નવી દિલ્હીઃ આઈપીએલ 2026માં આરસીબીને વિજેતા બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવનારા વિરાટ કોહલીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયાનો પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી હેમસ્ટ્રિંગની ઈજાના કારણે અફઘાનિસ્તાન સામેની વન ડે સીરિઝમાંથી બહાર થઈ ગયો છે. સૂત્રોએ આ વાતની પુષ્ટિ કરી છે.
37 વર્ષીય કોહલીએ આઈપીએલ 2026માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ફાઈનલ દરમિયાન તેને રન દોડવામાં પરેશાની થતી હતી અને તેણે મેદાન પર સારવાર પણ લીધી હતી. આઈપીએલ ફાઈનલમાં તેણે ગુજરાત ટાઈટન્સ સામે 42 બોલમાં 75 રનની શાનદાર ઈનિંગ રમીને આરસીબીને સતત બીજી વખત વિજેતા બનાવ્યું હતું.
ફાઈનલ બાદ થયેલી મેડિકલ તપાસમાં તેને હેમસ્ટ્રિંગની ઈજા થઈ હોવાનું સામે આવ્યું હતું. ઈજાની ગંભીરતાને લઈ હજુ સુધી કોઈ સત્તાવાર જાણકારી આપવામાં આવી નથી. પરંતુ આ કારણ તે અફઘાનિસ્તાન સામેની વન ડે સીરિઝમાંથી બહાર થઈ ગયો છે. કોહલી શાનદાર ફોર્મમાં છે તેવા જ સમયે ઈજાના સમાચાર આવ્યા છે. આઈપીએલની 16 મેચમાં તેણે 165.85ના સ્ટ્રાઈક રેટથી 675 રન બનાવ્યા હતા.
અફઘાનિસ્તાન સામે ત્રણ મેચની વન ડે સીરિઝનો આરંભ 13 જૂનથી થશે. આ પહેલા 6 થી 10 જૂન ભારત-અફઘાનિસ્તાનની એકમાત્ર ટેસ્ટ ચંદીગઢમાં રમાશે. પ્રથમ વન ડે 13 જૂને ધરમશાલામાં, બીજી વન ડે 17 જૂને લખનઊમાં અને ત્રીજી વન ડે ચેન્નઈમાં 20 જૂને રમાશે.
ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલીએ અત્યાર સુધીમાં 311 વન ડેની 299 ઈનિંગમાં 14,797 રન બનાવ્યા છે. તેનો સર્વોચ્ચ સ્કોર 183 રન છે. તેણે 54 સદી અને 77 અડધી સદી ફટકારી છે.