Fri May 15 2026

Logo

આનંદ પરાંજપે કેમ જોડાયા શિવસેનામાં? ઉદય સામંતે આપ્યું મહત્ત્વનું નિવેદન, વિપક્ષમાં જતા રોકવા લીધો આ નિર્ણય

2026-05-15 18:06:13
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: મહારાષ્ટ્રના પ્રધાન ઉદય સામંતે જણાવ્યું હતું કે ભૂતપૂર્વ એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)ના નેતા આનંદ પરાંજપેને વિપક્ષમાં જતા રોકવા માટે શિવસેનામાં સામેલ કરવામાં આવ્યા હતા અને ઉમેર્યું હતું કે કોઈ ગેરસમજ ન થાય તેના માટે તેમના સમાવેશ અંગે સુનેત્રા પવારની આગેવાની હેઠળના પક્ષ સાથે ગુપ્તતા રાખવામાં આવી હતી.

પરાંજપેએ ગુરુવારે નાયબ મુખ્ય પ્રધાન સુનેત્રા પવારના નેતૃત્વ હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)માંથી રાજીનામું આપ્યું હતું અને બાદમાં એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનામાં જોડાયા હતા. મહારાષ્ટ્રમાં ભાજપ સાથે એનસીપી અને શિવસેના બંને શાસક મહાયુતિનો ભાગ છે.

આજે એક પત્રકાર પરિષદને સંબોધતા સામંતે જણાવ્યું હતું કે થાણે અને કલ્યાણ લોકસભા મતવિસ્તારમાંથી શિવસેનાનું પ્રતિનિધિત્વ કરનારા સંસદ સભ્ય પરાંજપેને શિવસેનામાં સામેલ કરવામાં આવ્યા હતા, જેથી તેઓ કોઈપણ મહા વિકાસ આઘાડી પક્ષમાં પ્રવેશ ન કરે. અમે પરાંજપેને શિવસેનામાં સામેલ કરવાનો નિર્ણય લીધો ત્યારે એકનાથ શિંદેએ એનસીપી પ્રમુખ સુનેત્રા પવારને ફોન કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે,તેઓ એક કાર્યક્રમમાં હોવાથી તાત્કાલિક વાત નહોતા કરી શક્યાં.

શિવસેનાના દિગ્ગજ નેતા સ્વર્ગસ્થ પ્રકાશ પરાંજપેના પુત્ર પરાંજપે 2012 માં શિવસેના છોડીને એનસીપી માં જોડાયા હતા. જુલાઈ 2023 માં સ્વર્ગસ્થ અજિત પવાર મહાયુતિ સરકારમાં જોડાયા પછી તેમણે તેમનો પક્ષ લેતા એનસીપીમાં પણ ભાગલા પડ્યા હતા.

પરાંજપેએ તેમના પિતાના અવસાન બાદ 2008માં થાણે લોકસભા મતવિસ્તારની પેટાચૂંટણી શિવસેનાના ઉમેદવાર તરીકે જીતી હતી. 2009ની લોકસભા ચૂંટણીમાં, તેઓ જિલ્લાની કલ્યાણ બેઠક પરથી ચૂંટાયા હતા. 

જોકે, તેઓ 2014ની લોકસભા ચૂંટણીમાં કલ્યાણથી અવિભાજિત શિવસેનાના શ્રીકાંત શિંદે સામે હારી ગયા હતા. વિધાન પરિષદની બેઠક માટે એનસીપી તરફથી ઉમેદવારી ન મળતાં પરાંજપે નારાજ થયા હોવાનું કહેવાય છે. 
(પીટીઆઈ)