Tue Jun 30 2026

Logo

પશ્ચિમ રેલવેનું મુંબઈ ડિવિઝન બનશે ગ્રીન: સોલાર પાવરથી દર વર્ષે 1 કરોડ યુનિટ વીજળી ઉત્પન્ન કરાશે

2026-06-30 20:19:01
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: પશ્ચિમ રેલવેના મુંબઈ સેન્ટ્રલ ડિવિઝન દ્વારા ગ્રીન એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિસ્તાર કરવામાં આવ્યો છે. વર્ષ 2025-26માં નવી સોલાર પેનલ્સ લગાવ્યા બાદ ડિવિઝનની કુલ સૌર ક્ષમતા 8,532 kWp પર પહોંચી ગઈ છે. આ પહેલથી વાર્ષિક 1 કરોડ યુનિટથી વધુ ગ્રીન ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થશે, જેનાથી રેલવેને વર્ષે 13.4 કરોડ રૂપિયાની બચત થશે અને કાર્બન ઉત્સર્જનમાં મોટો ઘટાડો થશે.

સમગ્ર સૌર નેટવર્ક વાર્ષિક 1 કરોડ યુનિટથી વધારે ગ્રીન ઇલેકટ્રીસિટી ઉત્પન્ન કરે તેવી અપેક્ષા છે, જેના પરિણામે દર વર્ષે 13.4 કરોડ રૂપિયાની બચત થશે. કવરેજ અને કાર્યક્ષમતાને મહત્તમ બનાવવા માટે વર્ષ 2025-26માં સૌર વિસ્તરણ સબર્બન અને નોનસબર્બન એમ બંને ક્ષેત્રોમાં હાથ ધરવામાં આવ્યું હતું. સબર્બન ક્ષેત્રમાં વિભાગે 12 મુખ્ય સબર્બન સ્ટેશનો પર પ્લેટફોર્મ શેડ અને રેલવે ઇમારતોની છત પર સોલાર પેનલ સ્થાપિત કરીને 1,608 kwp સૌર ક્ષમતા એડ કરી હતી.

આ ઈન્સ્ટોલેશન વસઈ રોડ, વિરાર, દાદર, બોરીવલી અને મીરા રોડનો સમાવેશ થાય છે. તેમ જ મહાલક્ષ્મી, માટુંગા રોડ, ગોરેગાવ અને કાંદિવલીમાં 100 kwp  ઇન્સ્ટોલેશનનો સમાવેશ થાય છે. આ ઈન્સ્ટોલેશન વાર્ષિક 21 લાખ યુનિટથી વધારે ગ્રીન ઈલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરે તેવી અપેક્ષા છે, જેના પરિણામે દર વર્ષે 2.5 કરોડ રૂપિયાની બચત થશે, એમ પશ્ચિમ રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.

નોન-સબર્બન સેક્શનમાં મુખ્ય 12 લોકેશન પર 1000 kwp જેટલી સૌર ક્ષમતાને સ્થાપિત કરવામાં આવી છે. આ જગ્યામાં વલસાડ લોકો શેડ ઓફિસ ખાતે 320.46 kwp સોલાર પેનલ અને વલસાડ સ્કૂલ, મલ્ટી-ડિસીપ્લીનરી ડિવિઝનલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ અને કેરીજ અને વેગન શેડ વલસાડ ખાતે સોલાર પેનલનો સમાવેશ થાય છે. 

આ ઉપરાંત, વાપી, નંદુરબાર, નવસારી ખાતે પ્લેટફોર્મ શેડ અને ચલથાણ, ગંગાધરા, અતુલ, ઉદવાડા અને ભીલાડ ખાતે સ્ટેશન બિલ્ડીંગ પાર અન્ય ઇન્સ્ટૉલેશન પુરા પાડવામાં આવ્યા છે. આ ઈન્સ્ટોલેશન વાર્ષિક 13.13 લાખ યુનિટ વીજળી ઉત્પ્પન કરે તેવી અપેક્ષા છે, જેથી વાર્ષિક 1.5 કરોડથી વધુ રૂપિયાની બચત થશે. 

પશ્ચિમ રેલવેએ ટકાઉ અને પુનઃપ્રાપ્ય ઊર્જા પ્રત્યેની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવવાનું ચાલુ રાખ્યું છે. આગામી 2થી 3 વર્ષમાં મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનના વધારાના 2.13 mwp રૂફટોપ સોલાર પ્લાન્ટ્સની સ્થાપના માટે એક રોડમેપને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. આ પ્રસ્તાવિત વિસ્તરણથી વાર્ષિક 28 લાખ kwh વધારાની ગ્રીન ઇલેકટ્રીસિટી ઉત્પન્ન થવાની અપેક્ષા છે, જેના પરિણામે વર્ષે 3 કરોડ રૂપિયાથી વધુ રકમની બચત થશે. 

આ પહેલથી માત્ર કાર્બન ઉત્સર્જન જ નહીં, પરંતુ પરંપરાગત ગ્રીડ પાવર પરની નિર્ભરતા પણ ઘટાડશે. આ પહેલ પશ્ચિમ રેલવેના રેલવે માળખા સાથે પુનઃપ્રાપ્ય ઉર્જાને એકીકૃત કરવામાં અને ભારતીય રેલવેના નેટ ઝીરો કાર્બન મિશનને આગળ વધારવાના નેતૃત્વને પ્રતિબિંબિત કરે છે.