નવી દિલ્હી: વેનેઝુએલામાં 126 વર્ષનો સૌથી વિનાશકારી ભૂકંપ અને જાપાનમાં આવેલા 6.૯ ની તીવ્રતાના પ્રચંડ આંચકા બાદ હવે આપણાં પડોશી દેશોમાં પણ ભૂકંપની સક્રિયતા વધતી જોવા મળી રહી છે. સત્તાવાર ડેટા અનુસાર, છેલ્લા 48 કલાકમાં ભારત અને તેના પડોશી દેશોમાં એકપછી એક અનેક ભૂકંપના આંચકા નોંધાયા છે, જેના કારણે સ્થાનિક લોકોમાં ચિંતાનો માહોલ છે. તાજા આંકડાઓ અનુસાર, ભારત અને તેની આસપાસ ક્યાં-ક્યાં આંચકા અનુભવાયા તેની સંપૂર્ણ વિગત જોઈએ...
આજે સવારે નેપાળ અને જમ્મુ-કાશ્મીરમાં આંચકા
આજે વહેલી સવારે 05:21 કલાકે નેપાળમાં 3.8 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જેનું કેન્દ્રબિંદુ 25 કિમી દૂર નોંધાયું હતું. તે પછી વાત કરવામાં આવે તો, 24 જૂનની મોડી રાત્રે 11:23 કલાકે અફઘાનિસ્તાનમાં 4.8 ની તીવ્રતાનો મધ્યમ આંચકો આવ્યો હતો, જેની અસર આસપાસના વિસ્તારોમાં પણ થઈ હતી. પાડોશી દેશ મ્યાનમારમાં પણ 24 જૂનની સવારે 10 મિનિટના ગાળામાં બે આંચકા નોંધાયા હતા. જેની તીવ્રતા 3.8 અને 3.3ની નોંધાઈ હતી.
ચીનમાં રાત્રે 08:59 વાગ્યે 5.4 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
વધારે વિગતે વાત કરવામાં આવે તો, 23 જૂન રોજ રાત્રે 08:59 કલાકે ચીનમાં 5.4 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જે આ વિસ્તાર માટે ચિંતાજનક માનવામાં આવે છે. આ મુખ્ય આંચકાના થોડા જ સમય બાદ રાત્રે 09:26 કલાકે ચીનમાં ફરીથી 4.3 ની તીવ્રતાનો બીજો આંચકો નોંધાયો હતો. આ બંને આંચકાની વચ્ચે રાત્રે 09:25 કલાકે સરહદી વિસ્તાર તિબેટમાં પણ 3.2 ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો.
પાકિસ્તાનમાં 3.3 ની તીવ્રતાનો આંચકો આવ્યો
આ સાથે સાથે 23 જૂનની રાત્રે 10:27 કલાકે પાકિસ્તાનમાં 3.3 ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. તે જ દિવસે વહેલી સવારે 01:45 કલાકે અફઘાનિસ્તાનમાં 4.1 ની તીવ્રતાનો મધ્યમ ભૂકંપ નોંધાયો હતો. રાહતની વાત એ છે કે ભારતમાં ક્યાંય પણ તીવ્રતા 4.0 થી વધુ ન હોવાને કારણે જાનમાલનું કોઈ નુકસાન થયું નથી.
કાશ્મીરમાં પણ આવ્યો ભૂકંપ
ભારતમાં આવેલા ભૂકંપની વાત કરવામાં આવે તો, કાશ્મીર ખીણમાં પણ આજે વહેલી સવારે 02:36 કલાકે ધરતી ધ્રૂજી હતી. પુલવામામાં આવેલા આ આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.5 માપવામાં આવી છે. મધ્યરાત્રિએ આસામના ગોઆલપારામાં પણ 00:34 કલાકે 3.4 ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. આ પહેલાં રાત્રે 01:13 કલાકે આસામના ઉદલગુરી વિસ્તારમાં 2.5 ની તીવ્રતાનો નાનો આંચકો નોંધાયો હતો.