જયવંત પંડ્યા
ઘણા વડીલો ફરિયાદ કરતા હોય છે કે અત્યારનાં બાળકો બહુ સુંવાળાં થઈ ગયાં છે. હાલતાચાલતાં માંદાં થઈ જાય છે. માતા-પિતા સુવિધાઓ આપીને તેમને નાજુક કરી દીધાં છે. જો નાનું બાળક રેતીથી રમે તો તરત માતા-પિતા કહેશે, ‘નો બેબી, ડોન્ટ પ્લે વિથ સેન્ડ ઇટ ઇઝ અનહાઇજેનિક. યૂ વિલ ગેટ સિક.’
અરે બાપા ! માંદા તો એ આ કુદરતી રેતી-કાદવ-માટીથી નહીં રમવાના કારણે પડે છે. નાનાં બાળકને નાનપણમાં કુદરતી ચીજો ગમતી હોય છે. તેને વૃક્ષો ગમે છે. ફૂલો ગમે છે. ફૂલ સૂંઘવા ગમે છે. (જે પાછી એક ચિકિત્સા છે. ચોક્કસ બીમારીમાં ચોક્કસ ફૂલો સૂંઘવાથી રાહત મળે છે. .. બાળકોને કબૂતર, ખિસકોલી, ચકલી, પોપટ વગેરે પક્ષીઓ ગમે છે, પરંતુ માતા-પિતા તેમને મોબાઇલ પકડાવી દે છે અથવા કાર્ટૂન ચેનલ જોતા કરી દે છે.
કારણ? કારણકે બહાર પ્રકૃતિમાં રમે તો તેની સાથે જવું પડે જે તેમના માટે ‘બોરિંગ’ હોય છે ( અથવા તો એમ કરવાનો ટાઈમ કયાં હોય છે એમની પાસે ... ) હા, વેકેશનમાં ફરવા જવાય તો તે પણ કોઈ હિલ સ્ટેશને અને ત્યાં જઈને ફોટા પડાવવા. પણ બાળકને બગીચામાં ન લઈ જવાય.
બાળકને કુમળો તડકો ખાવા નથી દેવાતો. પરિણામે તેને વિટામિન ડી-3 નથી મળતું. તેને ફળોથી દૂર રખાય છે. તેને પિઝા, બર્ગર, મેગી વગેરે બે મિનિટમાં બનતી અથવા બનાવવામાં સરળ રેસિપીવાળો ખોરાક ખવડાવી દઈ માતા પોતાનું કર્તવ્ય નિભાવીને સંતોષ માની લે છે. બાકી પિતાને કોઈ પડી નથી હોતી. બહુ-બહુ તો ક્યારેક અતિ થશે તો વઢી લેશે કે આ પિઝા, બર્ગર ન ખવાય. રોજેરોજ કટકટ કોણ કરે?
આજકાલ આમેય ફેશન છે પ્રકૃતિ વિરુદ્ધ બધું કરવું. વિરુદ્ધ આહારને બકવાસ કહેવો. આયુર્વેદ કે પછી કુદરતી ચિકિત્સાવાળા એમ કહે કે મળ-મૂત્ર ત્યાગ કરવો જ જોઈએ તો આ પ્રકારના ‘ઊંધા ચાલનારા’ઓ આવી ગંદી ચીજોનો શરીરમાં સંગ્રહ કરી રાખે તેવા છે.
આ બધું પશ્ર્ચિમમાંથી આવ્યું તેમ કહેવાય છે, પણ શું એ જ્ઞાત છે કે હવે બગડેલું પશ્ર્ચિમ સુધરી રહ્યું છે? વિશ્વનો સૌથી સુખી દેશ અમેરિકા કે બ્રિટન નથી. કેનેડા પણ નથી. જ્યાં દોડીદોડીને આપણા લોકો કમાવા અને ‘સુખી’ થવા જાય છે, પણ એ બધાથી સૌથી સુખી દેશ છે ફિનલેન્ડ.
ફિનલેન્ડ હવે કુદરતી ચીજો તરફ વળી રહ્યું છે. ત્યાંના નેચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે બે વર્ષની એક પરિયોજના હાથ ધરી છે. તેણે ત્યાંના ડે- કેર સંસ્થાઓને આખી બદલી નાખી છે. ડે-કેર આપતી કુલ 43 સંસ્થામાં રમતગમતનાં સાધનો, ચીજોને બદલે રેતી, માટી, છોડની સામગ્રી, શેવાળ, વગેરેથી ભરી દીધું છે. તેનો ઉદ્દેશ્ય બાળકોને જૈવવૈવિધ્યથી અવગત કરાવવાનો છે.
રમતગમતનો વિસ્તાર કુદરતી વાતાવરણથી ભરપૂર બનાવી દેવાયો છે. વન લાગે તેવો દેખાવ અપાયો છે. જમીન પર રબરવાળા તળના બદલે માટી પાથરી દેવામાં આવી છે. બાળકો તેને ખોદે છે. તે બધા ખાતરથી રમે છે. છોડ ઉગાડે છે. સંશોધકોને જોવું હતું કે આવા પ્રયોગથી બાળકોની રોગપ્રતિકારક શક્તિ પર શું અસર પડે છે. તેમનું સ્વાસ્થ્ય કેવું રહે છે. તેમણે અભ્યાસમાં 75 બાળકોને સમાવ્યાં.
શહેરમાં પરંપરાગત રમતનાં મેદાનોમાં રમતાં બાળકો અને વન જેવા વિસ્તારમાં રમતાં બાળકોને સરખાવ્યા. તેમની લાળ અને ત્વચાના નમૂના લીધા. તેમને જે તથ્ય જાણવા મળ્યું તે આશ્ચર્યજનક હતું. માત્ર ગણતરીનાં થોડાં જ સપ્તાહોમાં, જૈવવૈવિધ્યવાળા-કુદરતી વાતાવરણમાં રમતાં બાળકોમાં શારીરિક રીતે સારા ફેરફારો નોંધાયા. રોગ સર્જતા પેથોજનમાં ઘટાડો નોંધાયો. પેટમાં થતા હાનિકારક જીવાણુઓની સંખ્યામાં ઘટાડો થયો. રોગપ્રતિકારક શક્તિ વધારતા ટી સેલમાં વધારો થયો.
‘દાગ અચ્છે હૈ’ એ માત્ર કપડા ધોવાના પાવડરના વેચાણ માટે જ લાગુ નથી પડતું, તે સૂત્ર ખરેખર તો બાળકોને રમવા માટે વધુ લાગુ પડે છે. આ ‘ગંદા ધંધા’ ને ‘અચ્છા ધંધા હૈ’ કહીને પ્રોત્સાહિત કરવામાં આવે છે. હા, બાળકોને આ પ્રવૃતિ સિવાય ગંદા થવા માટે પ્રોત્સાહિત નથી કરાતાં.
ફિનલેન્ડના અભ્યાસમાં એ પણ જણાયું કે છોડ સાથે રમવાથી બાળકમાં વિનાશના બદલે સર્જનના ગુણો વિકસે છે. તોડફોડ અને ગુસ્સાના બદલે તેને આજુબાજુ જે કંઈ છે તેને સાચવવું જોઈએ તેવું નાનપણથી જ સમજાય છે. તેનામાં જીવદયા વિકસે છે.બાળકોને નાનપણથી આવાં વાતાવરણમાં રાખવાથી તેમનામાં પર્યાવરણ પ્રેમ વિકસશે અને તે પર્યાવરણને નુકસાન પહોંચાડતા પહેલાં વિચાર કરશે.