રાજેશ યાજ્ઞિક
ગયા અઠવાડિયે આપણે આ કોલમમાં સેક્ધડ હેન્ડ સ્મોકિંગની વાત કરી પછી એક વાચકે સરસ પ્રશ્ન કર્યો કે ‘લોકો ધૂમ્રપાન કેમ શરૂ કરે છે અને તેને છોડવું આટલું મુશ્કેલ કેમ છે? એ વાચકની વાત વિચારવા જેવી છે. પહેલા એવું માનવામાં આવતું કે અભણ હોય એ વ્યસન કરે, પણ સિગારેટની બાબતમાં ખરેખર એવું છે? હકીકત એ છે કે ભણેલા-ગણેલા, આધુનિક ગણાતા લોકોમાં આ વ્યસન ફેલાયેલું આપણે બધા જોઈએ જ છીએ. કોલેજમાં જતા યુવક-યુવતીઓ પણ ધૂમ્રપાન કરતાં નજરે ચડે છે.
પહેલા સ્મોકિંગ એ પુરુષોનો શોખ ગણાતો, હવે સ્ત્રીઓ પણ તેમાંથી બાકાત નથી. તાજેતરમાં 31 મેના ‘વિશ્વ તમાકુ નિષેધ દિવસ’ની ઉજવણી થઈ. ‘વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન’ના અહેવાલ મુજબ ભારતના લગભગ 29 ટકા ટકા લોકો (15 વર્ષ અને તેથી વધુ ઉંમરના) કોઈને કોઈ સ્વરૂપમાં તમાકુનો ઉપયોગ કરે છે. 140 કરોડની વસતિવાળા દેશમાં આંકડો માંડી જુઓ. 15 વર્ષથી નીચેની ઉંમરના બાળકો, જે ગુપ્ત રીતે ધૂમ્રપાન કરતાં હોય તેનો આંકડો તો આમાં સામેલ નથી!
મોટાભાગના લોકો જે તમાકુનો ઉપયોગ કરે છે તે કિશોરાવસ્થામાં જ શરૂ કરે છે. યુવાનો બાહ્ય પ્રભાવોથી વધુ સરળતાથી તમાકુનો ઉપયોગ કરવા માટે પ્રેરાય છે એમાં તમાકુનો ઉપયોગ કરતા સાથીદારો-તમાકુનો ઉપયોગ કરતા માતાપિતા અથવા ભાઈ-બહેન એ ઉપરાંત મૂવી, ટીવી, વીડિયો- સોશ્યલ મીડિયા પર તમાકુનાં ઉત્પાદનોનું આડકતરું માર્કેટિંગ, જેમાં જે યુવાનોને આકર્ષિત કરવા એવા ગેરમાર્ગે દોરતા સંદેશાઓનો પણ સમાવેશ થાય છે કે ધૂમ્રપાન તમને પાતળા બનાવે છે.!
સ્મોકિંગના કોણ વ્યસની બની શકે છે?
કોઈપણ વ્યક્તિ જે તમાકુનો ઉપયોગ કરવાનું શરૂ કરે છે તે નિકોટિનના વ્યસની બની શકે છે. જેટલી નાની ઉંમરે ધૂમ્રપાન કરે એની વ્યસની બનવાની શક્યતા વધુ હોય છે. તમાકુનો ઉપયોગ કરતા 10માંથી લગભગ 9 પુખ્ત વયના લોકો 18 વર્ષની ઉંમર પહેલાં સ્મોકિંગ શરૂ કરી દે છે.
નિકોટિન કેવી રીતે અસર કરે છે?
નિકોટીન તમારા મગજને ડોપામાઇન નામના રસાયણથી ભરે છે.ડોપામાઇન સુખદ લાગણીઓ નું કારણ બને છે અને તમને અપ્રિય લાગણીઓથી દૂર કરે છે (ભલે પછી એ હંગામી અસર કેમ ન હોય!). આ લાગણી તમને વધુ ઉપયોગ કરવા માટે પ્રેરે છે. નિકોટિન તમારા એડ્રેનાલિનમાં વધારો કરે છે. આ વધારો નોંધપાત્ર ન હોવા છતાં, તે તમારા હૃદયને ઝડપી બનાવી શકે છે અને તમારા બ્લડ પ્રેશરને વધારી શકે છે.
જેમ જેમ શરીર નિકોટિનની આદત પામે છે, તેમ તેમ એ તેનાથી ટેવાતું જાય છે. તેથી એની એકધારી અસર મેળવવા માટે વધુ તમાકુની જરૂર પડે છે, જેથી લોહીમાં નિકોટિનનું સ્તર અમુક સ્તર સુધી કાયમ રહે. બસ, આ રીતે જ વિષચક્ર સર્જાય છે.
વિથડ્રોવલ સિમ્પટમ શું છે?
તમાકુનો ઉપયોગ કર્યા પછી નિકોટિન થોડીક સેકન્ડોમાં તમારા મગજમાં પહોંચી જાય છે, પરંતુ થોડીવારમાં તેની અસરો ઓછી થવા લાગે છે. ખાસ કરીને શ્વાસમાં લેવાતા તમાકુ ઉત્પાદનોમાં આ જોવા મળે છે. તમે ચીડિયાપણું અને ગુસ્સો અનુભવવાનું શરૂ કરી શકો છો. જેવું તમે તમાકુનો ઉપયોગ કરો એટલે આ નકારાત્મક લાગણીઓ દૂર થઇ જાય એટલે તમને એવું લાગવા લાગે કે ધૂમ્રપાન કરવાથી તમે નકારાત્મક લાગણીઓથી દૂર થઇ રહ્યા છો, જે હકીકતમાં એક ભ્રમ છે. આ ચક્ર જ્યાં સુધી તમે તમાકુનો ઉપયોગ ચાલુ રાખો છો ત્યાં સુધી ચાલુ રહે છે.
નિકોટિનનું વ્યસન કેટલું શક્તિશાળી છે?
અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે નિકોટિનનું વ્યસન અન્ય માદક પદાર્થોના વ્યસન જેટલું જ મજબૂત હોઈ શકે છે. દર વર્ષે લગભગ અડધા લોકો છોડવાનો પ્રયાસ કરે છે, પરંતુ થોડા લોકો સફળ થાય છે. તમાકુનાં ઉત્પાદનોમાં નિકોટિન હોય છે અને નિકોટિન લોકોને વ્યસની બનાવે છે. આમ તો મોટાભાગના લોકો ધૂમ્ર્રપાન છોડવા માગે છે... પણ છોડી શકતા નથી એ કડવી વાસ્તવિકતા છે..
એક વાત ધ્યાનમાં રાખીએ કે આ આદત છોડવી પોતાના જ નહીં, પરંતુ સમાજના આરોગ્ય માટે પણ હિતકારક છે.