ભુજઃ કચ્છ અને સૌરાષ્ટ્ર વચ્ચે ૧૫૦ કિલોમીટરનું અંતર ઘટાડતા પલાસવા-ટીકર ગ્રીનફીલ્ડ રોડ પ્રોજેક્ટ સામે વન વિભાગે નકારાત્મક અભિપ્રાય આપતાં આ માર્ગનું નિર્માણ અટકી પડ્યું છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા રજૂ કરાયેલી રૂપિયા ૨૦ કરોડની દરખાસ્ત સામે ધ્રાંગધ્રા તથા હળવદ ફોરેસ્ટ વિભાગે ઘુડખર અભયારણ્ય અને દુર્લભ પક્ષીઓના નિવાસસ્થાનને થનારા વ્યાપક નુકસાન અંગે લાલબત્તી ધરી દીધી છે.
કચ્છના પલાસવા અને સુરેન્દ્રનગર-મોરબી સરહદે આવેલા ટીકર વચ્ચે ૪૨ કિલોમીટરનો નવો રસ્તો બનાવવાની યોજના હતી. પરંતુ, આ માર્ગ ઘુડખર અભયારણ્યના ૨૯.૩૨ કિલોમીટર જેટલા સંવેદનશીલ વિસ્તારમાંથી પસાર થતો હોવાથી અને વર્ષ ૨૦૧૪ની વાઈલ્ડલાઈફ ગાઈડલાઈન મુજબ અભયારણ્યમાં નવો ગ્રીનફીલ્ડ રોડ બનાવવાની મનાઈ હોવાથી મંજૂરી અટકાવાઈ છે. આ વિસ્તાર ઘુડખર, ઝરખ, વરુ ઉપરાંત અતિ દુર્લભ હુબારા બસ્ટાર્ડ અને કચ્છની વૈશ્વિક ઓળખ સમા ફ્લેમિંગોનું મુખ્ય આશ્રયસ્થાન છે.
(ઉત્સવ વૈદ્ય)