Wed Jul 15 2026

Logo

હું, સોનલ ઝવેરી- પ્રકરણ- 8

2026-07-15 09:02:05
Author: Mavji Maheshwari
Article Image

માવજી મહેશ્વરી

‘પણ તમારા પપ્પાના તો પરણેલા હતા ને?’  
‘બિલકુલ પરણેલા હતા. એટલું જ નહીં, એમને બે છોકરા હતા. એમણે એ વાત મારી માથી છુપાવી હતી.’ 
‘તમારા નાના એ વાતની ખબર નહોતી?’ 

‘ખબર હશે તોય મારા નાનાએ લાભ લઈ લેવાનું વિચાર્યું. તેમને થયું શેઠ ફસાયો છે. પોતે એના ઉપર દબાણ કરીને કહેશે એટલા નાણાં કઢાવી લેશે. પણ થયું ઊલટું. મારા પપ્પાએ લગ્ન કરી લેવાની હા કહી દીધી. એટલે મારા નાનાના ઈરાદાઓ પર પાણી ફરી વળ્યું. એ મૂંઝાયા. બે ચાર દિવસ ધૂંધવાતા રહ્યા આખરે તેમણે મારી નાનીને વાત કરી. મારી નાની ચતુર સ્ત્રી હતી. તેણે મારા નાનાને બહાર રાખી મારા પપ્પા સાથે જ વાત કરી. પપ્પા તો ખેલાડી માણસ હતા. 

તેમણે રાજીથઈને લગ્નની હા પાડી દીધી. બધું નક્કી થઈ ગયું. મારા નાનાએ મન મનાવ્યું કે, જો પોતાની દીકરી જ આ ખાણની માલિક હશે પછી ખાણ પોતાની જ ગણાશે. બીજી તરફ મારા પપ્પા આવી પડેલી મુશ્કેલીમાંથી માર્ગ કેવી રીતે કાઢવો તેના વિચાર કરતા રહ્યા. તેમણે બધું જ ઝડપથી વિચારી લીધું. એક દિવસ સાંજે નાનીની રજા લઈ મારા પપ્પા ફરવાને બહાને મમ્મીને જયપુર લઈ ગયા. મારી મમ્મી એ દિવસે બહુ જ ખુશ હતી. સાતેક ચોપડી ભણેલી એ સ્ત્રીને એ વાતનો આનંદ હતો કે જેને કુંવારી કાયા સોંપી દીધી એ માણસ માટીપગો નથી. સનત, સ્ત્રીના શોખીન પુરુષો બોલવામાં બહુ જ પાવરધા હોય છે. 

મારા પપ્પાએ મારી મમ્મી પાસે બરાબરનો અભિનય કર્યો. તે રીતસર રડ્યા. તમે વિચાર કરો એક સામાન્ય ઘરની છોકરી, તેય કુંવારી ગર્ભવતી. એ પોતાના પ્રેમીને રડતો જોઈ કેટલી ઈમોશનલ થઈ ગઈ હશે. મારી મમ્મીની ભાવુકતાનો પપ્પાએ ભરપૂર લાભ લીધો. તેમણે રડતા રડતાં જ કહ્યું કે, ‘તે પરણેલો છે અને તેને બે બાળકો પણ છે. તે લગ્ન કરવા તૈયાર છે પણ મુંબઈ લઈ નહીં જઈ શકે. સનત, ખબર નહીં કુદરતે સ્ત્રીના મગજમાં એવી કઈ ચીજ મૂકી છે કે, તે પોતાની સામે દેખાતી આફતને અવગણીને પણ પુરુષને માફ કરવા તૈયાર થઈ જાય છે. 

મારા પપ્પાનો અભિનય બરાબરનો કામ આવ્યો. મારી માને મારા પપ્પાનો કોઈ જ વાંક દેખાયો નહીં. તેણે પપ્પાને માફ કરી દીધા. પપ્પાના મનમાં પાપ હતું. તેમણે મારી માને એવું સમજાવ્યું કે, તારે જ તારા મા-બાપને કહેવાનું છે કે તું મુંબઈ નહીં જાય. અહીં જ બાળક્ને જન્મ આપશે.’ 

‘કુંવારી પ્રેગનેન્ટ થયેલી છોકરી એવું કેવી રીતે કરી શકે? તારી મમ્મીને પોતાનો જરાય વિચાર ન આવ્યો?’ સનતે નવાઈ પામીને કહ્યું. 

‘સનત ભાવિમાં શું લખાયું છે એની કોને ખબર પડી હતી તે મારી માને પડવાની હતી? એ તો રાજી હતી. સાંજે બેય પાછા આવ્યાં ત્યારે મારા પપ્પાએ મમ્મીને એકલી ઘેર જવા દીધી. પોતે ઓફીસમાં બેસી રહ્યા. એમણે જાળ પાથરી હતી તેમાં બધા પંખી ફસાતાં જતાં હતાં. એ દિવસે મોડી રાતે મારી મમ્મી, નાના અને નાની ઓફીસે આવ્યાં. એ રાતે જ મારી કિસ્મત લખાતી હતી. ત્યારે હું મારી મમ્મીના પેટમાં હતી. મારા પપ્પા નિશ્ચિંત હતા. એને ખબર હતી કે એમના પ્રેમમાં અંધ બની ગયેલી ગંગા પોતે કહ્યું છે એમ જ કરશે. 

