દેવલ શાસ્ત્રી
ક્યારેય તમારી સાથે એવું બન્યું છે કે શેરબજારમાં કોઈ શેરમાં મોટું નુકસાન થઈ રહ્યું હોય, સ્ક્રીન પર લાલ આંકડા તમારી આંખોને દઝાડતા હોય, દિલ કહેતું હોય કે આમાંથી બહાર નીકળી જાઓ... છતાં તમારો અંગૂઠો ‘એક્ઝિટ’નું બટન દબાવવાની સાફ-સાફ ના પાડી દે? અંદરથી એક જ બહાનું નીકળે થોડા દિવસ રાખું, કદાચ ચમત્કાર થશે ને ભાવ પાછો આવી જશે! આ કોઈ આકસ્મિક વર્તણૂક નથી પણ આપણા મનની અંદર ચાલતી મનોવૈજ્ઞાનિક જાળ છે.
‘બિહેવિયરલ ફાઇનાન્સ’ નામનો શૅરબજારના ખેલાડીઓ માટે થયેલો અભ્યાસ છે. આ અભ્યાસ મુજબ શા માટે માણસ બજારમાં તર્ક અને ગણિત બાજુ પર મૂકીને, માત્ર લાગણીઓના આધારે નિર્ણયો લે છે અને પોતાના જ હાથે ઘણીવાર નુકસાનના ખાડાને ઊંડો કરતો જાય છે.
ઈશ્વરે આપણા મગજની રચના અદ્ભુત બનાવી છે. આપણને નફાના આનંદ કરતાં નુકસાનનો આંચકો બમણો લાગે છે. વિજ્ઞાન આને ‘લૉસ અવેરઝન’ કહે છે. જ્યારે કોઈ શૅરની કિંમત નીચે જવા લાગે ત્યારે મગજ આપણને ડરાવતા કહે છે, જો આજે વેચી દઈશ તો નુકસાન પાકું થઈ જશે, એના કરતાં પકડી રાખ, કદાચ પાછું આવી જશે. પરિણામે સામાન્ય માણસ નફાવાળા શૅર સામાન્ય પ્રૉફિટ લઈને વહેલા વેચી દે છે.જે શૅર આપણું લોહી વહાવી રહ્યા છે એને આશાના નામે જિંદગીભર પકડી રાખે છે! મનોવિજ્ઞાનના ગણિતમાં અભ્યાસ કરાયેલા આ ભ્રમને ‘ડિસ્પોઝિશન ઇફેક્ટ’ કહેવાય છે, જ્યાં માણસ પોતાના જ હાથે સારા ઘોડા વેચી નાખે છે અને લંગડા ઘોડા પર દાવ લગાવતો રહે છે.
આપણું મગજ ડૂબેલા પૈસાના મોહમાં એવું ફસાય છે કે રોકાણકાર એક જ રાગ આલાપતો હોય છે કે હું તો આ કંપનીમાં પહેલેથી જ લાખો રૂપિયા રોકી ચૂક્યો છું, હવે જો અધવચ્ચેથી નીકળી જઈશ તો મારું બધું જ ઇન્વેસ્ટમેન્ટ વેડફાઈ જશે. પણ ભાઈ, જે પૈસા ડૂબી ગયા છે તે તો ભૂતકાળ છે. બજારમાં તમારો નિર્ણય આજના ભાવ અને ભવિષ્યની દેખીતી સંભાવના પર જ આધારિત હોવો જોઈએ ને? પણ મગજ જૂના નુકસાનની લાશને વર્તમાનના નિર્ણયની પીઠ પર લાદી દે છે અને માણસને ખરાબ પોઝિશનમાંથી બહાર નીકળવા દેતો નથી.
કાલે તો માર્કેટ ચોક્કસ ઉપર જશે... આવી આશાઓ માણસની આંખે એવી પટ્ટી બાંધી દે છે કે એને સામે દેખાતી વાસ્તવિકતા પણ દેખાતી બંધ થઈ જાય છે. માણસ નફામાં સલામતી શોધે છે, પણ જેવો એ નુકસાાનમાં આવે કે તરત જ એ આંધળું જોખમ લેવા તૈયાર થઈ જાય છે! આ જ જિદ્દી આશાવાદનો જીવંત દાખલો આપણને 1992ના ફેમસ હર્ષદ મહેતા કૌભાંડમાં જોવા મળ્યો હતો, જેના પર વેબ સિરીઝ અને ફિલ્મ પણ બની છે.
એ કૌભાંડમાં જ્યારે આખું માર્કેટ પત્તાના મહેલની જેમ તૂટી રહ્યું હતું ત્યારે કેટલાય મધ્યમવર્ગીય રોકાણકારો માત્ર એ આશામાં શૅર પકડીને બેસી રહ્યા કે હર્ષદભાઈ કંઈક જાદુ કરશે ને માર્કેટ પાછું ઉપર આવશે! તર્ક કહેતો હતો કે શૅર વેચીને જે બચે તે બચાવી લો, પણ અહંકાર અને અતિ-આશાવાદના ભ્રમે હજારો પરિવારોને રાતોરાત રોડ પર લાવી દીધા હતા.
