Thu Sep 17 2026

Logo

સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ રાજકોટમાં નવી સમિતિઓના ચેરમેન જાહેર, કોને કઈ જવાબદારી મળી?

2026-06-25 16:59:44
Author: Devayat Khatana
સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ રાજકોટમાં નવી સમિતિઓના ચેરમેન જાહેર, કોને કઈ જવાબદારી મળી?

અમદાવાદ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ રાજકોટ મહાનગરપાલિકાની વિવિધ શાખાઓ તેમજ વિભિન્ન સમિતિઓના ચેરમેન પદ માટેના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. શહેરના સર્વાંગી વિકાસ કાર્યો, આંતરમાળખાકીય પ્રોજેક્ટ્સ અને નાગરિકોની પાયાની સુવિધાઓની દેખરેખ સંભાળતી 15 જેટલી પ્રભાવશાળી સમિતિઓના વડાઓની નિમણૂક કરવામાં આવી હતી, જેનાથી આગામી સમયમાં શાસકીય કામગીરી વધુ વેગવંતી બનશે તેવું મનાઈ રહ્યું છે.

મળતી વિગતો અનુસાર, મનપાની બાંધકામ સમિતિના ચેરમેન તરીકે અશ્વિનભાઈ ભોરણીયાની પસંદગી કરવામાં આવી હતી. આ ઉપરાંત, રાજકોટ શહેરની સ્વચ્છતા તેમજ જનઆરોગ્યની ચાવીરૂપ જવાબદારી સંભાળતી સેનિટેશન સમિતિના વડા તરીકે કીર્તિબા રાણા અને આરોગ્ય સમિતિના ચેરમેન પદે રીંકલભાઈ મેઘાણીના નામની જાહેરાત કરવામાં આવી હતી. જ્યારે સામાજિક ઉત્થાન અને લોકકલ્યાણની પ્રવૃત્તિઓ માટેની સમાજ કલ્યાણ સમિતિની કમાન મનીષભાઈ ભટ્ટને સોંપવામાં આવી હતી.

આ ઉપરાંત લાઈટીંગ સમિતિના ચેરમેન તરીકે પરેશભાઈ ઠાકર અને વોટર વર્ક્સ સમિતિના વડા તરીકે જયસુખભાઈ કાથરોટીયા વહીવટ સંભાળશે. કાયદાકીય બાબતો અને નિયમોની સમિતિ માટે જયરાજસિંહ જાડેજા, માર્કેટ સમિતિ માટે મોહિતસિંહ જાડેજા તેમજ પ્લાનિંગ સમિતિના ચેરમેન તરીકે અનિલકુમાર ચૌહાણની નિયુક્તિ કરવામાં આવી હતી. આ સાથે જ હાઉસિંગ ઇમ્પ્રુવમેન્ટ અને ક્લીયરન્સ સમિતિના સુકાની તરીકે દીલીપભાઈ લુણાગરીયાની વરણી કરવામાં આવી હતી.