વળી ગમે તેમ તોય મારા પપ્પા માલિક હતા અને મારા નાના એમના નોકર. મારા પપ્પાએ બેધડક કહી દીધું. ‘હું તમારી દીકરી સાથે કાલે જ લગ્ન કરવા તૈયાર છું. પણ તમારી દીકરી મારી સાથે મુંબઈ આવવાની ના પાડે છે.’ પપ્પાએ નાના નાનીની સામે જ મારી મમ્મીને પુછ્યું, ‘તું મારી સાથે મુંબઈ આવીશ?’ મારી મમ્મી પઢાવેલા પોપટની જેમ બોલી ગઈ, ‘તે લગ્ન કરશે પણ કદી મુંબઈ નહીં જાય. શરત એટલી કે, મારા પપ્પાએ પંદર દિવસે એકવાર આવવું’ હું મારી મમ્મીનો એનો વાંક ગણતી નથી. કેટલીક ઘટનાઓ સાથે અનેકના નસીબ જોડાયેલા હોય છે. માટે તે ઘટતી હોય છે.’

‘તારા નાના કે નાનીએ તારી મમ્મીને સમજાવ્યું નહીં?’   
‘મિસ્ટર ઈન્જીનીયર આ બધા કિસ્મતના ખેલ છે. જો મારી મમ્મી સમજી ગઈ હોત તો આજે આપણે મળ્યા જ ન હોત. સાંભળો, વળાંક તો હજુ આવે છે. મારા નાના માટે મોટી મુસીબત આવી. તે સમયમાં કુંવારી છોકરી ગર્ભવતી થઈ જાય એ મરવા કે મારી નાખવાની જેવી બાબત હતી. વળી નાના કોઈને કહી શકે એમ નહોતા કે મારી દીકરીના લગ્ન મારા શેઠ સાથે થયેલા છે. આવા સંજોગોમાં ગર્ભવતી છોકરી બાબતે લોકોને શું કહેવું? ચોર તો એમના મનમાં પણ હતો. તેમણે પોતાની આ મુશ્કેલી મારા પપ્પાને કહી. મારા પપ્પાએ ઠંડા કલેજે બધું વિચારી લીધું હતું. તેમની પાસે ઉપાય હાજર જ હતો. 

તેમણે કહી દીધું, ‘હું તમને જયપુરમાં અથવા તમે કહો ત્યાં મકાન લઈ દઉં. અજાણ્યા વિસ્તારમાં તમને કોઈ ઓળખશે નહીં. ગંગાને જ્યાં સુધી બાળક ન આવે ત્યાં સુધી ત્યાં રહેવું.’ ગરીબીમાં જીવતા મારા નાના માટે એ સિવાય કોઈ રસ્તો ન હતો. એ રાતે મારા પપ્પાએ ઓફીસમાં જ મારા નાના નાનીની હાજરીમાં મારી મમ્મીના સેંથામાં સિંદૂર પૂર્યું. એમને પૈસાની કોઈ કમી નહોતી. 

તેમણે મારા નાનાને કોટામાં એક સરસ મકાન લઈ આપ્યું. નાનાને રસકસની દુકાન કરી આપી. નાનાના દિવસ બદલાઈ ગયા. સનત મારો જન્મ કોટામાં થયો. મને ક્યાં ખબર હતી કે મારા જીવનમાં કેટલાય આટાપાટા ખેલાવાના છે. મારા પપ્પાની એક દિલેરી પર હું એમને માફ કરવા તૈયાર થઈ જાઉં છું કે, એમણે મારા નામ પાછળ પોતાનું નામ લખાવવાનો આગ્રહ રાખેલો.’

‘પણ આ બધી વાતોની તમને કેવી રીતે ખબર પડી? ત્યારે તમે તો હતા જ નહીં.’
‘કહીશ. બધું જ કહીશ. મારી જિંદગી કોઈ ભેદભરમ ભરેલી નોવેલ જેવી છે. એમાં જાત જાતના વળાંકો છે. પ્લીઝ ગીવ મી વોટર.’ 

સનત પાણી પી રહેલી સોનલના સુરાહીદાર ગળાને જોઈ રહ્યો. એને થયું પોતે જેને આતંકવાદી ગણીને ભાંડી રહ્યો હતો એ છોકરીએ કેવી કેવી પીડા વેઠી છે. યાદ કરતી હોય તેમ સોનલ બંધ બારણા સામે જોઈ રહી હતી. સનતથી રહેવાયું નહીં. તેણે ઉતાવળે પૂછી નાખ્યું, ‘પછી શું થયું?’

‘બરાબર નવ મહિને મારો જન્મ કોટાની હોસ્પિટલમાં થયો. મારા નાના મૂંઝાયા. મારા પપ્પા મુંબઈ હતા. એ વખતે સેલ ફોન નહોતા. મૂંઝાયેલા નાનાએ ન છૂટકે અમારા ઘેર ફોન કર્યો. એક યોગાનુયોગ કહો કે જે ગણો તે મારા પપ્પા અને દાદાના અવાજમાં ઘણું જ સામ્ય હતું. 

