Sun Mar 08 2026

Logo

વાનખેડેમાં એક સ્ટેન્ડ આ ભૂતપૂર્વ ખેલાડીના નામે ઓળખાશે, ત્રણ ગેટને મળશે દિગ્ગજનાં નામ

1 week ago
Author: Ajay Motiwala
Article Image

મુંબઈ: મુંબઈ ક્રિકેટ અસોસિયેશન (MCA)એ વાનખેડે સ્ટેડિયમમાં પ્રેસ બૉક્સની નીચેના લેવલ-1 સ્ટેન્ડને ભૂતપૂર્વ ઑલરાઉન્ડર રવિ શાસ્ત્રીનું નામ આપવાનું નક્કી કર્યું હોવાનું એક જાણીતી વેબસાઈટના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

એમસીએના પ્રમુખ અજિંકય નાઈકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ‘મુંબઈની ક્રિકેટરૂપી ઇમારતનું ચણતર આપણા દિગ્ગજ ખેલાડીઓનાં યોગદાનરૂપે સ્થપાયેલા સ્તંભ પર થયું છે. આ શહેરને અને રાષ્ટ્રને ગૌરવ અપાવનારાઓનું સન્માન કરવું એ આપણી ફરજ છે. વાનખેડેમાં પ્રેસ બૉક્સની નીચેના લેવલ-1 સ્ટેન્ડને રવિ શાસ્ત્રીનું નામ આપવાની દરખાસ્ત એટલે ખેલાડી, લીડર તેમ જ કોચ તરીકે તેમણે આપેલા અમૂલ્ય યોગદાન બદલ તેમનું બહુમાન.'

રવિ શાસ્ત્રી ભારત વતી 80 ટેસ્ટ અને 150 વન-ડે રમ્યા એ પહેલાં તેઓ ડોમેસ્ટિક ક્રિકેટમાં મુંબઈ વતી રમ્યા હતા. તેઓ કુલ 245 ફર્સ્ટ ક્લાસ મૅચ રમ્યા હતા.

એમસીએ દ્વારા વાનખેડે (WANKHEDE) સ્ટેડિયમના ત્રણ ગેટને ત્રણ ભૂતપૂર્વ મહાન ખેલાડી દિલીપ સરદેસાઈ, એકનાથ સોલકર તેમ જ ડાયના એદલજીનાં નામ આપવામાં આવશે.

ભૂતપૂર્વ બૅટ્સમેન દિલીપ સરદેસાઈ ભારત વતી 30 ટેસ્ટ મૅચ રમ્યા હતા. તેઓ મુંબઈ વતી પણ ઘણું રમ્યા હતા. એકનાથ સોલકર મહાન ફીલ્ડર હતા. ભારત વતી તેઓ 27 ટેસ્ટ અને સાત વન-ડે રમ્યા હતા. તેઓ મુંબઈ અને સસેક્સ કાઉન્ટી વતી કુલ મળીને 189 મૅચ રમ્યા હતા.

પારસી સમાજે ભારતીય મહિલા ક્રિકેટને આપેલાં મહાન કેપ્ટન ડાયના એદલજી 70 વર્ષનાં છે. તેઓ ભારત વતી 20 ટેસ્ટ તેમ જ 34 વન-ડે રમ્યાં હતાં અને ડોમેસ્ટિક ક્રિકેટમાં તેમણે રેલવેની ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું.