દક્ષિણ અમેરિકાના દેશ વેનેઝુએલામાં તાજેતરમાં આવેલા બે ઉપરાછાપરી વિનાશક ભૂકંપે આખી દુનિયાને હચમચાવી દીધી છે. પહેલો આંચકો 7.2 રેક્ટર સ્કેલની તીવ્રતાનો હતો અને તેના માત્ર 40 સેકન્ડ બાદ 7.5 રેક્ટર સ્કેલની તીવ્રતાનો બીજો મહાવિનાશક ભૂકંપ આવ્યો. રાજધાની કારાકાસમાં સેંકડો ઈમારતો પત્તાના મહેલની જેમ તૂટી પડી છે અને સિમોન બોલીવર ઈન્ટરનેશનલ એરપોર્ટને પણ ભારે નુકસાન થયું છે.
અમેરિકી ભૂગર્ભ સર્વેક્ષણ (USGS) અનુસાર, આ આપત્તિમાં જાનહાનિનો આંકડો 10,000થી લઈને 1,00,000 સુધી પહોંચી શકે છે. આ ભૂકંપને વેનેઝુએલાના ઇતિહાસમાં વર્ષ 1900 પછીનો સૌથી શક્તિશાળી ભૂકંપ માનવામાં આવે છે. પરંતુ સવાલ એ થાય છે કે, આ દેશ વારંવાર આવા ભયાનક ભૂકંપોનો ભોગ કેમ બને છે? તેની પાછળનું અસલી કારણ કોઈ કુદરતી પ્રકોપ નહીં, પણ વેનેઝુએલાની ભૌગોલિક સ્થિતિ છે.
ટેક્ટોનિક પ્લેટોની ટક્કર છે અસલી જવાબ
વેનેઝુએલાની ભૌગોલિક સ્થિતિ જ તેની સૌથી મોટી નબળાઈ છે. આ દેશ પૃથ્વીના પેટાળમાં આવેલી બે વિશાળ પ્લેટ્સ કેરેબિયન પ્લેટ અને દક્ષિણ અમેરિકન પ્લેટની સરહદ પર વસેલો છે. આ બંને પ્લેટો સતત એકબીજા સાથે ટકરાતી રહે છે અને ઘર્ષણ અનુભવે છે, જેના કારણે જમીનની અંદર પ્રચંડ ઉર્જા પેદા થાય છે અને તે ભૂકંપ સ્વરૂપે બહાર આવે છે.
1300 કિલોમીટર લાંબું મોટું નેટવર્ક:
'ફોલ્ટ સિસ્ટમ'ઉત્તરી વેનેઝુએલામાં આ પ્લેટોની ટક્કર એક અત્યંત જટિલ નેટવર્ક બનાવે છે, જેને Boconó-Morón-El Pilar ફોલ્ટ સિસ્ટમ કહેવામાં આવે છે. આ કોઈ એક સિંગલ તિરાડ નથી, પરંતુ ત્રણ મોટી ફોલ્ટ લાઈનોનું એક વિશાળ કનેક્શન છે જેમાં પહેલી છે બોકોનો ફોલ્ટ, બીજી છે મોરોન ફોલ્ટ અને ત્રીજી એટલે એલ પિલાર ફોલ્ટ. આ આખી ફોલ્ટ સિસ્ટમ એન્ડીઝ પર્વતમાળાથી શરૂ કરીને ઉત્તર-પૂર્વીય દરિયાકાંઠા અને ત્રિનિદાડ સુધી આશરે 1300 કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલી છે. અહીં પૃથ્વીના પેટાળના ખડકો જમણી બાજુ ખસે છે જે ભયાનક આંચકાઓ પેદા કરે છે.
સૌથી મોટી મુશ્કેલી એ છે કે વેનેઝુએલાની આશરે 80 ટકા વસ્તી આ જ ભૂકંપગ્રસ્ત વિસ્તારમાં રહે છે, તેથી જ જ્યારે પણ અહીં આંચકો આવે છે ત્યારે મોટી તબાહી સર્જાય છે. ભૂકંપના દરેક સમાચારમાં વેનેઝુએલાની રાજધાની કારાકાસનું નામ અચૂક હોય છે. તેની પાછળ પણ એક મોટું ભૌગોલિક કારણ છે. કારાકાસ શહેર એક ઊંડી કાંપવાળી ખીણ પર વસેલું છે. જ્યારે પણ ભૂકંપના તરંગો આ ખીણની પોચી માટી અને પથ્થરોમાંથી પસાર થાય છે, ત્યારે આ ખીણ એક સ્પીકરની જેમ તે તરંગોની તીવ્રતાને ઘણી ગણી વધારી દે છે. આ કારણે કારાકાસમાં કંપન વધુ જોરદાર અને લાંબા સમય સુધી અનુભવાય છે. વળી, અહીંની જૂની, નબળી અને બિન-ઈજનેરી પદ્ધતિથી બનેલી ઈમારતો આ જોખમને બમણો કરી નાખે છે.
ઇતિહાસ પણ સાક્ષી છે તબાહીનો
આ જ ડેન્જર ફોલ્ટ લાઈનોએ ભૂતકાળમાં પણ વેનેઝુએલાને લોહીલુહાણ કર્યું છે, ચાલો નજર કરીએ તવારીખ પર...
વર્ષ 1812: આવેલા ભૂકંપમાં મેરિદા અને કારાકાસમાં અંદાજે 30,00 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
વર્ષ 1967: 6.3 રેક્ટર સ્કેલનીની તીવ્રતાના ભૂકંપે કારાકાસમાં 200થી વધુ લોકોના ભોગ લીધા હતા.
વર્ષ 2025: સપ્ટેમ્બરમાં ઝુલિયામાં આવેલા 6.2 અને 6.3 રેક્ટર સ્કેલના બે આંચકાઓએ સેંકડો ઘરો નષ્ટ કર્યા હતા.
આગામી દિવસો વધુ ચિંતાજનક
તાજેતરના આ મહાવિનાશક ભૂકંપ બાદ યુએસજીએસએ ચેતવણી આપી છે કે, આગામી એક અઠવાડિયાની અંદર આ વિસ્તારમાં 6.0 રેક્ટર સ્કેલ કે તેથી વધુ તીવ્રતાના આફ્ટરશોક્સ આવવાની શક્યતા 40 ટકા જેટલી છે. આ સ્થિતિને જોતાં રાહત અને બચાવ ટીમો સતત હાઈ એલર્ટ પર છે.