Wed Jun 24 2026

Logo

ટેસ્ટના બોલર્સ રૅન્કિંગમાં 36 વર્ષ જૂનો વિક્રમ તૂટ્યો, બુમરાહ નંબર-વન પર જ અને ઇશાનની 21 ક્રમની ઊંચી છલાંગ

DUBAI   2026-06-24 18:11:19
Author: Ajay Motiwala
Article Image

દુબઈઃ અહીં હેડ ક્વૉર્ટર ધરાવતી ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ બુધવારે જાહેર કરેલા નવા રૅન્કિંગ મુજબ 36 વર્ષ જૂનો એક વિક્રમ તૂટ્યો છે. ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ટેસ્ટના નંબર-વનની રૅન્ક જાળવી રાખી છે, પણ તેની સાથે ન્યૂ ઝીલૅન્ડનો ફાસ્ટ બોલર મૅટ હેન્રી પણ એ સ્થાને જોડાયો છે. બુમરાહે મોખરાની રૅન્ક જાળવી છે, જ્યારે હેન્રી (Henry)એ છ ક્રમની અને વન-ડેના બૅટિંગમાં ઇશાન કિશને 21 ક્રમની છલાંગ લગાવી છે.

36 વર્ષ બાદ પહેલી વખત ન્યૂ ઝીલૅન્ડના બોલરે ટેસ્ટના રૅન્કિંગમાં અવ્વલ સ્થાન મેળવ્યું છે. તે આ સ્થાન પર પહોંચનાર ત્રીજો કિવી બોલર છે. 1947માં ફાસ્ટ બોલર જૉન કૉવી નંબર-વન બનનાર પ્રથમ કિવી બોલર હતા. 1984-1990 દરમ્યાન સર રિચર્ડ હેડલીએ ટેસ્ટ બોલર્સમાં નંબર-વનની રૅન્ક હાંસલ કરી હતી અને હવે હેન્રી ત્રીજો કિવી બોલર બન્યો છે. હેન્રીના ખાતે 870 પૉઇન્ટ છે.

ગિલ નંબર-વન બની શકેઃ રૂટ 12મી વખત અવ્વલ

વન-ડેના બૅટ્સમેનોમાં શુભમન ગિલ ત્રણ ક્રમ આગળ આવ્યો છે અને હવે 791 પૉઇન્ટ સાથે બીજા સ્થાને આવી ગયો છે. ડેરિલ મિચલ (815) પહેલા નંબરે છે. ગિલ થોડા સમયમાં નંબર-વન બની જશે તો નવાઈ નહીં લાગે. ટેસ્ટ બૅટ્સમેનોમાં ઇંગ્લૅન્ડના જૉ રૂટે બે ક્રમની છલાંગ લગાવીને 871ના રેટિંગ સાથે મોખરાનું સ્થાન મેળવ્યું છે. તે 12મી વખત ટેસ્ટનો નંબર-વન બન્યો છે. તેણે 866 પૉઇન્ટવાળા હૅરી બ્રૂક અને ટ્રૅવિસ હેડને પાછળ રાખી દીધી છે. બ્રૂક બીજા નંબરે છે.

ઇશાન કિશન વન-ડે બૅટિંગમાં 21 ક્રમની છલાંગ લગાવીને 43મા નંબરે આવી ગયો છે. 2027ના વન-ડે વર્લ્ડ કપ સુધીમાં ઇશાન રૅન્કિંગમાં ઘણો સુધારો કરશે એવી અપેક્ષા છે.