Tue Aug 18 2026

Logo

સાઉથની અભિનેત્રીએ કબૂલ્યું મોબાઈલની લત 'ભારે' પડી, મેજર 'સર્જરી' પછી ચાહકોને કરી આ અપીલ

2026-08-13 20:03:38
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: આજના સમયમાં સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાનું વ્યસન કેટલું જોખમી સાબિત થઈ શકે છે, તેનો તાજો દાખલો દક્ષિણ ભારતીય સિનેમાની જાણીતી અભિનેત્રી શકીલાના કિસ્સા પરથી મળે છે. કલાકો સુધી મોબાઈલમાં ગેમ્સ રમવા અને સતત રીલ્સ સ્ક્રોલ કરવાના કારણે શકીલાની ગરદનની નસો જકડાઈ ગઈ હતી, જેના પરિણામે તેને ગરદનની મેજર સર્જરી કરાવવી પડી અને ₹3 લાખથી વધુનો ખર્ચ થયો.

અભિનેત્રી શકીલાએ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે હદથી વધુ ફોનના ઉપયોગના લીધે તેને ગરદનની મોટી સર્જરીથી ઝઝુમવું પડ્યું હતું. આ સર્જરીમાં તેને ત્રણ લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરવાની નોબત આવી હતી. હોસ્પિટલથી ઘરે પરત ફરતી વખતે તેણે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે ગળામાં સપોર્ટ કોલર પહેરેલો જોવા મળી હતી, ત્યાર પછી તેને રિકવરી પ્રક્રિયા વિશે જણાવ્યું હતું. 

સ્માર્ટફોનની લતને કારણે ઊભા થયા ગંભીર પરિણામ 

શકીલાએ કહ્યું કે તેની આ શરીરિક સમસ્યા ફોન પર કલાકો સુધી ગેમ રમવા અને સતત વીડિયો જોવાના કારણે શરૂ થઈ હતી. તે ઘણી વાર અયોગ્ય પોઝિશનમાં સૂઈને લાંબા સમય સુધી મોબાઈલનો ઉપયોગ કરતી હતી. પોતાના ચાહકોને પોતાના અનુભવ દ્વારા તેણે ઓછામાં ઓછો ફોન ઉપયોગ કરવાનું જણાવ્યું હતું. આ સાથે તેણે દરેક માતા-પિતાને પોતાના બાળકોને ફોન કે અન્ય ગેજેટ્સ નહીં આપવા જણાવ્યું હતું. 

કલાકો સુધી રીલ્સ જોવી અને ગેમ રમવી 

થલપતિ વિજય, જીવા અને મહનલાલ જેવા દિગ્ગ્જ્જો સાથે કામ કરી ચુકેલી શકીલાએ કહ્યું હતું કે એ હંમેશાં એકબાજુએ પડખું ફરીને કલાકો સુધી ફોન ચલાવતી રહેતી હતી. સતત ચાર કલાક સુધી તે મોબાઈલ પર ગેમ રમતી હતી. ફક્ત નાના ચા-કોફીના બ્રેક બાદ તે ફરી ફોનમાં વ્યસ્ત થઈ જતી હતી. યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર સતત રીલ્સ જોવામાં તેનો ઘણો સમય પસાર થતો હતો. અભિનેત્રીનું માનવું છે કે લાંબા સમય સુધી આ રીતે ખોટા પોસ્ચરમાં ફોનનો ઉપયોગ કરવાના લીધે તેની ગરદનની નસો જકડાઇ ગઈ હતી, આથી તેને અંતે મેજર સર્જરી કરાવવી પડી હતી. 

ચાહકો અને બાળકોના માતા-પિતાને સંદેશ આપ્યો 

સર્જરી બાદ શકીલએ સ્પષ્ટપણે કહ્યું હતું કે ફોન ઉપયોગી સાધન છે, પરંતુ તેના વધુ પડતો ઉપયોગ નુકશાનકારક છે. હાલમાં તે પોતાની દૈનિક દિનચર્યાના નાના-નાના કામો માટે અન્ય પર નિર્ભર છે. તેણે બધાને સલાહ આપી કે મોબાઈલનો ઉપયોગ ફક્ત જરૂરી કામ માટે જ કરો, બિનજરૂરી વીડિયો જોવાથી બચો ભલે પછી તે મારો જ વીડિયો કેમ ન હોય ફક્ત કામની વસ્તુ જ જુઓ. નહીંતર તમારે અસહ્ય પીડા ભોગવવી પડશે અને લાખો રુપિયાનું નુકસાન થશે એ અલગ.

સાઉથ સિનેમામાં શકીલાની કારકિર્દી અને ઓળખ 

શકીલાએ 1990ના દસકામાં પોતાના અભિનય કારકિર્દીની શરુઆત કરી હતી. મલયાલમ સિનેમાની ફિલ્મ 'કિન્નારાથુમ્બીકલ'ની મોટી સફળતા મળ્યા બાદ તે રાતોરાત સ્ટાર બની ગઈ હતી. આ ફિલ્મની સફળતાએ કેરળમાં એક નવા સમયનની શરૂઆત કરી જેને 'શકીલા વેવ' નામથી ઓળખવામાં આવે છે ત્યાર બાદ તેણે 'છોટા મુંબઈ' અને 'તેજાભાઈ એન્ડ ફેમિલી' જેવી ફિલ્મોમાં સાઈડ રોલ ભજવ્યો હતો. 

મલયાલમ ફિલ્મો સિવાય શકીલાએ તમિલ, તેલુગુ અને કન્નડ સિનેમામાં પણ કામ કર્યું છે. પાછલા એક દસકામાં તેણે પોતાની જૂની બોલ્ડ હટાવીને અનેક ચરિત્ર પાત્રો નિભાવ્યા છે. તેણે કરેલા ફિલ્મોની યાદીમાં 'મારું મલારચી', 'થોટ્ટી ગેંગ', 'જ્યમ', 'મોનાલિસા', 'બંગારામ', 'અજ઼ગીયા તમિલ મગન', 'શિવા મનસુલા શક્તિ', 'બોસ એગીરા ભાસ્કરન' અને અન્ય ઘણી ફિલ્મો કરી છે.