વિશ્વપ્રસિદ્ધ ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને તેમની ગર્લફ્રેન્ડ જ્યોર્જિના રોડ્રિગ્ઝે આખરે પોતાના સંબંધને નવું નામ આપ્યું છે. લાંબા સમયથી એકબીજા સાથે રહી રહેલા આ સુપરસ્ટાર કપલે પોર્ટુગલમાં એક અત્યંત ખાનગી પણ ભવ્ય સમારોહમાં લગ્ન કરી લીધા હોવાનું મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જાણવા મળ્યું છે. સોશિયલ મીડિયા પર વેડિંગ રિંગ પહેરેલી એક તસવીર શેર કરીને આ જોડીએ પોતાના કરોડો ચાહકોને આ સરપ્રાઈઝ આપ્યું છે.
વધારે વિગતે વાત કરવામાં આવે તો, 41 વર્ષીય રોનાલ્ડો અને 32 વર્ષીય જ્યોર્જિનાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાના હાથમાં પહેરેલી લગ્નની વીંટીઓની ઝલક આપતા એક ખાસ કેપ્શન "C G" સાથે તસવીર પોસ્ટ કરી હતી. આ પોસ્ટ આવતાની સાથે જ વિશ્વભરમાંથી ચાહકો અને રમતજગતના દિગ્ગજો તેમને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
કાસ્કાઇસના કોસ્ટલ રિસોર્ટમાં યોજાયો પ્રસંગ
નોંધનીય છે કે ઓગસ્ટ 2025માં જ્યોર્જિનાએ પોતાની સગાઈની જાહેરાત કરી હતી, અને બરાબર એક વર્ષ બાદ 11 ઓગસ્ટે બંનેએ લગ્ન કરી લીધા છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ લગ્ન સમારોહ પોર્ટુગલની રાજધાની લિસ્બન નજીક આવેલી દરિયાકિનારાની સુંદર જગ્યા કાસ્કાઇસમાં યોજાયો હતો. રોનાલ્ડોનું પબ્લિક રિલેશન્સ હેન્ડલ કરતા બ્રુન્સવિક ગ્રુપે પુષ્ટિ કરી છે કે, આ એક ખૂબ જ અંગત પ્રસંગ હતો, જેમાં માત્ર પરિવારના નજીકના સભ્યો જ હાજર રહ્યા હતા. ખાસ વાત એ રહી કે આ શુભ પ્રસંગે દંપતીના પાંચેય બાળકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
એક સ્ટોરથી શરૂ થઈ હતી પ્રેમકહાની
રોનાલ્ડો અને જ્યોર્જિનાની લવ સ્ટોરી કોઈ ફિલ્મથી કમ નથી. બંનેની પહેલી મુલાકાત 2016માં મેડ્રિડ ખાતે આવેલા ગુચીના એક આઉટલેટમાં થઈ હતી, જ્યાં જ્યોર્જિના સેલ્સ આસિસ્ટન્ટ તરીકે કામ કરતી હતી. ત્યાર બાદ જાન્યુઆરી 2017માં ઝ્યુરિચમાં યોજાયેલા ‘બેસ્ટ ફિફા ફૂટબોલ એવોર્ડ્સ’ દરમિયાન તેઓ પ્રથમ વખત જાહેરમાં એકસાથે જોવા મળ્યા હતા. સમય જતાં આ સંબંધ વધુ ગાઢ બન્યો અને નેટફ્લિક્સની લોકપ્રિય સીરીઝ 'આઇ એમ જ્યોર્જિના' માં પણ તેમની ફેમિલી લાઈફની સુંદર ઝલક જોવા મળી હતી.
આ સાથે રોનાલ્ડોએ એક ઇન્ટરવ્યુમાં સ્વીકાર્યું હતું કે, શરૂઆતમાં તેમને અંદાજ નહોતો કે આ સંબંધ આટલો મજબૂત બનશે, પરંતુ સમય જતાં જ્યોર્જિના તેમની જિંદગીનો ભાગ બની ગઈ. રોનાલ્ડો અને જ્યોર્જિનાને અવાના અને બેલા નામે બે પુત્રીઓ છે. આ સિવાય જ્યોર્જિના રોનાલ્ડોના સૌથી મોટા પુત્ર ક્રિસ્ટિયાનો જુનિયર અને જોડકા બાળકો ઈવા મારિયા તથા માટેઓની પણ માતાની જેમ સંભાળ રાખે છે. આ બંનેએ હવે અટકળોને વિરામ આપીને લગ્ન કરી લીધા છે.