મનન - હેમંત વાળા
કહેવાયું છે કે ‘શુષ્કે નીરે ક: કસાર:’ અર્થાત્ પાણી સુકાતાં કાદવ ક્યાંથી સંભવી શકે. અમુક વિદ્વાનો કસારનો અર્થ તળાવ પણ કરે છે. અહીં અગત્યનું ‘પાણી’ અને ‘કાદવ’ વચ્ચેનું સમીકરણ છે. પાણી હોય તો કાદવ થાય. પાણી હોય તો કાદવ થવાની સંભાવના રહે. પાણી હોય તો કાદવને નિયંત્રિત કરવાની આવશ્યકતા ઊભી થાય. કાદવ માટે અણગમો હોય તો પ્રશ્ન પાણીનો છે, કાદવનો નહીં. પાણી એ કારણ છે અને કાદવ પરિણામ. વાંધો કાદવ સાથે છે અર્થાત્ પરિણામ માટે છે, પરંતુ તે માટે ધ્યાન પાણીના નિયમન માટે હોવું જોઈએ. કાદવ આપમેળે તો સર્જાતો નથી. પાણીનું નિયંત્રણ કરવામાં આવે તો કાદવની સંભાવના લગભગ નષ્ટ પામે.
ઘણીવાર પ્રશ્ન સમજમાં જ નથી આવતો, અથવા જે સમજમાં આવે છે તે વાસ્તવિકતા ન હોય, અથવા વાસ્તવિકતા સમજવા માટેની ક્ષમતા કે તૈયારીનો અભાવ હોય, અથવા વચગાળાના ઉકેલ માટેની જ ઈચ્છા હોય, અથવા ચોક્કસ પ્રકારની પરિસ્થિતિને ગંભીરતાથી લેવાની તૈયારી ન હોય, અથવા પ્રાધાન્યતામાં અમુક બાબતની ગણના ન હોય, અથવા સમાજમાં આ પ્રકારનો વિચિત્ર કહી શકાય તેવો અભિગમ પ્રવર્તમાન હોય, અથવા સમય આવ્યે જોઈ લેવાશે તે પ્રકારની વિચારધારાની અસર હોય, અથવા તો વિષયના ઊંડાણ સુધી નજર જ ન જતી હોય.
આ પ્રકારનાં સંજોગોમાં ધ્યાન કાદવ પર જ રહે, પાણી પર નહીં. ઘણીવાર તો ધ્યાન કાદવ પર પણ ન રહે. કાદવને નજરઅંદાજ કરવામાં આવે, કાદવને અનિચ્છનીય વાસ્તવિકતા તરીકે સ્વીકારી લેવામાં આવે, કાદવને જેમને તેમ રાખી મન બીજી વાતોમાં પરોવી દેવામાં આવે, કાદવ દ્વારા ઊભી થતી તકલીફો ચલાવી લેવામાં આવે કે કાદવ સાથે જ જીવન વ્યતિત કરવાની ટેવ પાડી દેવામાં આવે. આ બધા સંજોગોમાં પણ કાદવ માટેની અસ્વિકૃતિ ઊભી ન થઈ શકે. જ્યાં કાદવ માટે પ્રશ્ન ન હોય અને પાણી માટે તો ક્યાંથી હોય. મજાની વાત એ છે કે પાણીને લીધે સર્જાયેલ કાદવ-યુક્ત પરિસ્થિતિને પાણી થકી જ સરસ રીતે સાફ કરી શકાય.
કાદવ એટલે પાણી અને માટીનું જોડાણ. જો પાણીની માત્રા વધુ હોય અને માટી ઓછી હોય તો પાણી ડહોળું બને. જ્યારે માટીની માત્રા વધુ હોય અને પાણી ઓછું હોય તો કાદવ સર્જાય. ડહોળું પાણી એ મંદ કાદવ છે જ્યારે કાદવ એ તીવ્ર ડહોળાપણું છે. પાણી અને માટી જે તે પ્રમાણમાં જ્યારે મળે ત્યારે બંનેના અસ્તિત્વ પર અસર થાય તે સ્વાભાવિક છે. પાણી પણ પાણી તરીકે ઉપયોગી ન રહે અને માટી પણ માટી તરીકે કામ આપવા તેટલી સક્ષમ ન રહે. વિસ્તૃત પરિપ્રેક્ષ્યમાં વિચારતાં એમ પણ જણાય કે પાણીનું પણ મહત્ત્વ છે, ડહોળા પાણીની પણ કોઈક ઉપયોગિતા રહે, કાદવનો પણ ચોક્કસ પ્રકારનો ઉપયોગ રહેતો હોય અને સૂકી માટી પણ એક યા બીજા સ્વરૂપે ઉપયોગમાં લઈ શકાય. સંભાવના દરેક પરિસ્થિતિમાં રહેલી છે. આ સંભાવનાને સર્જનાત્મકતા અને સંવેદનશીલતાથી સકારાત્મકતા સુધી લઈ જવાની ક્ષમતા જરૂરી છે.
