કૉલકાતાઃ પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી સુવેંદુ અધિકારીની સરકારે એક મોટો નિર્ણય કર્યો છે. પશ્ચિમ બંગાળ રાજ્યની તમામ સરકારી સ્કૂલની સાથે સરકારની આર્થિક સહાયતા પ્રાપ્ત કરતા તથા માન્યતા પ્રાપ્ત મદરેસામાં પણ અભ્યાસ શરૂ થતા પહેલા 'વંદે માતરમ્' ગાવું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. રાજ્ય સરકારના આ આદેશ અનુસાર હવેથી દરેક મદરેસામાં પ્રાર્થના સભા દરમિયાન રાષ્ટ્રગીત ગાવું જરૂરી કરી દેવામાં આવ્યું છે.
મદરેસામાં વંદે મારતમ્ અનિવાર્ય
બંગાળ રાજ્યના લઘુમતી તથા મદરેસા શિક્ષા મંત્રી ખુદરામ ટુડૂએ આ નિર્ણય અંગે વાત કરતા કહ્યું હતું કે, રાજ્યની અન્ય સરકારી સ્કૂલ તથા સંથાલી ભાષામાં જ્યાં અભ્યાસ થાય એ સ્કૂલમાં પણ વંદે મારતમ્ અનિવાર્ય છે તો માન્યતા પ્રાપ્ત મદરેસામાં કેમ નહીં? પશ્ચિમ બંગાળના શિક્ષણ વિભાગે એ વિષયને લઈને એક પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે, જૂના તમામ નિયમો તથા પ્રથાઓને રદ્દ કરતા નવા નિયમ તાત્કાલિક ધોરણે લાગુ કરી દેવામાં આવે.જેમાં લધુમતી મામલા તથા મદરેસા શિક્ષણ વિભાગ અંતર્ગત આવતા તમામ સરકારી શિક્ષણ મોડલ, માન્યતા પ્રાપ્ત આર્થિક સહાયથી ચાલતા મદરેસા, સ્વીકૃત મદરેસા, શિક્ષણ કેન્દ્ર, શિશુ કેન્દ્ર તથા માન્યતા પ્રાપ્ત મદરેસાનો પણ સમાવેશ કરી લેવાયો છે.
સૂચનાનો તાત્કાલિક અમલ કરવા આદેશ
આ પહેલા 13 મેના રોજ રાજ્ય સરકારે શિક્ષણ વિભાગ દ્વારા તમામ સરકારી સ્કૂલમાં 'વંદે મારતમ્' ગાવું અનિવાર્ય કર્યું હતું. આ માટે સત્તાવાર સૂચના પણ જાહેર કરવામાં આવી હતી. 14 મેના દિવસ મુખ્યમંત્રી અધિકારીએ પણ પોતાના સોશિયલ મીડિયાના માધ્યમથી શિક્ષણ વિભાગની આ સૂચના શૅર કરી હતી. મુખ્ય સચીવ તરફથી જાહેર કરવામાં આવેલી સૂચનામાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, પશ્ચિમ બંગાળ સરકારના સ્કૂલ વિભાગ અંતર્ગત આવતી તમામ સ્કૂલમાં ક્લાસ શરૂ થાય એ પહેલા પ્રાર્થના દરમિયાન 'વંદે મારતમ્' ગાવું તાત્કાલિક ધોરણે અમલી બનાવવામાં આવે. નવી સરકારની રચના થતા રાજ્યમાં અનેક વિષય પર જરૂરી એવા નિર્ણયો લેવાઈ રહ્યા છે.