મુંબઈ: મહારાષ્ટ્ર બાળ લગ્ન રોકવા માટે લગ્નની કંકોતરી પર વર વધૂની જન્મ તારીખ છાપવાનો નિયમ બનાવવા પર વિચાર કરી રહ્યું હોવાનું મહિલા અને બાળ વિકાસ પ્રધાન અદિતિ તટકરેએ જણાવ્યું હતું. વિધાનસભામાં ભાજપના સભ્ય અતુલ ભાતખળકરએ ઉઠાવેલા પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે આગામી પાંચ વર્ષમાં બાળ લગ્નની ગેરકાયદે પ્રથાના પ્રમાણને 10 ટકાથી નીચે લાવવાનું રાજ્યનું લક્ષ્ય છે.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રએ રાજસ્થાન સરકારને કંકોતરી પર વરરાજા અને કન્યા બંનેની જન્મ તારીખનો ઉલ્લેખ કરવાની પ્રથાની જાણકારી મેળવવા માટે પત્ર લખ્યો છે. મહારાષ્ટ્ર સરકાર ગ્રામીણ વિકાસ અને કાયદા અને ન્યાયતંત્ર વિભાગો સાથે પરામર્શ કરીને સમાન પદ્ધતિ અપનાવવાની શક્યતાઓની તપાસ કરશે. 2019-21ના સર્વેક્ષણમાં મહારાષ્ટ્રનો બાળલગ્ન દર 21.9 ટકા હતો જે ઘટીને 2023-24ના સર્વેક્ષણમાં 19.6 ટકા થયો છે. તાજેતરના સર્વેક્ષણમાં રાષ્ટ્રીય સરેરાશ 20.1 ટકા છે.
૨૦૨૫-૨૬ દરમિયાન અત્યાર સુધીમાં અધિકારીઓએ ૧,૪૩૪ બાળલગ્ન અટકાવ્યા અને ૧૩૬ એફઆઈઆર નોંધી છે. ૨૦૨૪-૨૫માં કુલ ૧,૪૯૫ બાળલગ્ન અટકાવવામાં આવ્યા હતા, જ્યારે ૨૦૨૩-૨૪માં ૧,૨૫૩ અટકાવવામાં આવ્યા હતા અને ૧૦૮ એફઆઈઆર નોંધાઈ હતી એવી માહિતી તેમણે આપી.
૨૦૨૨-૨૩માં ૯૩૦ બાળલગ્ન અટકાવવામાં આવ્યા હતા અને ૮૧ એફઆઈઆર નોંધવામાં આવી હતી, જ્યારે ૨૦૨૧-૨૨માં ૮૩૧, ૨૦૨૦-૨૧માં ૫૧૯, ૨૦૧૯-૨૦માં ૨૪૦ અને ૨૦૧૮-૧૯માં ૧૪૭ બાળલગ્ન અટકાવાયા હતા.