઃ તાજેતરની પશ્ચિમ એશિયાની કટોકટીની માઠી અસર વૈશ્વિક અને સ્થાનિક ખાદ્યતેલના ભાવ પર પડી છે, પરંતુ સ્થાનિક સ્તરે મુખ્યત્વે પુરવઠાકાર દેશો તરફથી સામાન્ય વેપાર માર્ગેથી આયાત જળવાઈ રહી હોવાથી પુરવઠાસ્થિતિ પર્યાપ્ત હોવાનું તાજેતરમાં સંસદમાં જણાવાયું હતું.
સંસદમાં એક પ્રશ્નનો લેખિતમાં ઉત્તર આપતા રાજ્યકક્ષાનાં અનાજ અને ગ્રાહક બાબતોના ખાતાના પ્રધાન નીમુબેન જયંતીભાઈ બાંભણિયાએ જણાવ્યું હતું કે સ્થાનિકમાં ખાદ્યતેલની કુલ માગ પૈકી નોંધપાત્ર હિસ્સો આયાતથી સંતોષાતો હોવાથી સ્થાનિકમાં ખાદ્યતેલના ભાવ પણ વૈશ્વિક બજારના વલણને અનુસરતા હોય છે.
તાજેતરના પશ્ચિમ એશિયાના ભૂરાજકીય તણાવને કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડતેલના ભાવમાં થયેલો વધારો, નૂર ભાડા અને વીમા ખર્ચમાં થયેલા વધારાને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ખાદ્યતેલના ભાવમાં વધારો જોવા મળ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.
એકંદરે ક્રૂડતેલના ભાવ વધી આવતા વૈશ્વિક સ્તરે પામતેલ અને સોયાબીન તેલનો પુરવઠો બાયોફ્યુઅલ તરફ વિકેન્દ્રિત થવાથી નિકાસ માટેના પુરવઠામાં ઘટાડો થવાથી વૈશ્વિક તથા સ્થાનિક સ્તરે ખાદ્યતેલના ભાવ વધી આવ્યા છે. જોકે, સ્થાનિકમાં સામાન્યપણે વેપાર થતાં માર્ગોથી આયાત થઈ રહી હોવાથી ખાદ્યતેલની ઉપલબ્ધિ પર્યાપ્ત છે. અર્થાથ્ પર્યાપ્ત સ્ટોક છે અને મુખ્ય પુરવઠાકાર દેશો તરફથી કોઈપણ વિક્ષેપ વિના આયાત જળવાઈ રહી હોવાનું તેમણે ઉમેર્યું હતું.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે દેશમાં ગત 22મી જુલાઈનાં રોજ સિંગતેલના કિલોદીઠ ભાવ જે છ મહિના પૂર્વે રૂ. 190 હતા તે વધીને રૂ. 206, સરસવ તેલના ભાવ જે કિલોદીઠ રૂ. 186 હતા તે રૂ. 196, સોયાબીન તેલના ભાવ જે કિલોદીઠ રૂ. 151 હતા તે વધીને રૂ. 164, સૂર્યમુખી તેલના ભાવ જે કિલોદીઠ રૂ. 169 હતા તે વધીને રૂ. 189 અને પામતેલના ભાવ જે છ મહિના પહેલા કિલોદીઠ રૂ. 133 હતા તે વધીને રૂ. 148ની સપાટીએ રહ્યા હતા.
સરકાર સ્થાનિક બજારમાં ખાદ્યતેલના ભાવ અને ઉપલબ્ધિ અથવા તો પુરવઠાસ્થિતિ પર બારીકાઈથી નજર રાખી હોવાનું જણાવતા તેમણે ઉમેર્યું હતું કે સરકાર કોઈપણ સ્થિતિમાં બજારમાં હસ્તક્ષેપ કરવા માટેનાં પગલાં સાથે સજ્જ છે. આ પગલાંઓમાં આયાત જકાતની સમીક્ષા અને ગ્રાહકોનાં હિત માટે સ્થાનિકમાં પર્યાપ્ત ઉપલબ્ધિતા તથા ભાવમાં સ્થિરતા લાવવા માટે જ્યારે જરૂર પડે ત્યારે વેપારને લગતા અન્ય પગલાં લઈ શકે છે, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.