નવી દિલ્હી: પીએમ મોદીના ઇઝરાયલ પ્રવાસ પૂર્વે બંને દેશો વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ(FTA)માટે વાટાઘાટાનો પ્રથમ રાઉન્ડ નવી દિલ્હીમાં શરુ થયો છે. આ વાટાઘાટો 26 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ પૂર્વે નવેમ્બર 2025માં સંદર્ભની શરતો (TOR) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જેમાં વેપાર અને આર્થિક સહયોગ વધારવા માટે એક માળખું નક્કી કરવામાં આવ્યું હતું.
બંને દેશો વચ્ચે કુલ વેપાર 3.62 બિલિયન ડોલર
વર્ષ 2024-25 નાણાકીય વર્ષમાં બંને દેશો વચ્ચે કુલ વેપાર 3.62 બિલિયન ડોલર હતો. ભારત અને ઇઝરાયલ ઘણા ક્ષેત્રોમાં પરસ્પર પૂરકતા ધરાવે છે. પ્રસ્તાવિત FTA ને દ્વિપક્ષીય વેપાર વધારવા અને ખાસ કરીને સૂક્ષ્મ, લધુ અને મધ્યમ ઉદ્યોગો (MSME)ને નિશ્ચિતતા અને આગાહી પૂરી પાડવાના પગલા તરીકે જોવામાં આવે છે.
ટેકનિકલ નિષ્ણાતો વિવિધ વિષયો પર ચર્ચા કરી રહ્યા છે
ભારત ઇઝરાયલ વચ્ચે વાટાઘાટોના પ્રથમ રાઉન્ડમાં ટેકનિકલ નિષ્ણાતો વિવિધ વિષયો પર ચર્ચા કરી રહ્યા છે.જેમાં માલસામાનમાં વેપાર, સેવાઓમાં વેપાર, મૂળના નિયમો, સેનિટરી અને ફાયટોસેનિટરી પગલાં, વેપારમાં ટેકનિકલ અવરોધો, કસ્ટમ પ્રક્રિયાઓ અને વેપાર સુવિધા અને બૌદ્ધિક સંપદા અધિકારોનો સમાવેશ થાય છે.
PTI
FTA તકોનો સંપૂર્ણ લાભ લેવામાં મદદ કરશે
આ વાટાઘાટાના ઉદ્ઘાટન સત્ર દરમિયાન, વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે જણાવ્યું હતું કે FTA વાટાઘાટો એવા સમયે શરૂ થઈ છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25-26 ફેબ્રુઆરી, 2026 ના રોજ ઇઝરાયલની મુલાકાતે છે. તેમણે નવીનતા, વિજ્ઞાન અને ટેકનોલોજી, AI,સાયબર સુરક્ષા, હાઇ-ટેક ઉત્પાદન, કૃષિ અને સેવાઓ જેવા ક્ષેત્રોમાં સંભાવનાઓ પર ભાર મૂક્યો અને કહ્યું કે FTA આ તકોનો સંપૂર્ણ લાભ લેવામાં મદદ કરશે.
આ વાટાઘાટો બંને દેશો માટે મહત્વપૂર્ણ
ભારતના મુખ્ય વાટાઘાટકાર અને વાણિજ્ય વિભાગમાં અધિક સચિવ અજય ભાદુએ આ વાટાઘાટો બંને દેશો માટે મહત્વપૂર્ણ ગણાવી અને સંતુલિત કરાર તરફ આગળ વધવા પર ભાર મૂક્યો. ઇઝરાયલના મુખ્ય વાટાઘાટકાર, યિફત એલોન પેરેલે જણાવ્યું હતું કે આ કરારમાં પુરવઠા શૃંખલાઓને મજબૂત બનાવવાની, સહયોગ વધારવાની અને નવા બજારો ખોલવાની ક્ષમતાનો સમાવેશ થાય છે.