જીવનમાં પાણી અને કાદવ એ પ્રતીક તરીકે છે, પદાર્થ તરીકે નહીં. પાણીએ કારણ સ્વરૂપ છે અને કાદવ એ સ્થાપિત વાસ્તવિક પરિણામ છે. મનમાં જે તરંગો, વિચારો, કામના ઉદ્ભવે તે મૂળ કારણ છે જ્યારે તેને આધારે શરીર જે રીતે પ્રતિભાવ આપે કે કાર્યરત થાય તે પરિણામ છે. કાર્ય નિયંત્રિત કરવું હોય તો મનનું નિયંત્રણ જરૂરી છે. ચોક્કસ પ્રકારના કાર્યથી દૂર રહેવું હોય અથવા તેમાં સંલગ્ન થવું હોય તો તે માટે મનની ભૂમિકા મહત્વની બની રહે. મન દ્વારા જે નિર્ધારિત થાય તે પ્રમાણે શરીર ‘એક્શન’માં આવે જેને પરિણામે ચોક્કસ પ્રકારનું પરિણામ સ્થાપિત થાય. જ્ઞાનેન્દ્રિય, મન અને કર્મેન્દ્રિય વચ્ચેનું સમીકરણ જો સમજમાં આવી જાય તો ઇચ્છિત પરિણામ સ્થાપિત કરવામાં સરળતા રહે. જ્ઞાનેન્દ્રિય સાથે પણ સકારાત્મક સંભાવનાઓ જોડાયેલી હોય છે. મનની ક્ષમતા તો અપાર છે તેમ સ્થાપિત થઈ ચૂક્યું છે. કર્મેન્દ્રિયની આવશ્યકતા પણ સ્વાભાવિક છે. આ દરેક પરિમાણને યોગ્ય રીતે સમજી, તેની ક્ષમતાને તથા નબળાઈને ધ્યાનમાં રાખી, તેની સાથે જોડાયેલ બાબતો વિશે યથા યોગ્ય જાણકારી મેળવી, તેની સકારાત્મક ઉપયોગીતા સાથે જોડાયેલી પ્રત્યેક સંભાવનાનું વ્યવસ્થિત વિશ્ર્લેષણ કરી જો તેમને પ્રયોજવામાં આવે તો ચોક્કસ પ્રોત્સાહક પરિણામ પ્રાપ્ત થઈ શકે.
જીવનમાં દરેક પરિસ્થિતિમાં જુદા જુદા પ્રકારની સંભાવના શક્ય હોય છે. દરેક પરિસ્થિતિમાં ચોક્કસ પ્રકારની સકારાત્મકતા જોડાયેલી હોય. પાણી એ જીવનનું અમૃત છે, કાદવ કમળના સર્જન માટેનું સ્થાન છે. પાણીથી ચોક્કસ પ્રકારની સફાઈ થઈ શકે તો કાદવના ઉપયોગથી પણ અમુક પ્રકારની મલિનતા દૂર કરવામાં મદદ મળી રહે. જીવનના રસ્તામાં કાદવ હોય તો નવો રસ્તો શોધવાની આવશ્યકતા ઊભી થાય, જે લાંબા ગાળે ઉપયોગી બની રહે. કાદવની હયાતી નવાં જ પ્રકારની સંભાવના ઊભી કરવામાં મદદરૂપ પણ બની શકે. ઘણીવાર તો એમ જણાય છે કે પ્રશ્ન કાદવનો પણ નથી અને પાણીનો પણ નથી, પ્રશ્ન વ્યક્તિની ક્ષમતા તથા જણાતી તકલીફ સામે પડકાર ઝીલવા માટેની માનસિકતાનો છે.
પાણી, માટી અને કાદવ તો માત્ર એક પરિસ્થિતિ છે. તેમનાં થકી સ્થાપિત થતું પરિણામ સંલગ્ન વ્યક્તિ પર આધાર રાખે છે. વ્યક્તિની શારીરિક તેમજ માનસિક ક્ષમતા તેમજ નબળાઈ, વ્યક્તિના સિદ્ધાંતો તેમજ મૂલ્યો, વ્યક્તિની માનસિકતા તેમજ પરિપક્વતા, વ્યક્તિની જરૂરિયાત તથા અપેક્ષાઓ, વ્યક્તિની પ્રતિબદ્ધતા તેમજ નિષ્ઠા, તથા તે વ્યક્તિના અસ્તિત્વ સાથે જોડાયેલી કેટલીક ભાવાત્મક બાબતોને આધારે પરિણામ નક્કી થઈ શકે. છતાં પણ જો મૂળ વિશેષ સ્પષ્ટતા હોય તો કાર્ય સરળ બની શકે. જો પાણી નિયંત્રિત કરી શકાય તો કાદવની સંભાવના ઊભી જ ન થાય.