બેયના બોલવાની સ્ટાઈલ પણ એકબીજાને મળતી આવતી હતી. મારા નાનાએ ફોન કર્યો અને દાદાએ ઉપાડ્યો. અવાજને કારણે નાના થાપ ખાઈ ગયા. તેમણે સીધું જ કહ્યું, ‘જમાઈરાજ વધાઈ હો. આપણાં ઘેર લક્ષ્મી પધાર્યા છે. ગંગાએ બાળકીને જન્મ આપ્યો છે. મા દીકરી બેય બરાબર છે. તમે જલ્દી પહોંચો. જયપુર ખાણ પર જવાના બદલે સીધા અહીં આવો.’

પહેલા તો મારા દાદાને લાગ્યું કે કોઈકથી રોંગ નંબર ડાયલ થઈ ગયો છે. પણ ખાણ શબ્દ સાંભળી એમના કાન ચમક્યા. એમનું માથું સણકવા લાગ્યું. એમને ખબર તો હતી કે દીકરો લાલ કપડાંનો શોખીન છે. પણ સામેથી કોણ બોલે છે તેની તેમને ખબર નહોતી. મારા દાદાનું સેન્સ ઓફ હ્યુમર હાઈ હતું. તેઓ પળવારમાં પામી ગયા કે પોતાના દીકરાએ કંઈક પરાક્રમ કર્યું છે. જો અત્યારે પોતે વધારે પૂછપરછ કરશે તો સામેવાળો ફોન મૂકી દેશે. 

મારા દાદાએ અવાજ પરખાઈ ન જાય તેનું ધ્યાન રાખીને કહ્યું, ‘જુઓ હું અત્યારે મુંબઈમાં નથી. એક સોદા માટે બેંગલોર ગયો છું. મને આવતા હજુ બે બે દિવસ લાગી જશે. છોકરીનો જન્મ ક્યાં થયો છે? મતલબ ઘેર કે હોસ્પિટલમાં?’ 

હરખ અને ઉચાટમાં મારા નાનાને એય ખબર ન રહી કે, સામે મોહનલાલ નહીં પણ કોઈ બીજો જ માણસ બોલે છે. તેમણે ઉતાવળે કહી દીધું, ‘માલિક કોટાની સરકારી હોસ્પિટલમાં છીએ. ગંગા તમને બહુ જ યાદ કરે છે. અમે બધા તમારી વાટ જોઈએ છીએ.’

દાદા એટલું તો સમજી જ ગયા કે, જે કોઈએ ફોન કર્યો છે તેને હજુ ખ્યાલ નથી આવ્યો કે હું મોહન છું કે નહીં. તેમના મગજમાં ફટાકડા ફૂટતા હતા. જો પોતાના દીકરાએ જ કશું કર્યું હોય અને તેનાથી જ છોકરી થઈ હોય તો બહુ મોટી ઉપાધી આવવાની છે. પણ એ બધી વાતો ત્યારે થાય તેમ નહોતી. તેમણેય  ઝીંકી દીધું, ‘જુઓ મીઠાઈ વહેંચો. પૈસાની કોઈ ચિંતા કરતા નહીં. મા-દીકરીને કોઈ તકલીફ પડવી ન જોઈએ.’ 

મારા નાનાની અધિરાઈ હવે તેમની જીભ ઉપર આવી ગઈ. તેમણે સામેથી ફોન કટ ન થઈ જાય તેની ચિંતા સાથે કહી દીધું. ‘જમાઈરાજ હોસ્પિટલમાં બચ્ચીના નામની સાથે મા-બાપનું નામ લખાવવાનું છે. ગંગાની મા કહે છે કે મોહનકુમાર જલદી આવે તો હોસ્પિટલના રજિસ્ટરમાં નામ નોંધાઈ જાય.’

હવે મારા દાદા ચોંક્યા. તેમણે મુંબઈમાં જિંદગી વિતાવી હતી. તે જાણતા કે જે ઘોડો પાડી દે તેના પર સવારી કરવી નહીં. તેમને મારા પપ્પાના સ્વભાવની તો ખબર હતી, પણ પોતાના દીકરાએ કોઈક સાથે લગ્ન કરી લીધાં છે, એનાથી છોકરી પણ થઈ છે અને પેલા માણસની એટલી હિંમત કે તેણે અહીં ફોન કર્યો છે. મારા દાદાનું વેપારી મગજ દોડવા લાગ્યું. સવાલ પૈસાનો નહોતો, કાયદાનો હતો. મારા પપ્પા પરણેલા હતા. જો પેલી સ્ત્રી અહીં આવીને ઉભી રહે તો શું થાય તે મારા દાદા બરોબર સમજતા હતા. સમાજમાં બદનામી તો થાય જ, પણ કમલા વિફરી બેસે તો? 
‘કમલા કોણ?’ સનતે ઉતાવળમાં પૂછી નાખ્યું.  (ક્રમશ:)