અમદાવાદઃ શહેરની સુભાષબ્રિજ RTOમાં નવો AI ડ્રાઇવિંગ ટેસ્ટ અમલી બનાવવામાં આવ્યાને એખ મહિનો થયો છે. જોકે AI બાદ કાર ચાલકોના પાસ થવાનું પ્રમાણ ઘટ્યું છે. જેની સામે મોટી સંખ્યામા ટુ વ્હીલર ચાલકો પાસ થઈ રહ્યા છે.
મળતી વિગત પ્રમાણે, પહેલા મહિનામાં જ્યાં માત્ર 17 ટકા કાર ચાલકો જ ટેસ્ટ પાસ કરી શક્યા છે, ત્યાં ટુ-વ્હીલર ચાલકોનો પાસિંગ રેશિયો 73 ટકા રહ્યો છે. છેલ્લા એક મહિના દરમિયાન કુલ 2,060 કાર ચાલકોએ ડ્રાઇવિંગ ટેસ્ટ આપી હતી, જેમાંથી માત્ર 358 ઉમેદવારો જ પાસ થઈ શક્યા છે. તેની સામે, ટુ-વ્હીલર ચાલકોનો સફળતા દર ઘણો ઊંચો રહ્યો હતો. ટેસ્ટ આપનારા કુલ 3,456 ટુ-વ્હીલર ચાલકોમાંથી 2,548 ઉમેદવારો પાસ થયા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, કાર ચાલકો માટે રિવર્સ S અને પેરેલલ પાર્કિંગ સૌથી મોટો પડકાર સાબિત થયા છે. જ્યારે ટુ-વ્હીલર ચાલકો માટે નાપાસ થવાનું સૌથી સામાન્ય કારણ ટેસ્ટ દરમિયાન જમીન પર પગ અડી જવો રહ્યું છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, નવો AI-આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ સંપૂર્ણપણે સિસ્ટમ સંચાલિત છે અને તે ડ્રાઇવરની નાની સરખી ભૂલ પણ ચલાવી લેતો નથી. તેથી, અરજદારોએ ટેસ્ટ આપવા આવતા પહેલા નવા નિયમોને બરાબર સમજી લેવા જોઈએ.