મોબાઇલમાં અસંખ્ય ઍપ્લિકેશન આવી ગઈ છે અને પોતાની આસપાસના લોકોને પ્રૉફિટ કરતા જુએ છે પણ એ ખબર હોતી નથી કે સામેની વ્યક્તિ સાચું કહે છે કે ખોટું એને તો પૈસા કમાવવાનો શૉર્ટકટ રસ્તો મળી ગયો છે જેમાં મહેનત કરવાની નથી. સામાન્ય માણસ પાસે કંપનીનો અભ્યાસ પણ હોતો નથી, એને રાતોરાત લખપતિ બનવું છે. રોજ સવારે નવ વાગ્યે શૅરબજાર જોવું, સ્ક્રીન પર લાલ-લીલા ચાર્ટના ચકરાવા નિહાળવા; આ બધું સામાન્ય માણસના મગજની અંદર ‘ડોપામિન’નો મોટો વિસ્ફોટ કરે છે.
જ્યારે સહેજ જીત થાય ત્યારે ડોપામિનનું સ્તર આકાશને આંબે છે અને જો મોટું નુકસાન થાય તો મગજ કાનમાં આવીને પંપાળતા કહે છે, હજુ એક છેલ્લી તક મળવી જોઈએ, આ વખતે બધું સરભર કરીને જીતી જઈશું. મહાભારતના યુધિષ્ઠિરની આ જ કથા હતી.
આ જ વળાંક પર શૅરબજાર રોકાણમાંથી જીવલેણ જુગાર અને વ્યસન બની જાય છે. બિહેવિયરલ ફાઇનાન્સ આને ‘ટ્રેડિંગ એડિક્શન’ તરીકે ઓળખે છે, જેમાં પરિણામ ગમે તે આવે, પણ એ રમવાનો નશો માણસને છોડવા નથી દેતો.
હું ખોટો હોઈ જ ના શકું. મારું વિશ્લેષણ અને અભ્યાસ પાક્કો છે.પેઢીઓથી શૅરબજારનો વ્યવસાય કરતા લોકો પણ ગોથું ખાઈ જતા હોય છે. હાથમાં બે-પાંચ લાખની બચતને બજારમાં રમતા લોકો માટે શૅરબજારમાં ટ્રેડ કરવો એટલે પોતાની બુદ્ધિ અને અહંકારનું પ્રદર્શન કરવું! બજારમાં લૉસ બુક કરવો એટલે પોતાની ભૂલનો જાહેર સ્વીકાર કરવો, આ કરે કોણ? દુનિયામાં પોતાના અહંકારને ઓગાળવો એ માણસ માટે સૌથી અઘરુંં કામ છે.
પ્રશ્નએ છે કે, શૅરબજારની જાળમાંથી સમયસર બહાર નીકળવું મુશ્કેલ કેમ છે?
આપણું ગણિત જ ઇમોશનલ છે. તર્ક બૂમો પાડીને કહે છે કે વેચી દો અને આ ખોટ ખતમ કરો. મનમાં રહેલી લાગણીઓ સમજાવે છે કે થોડું થોભી જા. આ માનસિક યુદ્ધમાં હંમેશાં લાગણીઓ જીતી જાય છે અને તર્ક હારી જાય છે. આ વર્તણૂક માણસના મનની કુદરતી પ્રક્રિયા છે, પણ જો સમયસર એને અંકુશમાં ન લેવામાં આવે તો એ નાણાકીય રીતે આખા ઘરને વિનાશના આરે લાવી દે છે.
આ ભયાનક જાળમાંથી બહાર નીકળવાનો રસ્તો કયો?
સ્ટૉપ લૉસ, પોઝિશન સાઇઝિંગ અને રિસ્ક મૅનેજમેન્ટના કડક નિયમો બનાવો અને તેનું પાલન કરો. બજારમાં સ્ક્રીન સામે બેસતી વખતે દરેક ટ્રેડને કેવળ વ્યવસાય તરીકે જુઓ, તેને મનોરંજન કે જુગાર ન બનાવો. શૅરબજારની મુસાફરીમાં નાનું-મોટું નુકસાન થવું એ સામાન્ય પ્રક્રિયા છે. એ નુકસાનને અહંકારના નામે મોટું થવા દેવું અને આખા ઘરની શાંતિ વેડફી નાખવી એ મૂર્ખામી છે.
ધ એન્ડ
શૅરબજારની સફળતાનું રહસ્ય ક્યારેય બજારને હરાવવામાં કે એની સામે જીદ કરવામાં નથી, પણ પોતાના મનને સમજવામાં અને તેને કંટ્રોલ કરવામાં છે.