Thu Oct 01 2026

Logo

કચ્છી ચોવકઃ પૈસો મારો પરમેશ્વર

2026-07-15 09:10:11
Author: Kishor Vyas
કચ્છી ચોવકઃ પૈસો મારો પરમેશ્વર

કિશોર વ્યાસ

આપણા કાયદાઓમાં પણ જેમ છટકબારી હોય છે તેમ કુદરત આપણાં કર્મોના કારણે જે દુ:ખ પેદા કરે છે તેમાં પણ દુ:ખ હળવા કરવાના ઉપાયોની જગ્યા રાખે જ છે. સંકટ સમયે ભલે બધા રસ્તાઓ બંધ થઈ ગયેલા લાગે, પણ ક્યાંક કંઈ ને કંઈ કુદરતી ઉપાય મળી જ રહે છે. 

કચ્છી ચોવક છે તે સંદર્ભમાં કે, ‘સો ઢકે તાંય ઉ હિકડી બારી ત ખૂલી છડ જ’ જીવનમાં આવતી આપત્તિઓમાં માણસ હતાશ ન થાય, નિરાધારપણું ન અનુભવે એ માટે વપરાતી હકારાત્મક વાણીનાં દર્શન કરાવે છે, આ ચોવક! અહીં ચોવકમાં ઢકે એટલે બંધ કરે દાખલા તરીકે બારણાં! ઘરમાં પણ બારણાં બંધ કરીએ પણ બારીઓ તો મોટાભાગે ખુલ્લી રાખીએ જ!

એમ કહેવાય તો છે જ કે પૈસો મારો પરમેશ્વર, પણ એ ગુજરાતી ઉક્તિ વ્યાપક અર્થ ધરાવે છે, જયારે કચ્છી ચોવક સ્પષ્ટપણ કહે છે કે ‘પઇસો ત હથજો મેલ આય’ જેમ હાથનો મેલ હાથ ધોવાથી ઊતરી જાય તેમ પૈસા પણ કાયમ ટકતા નથી. ટકે છે, પણ પૈસા હોવાનું અભિમાન ન કરીએ તો! જેને પૈસા પચતા નથી, તેની પાસે ટકતા પણ નથી.

એક અદ્ભુત વ્યંગાર્થી ચોવક છે ‘અકલ વિરાણી તડેં ગિરાં ખણી વ્યો હૂંધો.’ સામાન્ય રીતે જેનામાં બુદ્ધિ ઓછી હોય તેના પર આ કટાક્ષ સમાયેલો છે ચોવકમાં, બહુ ઓછા લોકો જાણતા હશે અર્થ, તેવો એક શબ્દ પ્રયોજાયો છે, અને તે એટલે ‘ગિરાં’. તેનો અર્થ એવો થાય કે માટીનું પાત્ર તૂટી જાય અને તેનો કાંઠાનો ભાગ હાથમાં રહે તે કાઠલું એટલે  ‘ગિરાં’. એમાં આપણે કંઈ પણ નાખીએ, પણ તેનો નીચેનો ભાગ તૂટી ગયો હોવાથી તેમાં નાખેલી વસ્તુ જમીન પર વેરાઈ જાય. 

કચ્છીમાં ‘વેરાઇ જવા’ને ‘વિરાણી’ કહેવાય છે. આખી ચોવકના બે અર્થ થઈ શકે છે. એક, જેને ગુજરાતીમાં કહીએ છીએ તેમ અકર્મીનો પડિયો ખાલી, એ જ રીતે જયારે ઈશ્ર્વર અક્કલની વહેંચણી કરતા હતા ત્યારે એ વ્યક્તિના હાથમાં પૂર્ણપાત્ર નહોતું, માત્ર કાંઠલો હતો. ઈશ્ર્વરે તેમાં નાખી દીધી અક્કલ પણ એ તો વેરાઈ ગઈ! હાથમાં ન આવી! અને એ વ્યક્તિ ‘બુદ્ધિનો બારદાન’ થઈ ગઈ!

ઘણા લોકો મોટા મોટા બણગા ફૂંકતા હોય છે. મોટી અને ખોટી વાતો સાંભળનારને અણગમો થઈ જાય અને એ એમ માનતા થઈ જાય કે પોતાની પાસે એવી કોઈ તાકાત નથી, આવડત નથી. બોલે છે એવું કંઈ જ કરી શકવાનો નથી, પણ માત્ર ‘આપવડાઈ’ કરે છે. એવી વ્યક્તિઓ માટે એક ચોવક છે: ‘બાપાજો વાણ ને વિઠેજી ત્રાણ’. બાપાનું વહાણ હોય તો તેમાં બેસી શકાયને? ‘વાણ’ એટલે વહાણ અને ‘વિઠેજી ત્રાણ’ એટલે બેસવાના વાંધા. આમ ‘ત્રાણ’નો અર્થ ‘ખામી’, અભાવ કે અધૂરપ પણ થાય છે.

કોઠાસૂઝ જગાવતી એક ચોવક છે : ‘ઘરસંપત મેનાણ વેં, મેમાણ સંપત ઘર ન વેં’ ‘ઘરસંપત’ એટલે ઘરની આર્થિક સ્થિતિ કે ક્ષમતા અને ‘મેમાણ’ એટલે મહેમાન. તો ‘મેમાણ સંપત’નો અર્થ થાય છે, મહેમાનની આર્થિક ક્ષમતા કે તેમનો દરજજો. બસ,અહીં  જે ‘સંપત’ શબ્દ વિશેષ ભૂમિકા ભજવે છે તેનો અર્થ થાય છે શક્તિ તે ક્ષમતા. ભાવાર્થ  હવે સ્પષ્ટ થઈ ગયો કે આવેલા મહેમાનોની મહેમાનગતિ ઘરની આર્થિક સ્થિતિને અનુરૂપ કરાય, મહેમાન ઇચ્છે એમ પણ નહીં અને મહેમાનની આર્થિક સ્થિતિ કે દરજ્જાને જાઈને પણ નહીં. આ ચોવક સદાકાળની સોનેરી સલાહ આપે તેવી છે. (ક્રમશ:)