Mon Aug 31 2026

Logo

સલામતી રક્ષકોએ નેમારના પુત્રને ઘૂસણખોર માની લીધો ને મેદાન તરફ જતા અટકાવ્યો

Miami   2026-06-25 17:37:00
Author: Ajay Motiwala
સલામતી રક્ષકોએ નેમારના પુત્રને ઘૂસણખોર માની લીધો ને મેદાન તરફ જતા અટકાવ્યો

માયામીઃ સલામતી રક્ષકને મોટા ભાગની સેલિબ્રિટીઝના ચહેરા યાદ હોય છે, પરંતુ જો કોઈ સેલિબ્રિટીનો દીકરો કે દીકરી સામે આવે તો સિક્યૉરિટી ગાર્ડ સ્વાભાવિક છે કે ન પણ ઓળખી શકે અને (ભારતીય સમય અનુસાર) ગુરુવારે મળસ્કે અહીં બ્રાઝિલની મૅચ વખતે એવું જ બન્યું હતું.

સ્કૉટલૅન્ડ સામેની રોમાંચક મૅચ બ્રાઝિલે 3-0થી જીતી લીધી ત્યાર પછી બ્રાઝિલનો સુપરસ્ટાર ખેલાડી નેમાર મેદાન પર સાથીઓ સાથે જીતની ઉજવણી કર્યા પછી નજીકના સ્ટૅન્ડ પાસે દોડી આવ્યો હતો. નેમાર ખાસ તો તેના 14 વર્ષીય પુત્ર ડાવી લૂકાને મળવા આવી રહ્યો હતો. જોકે પપ્પા પોતાની તરફ આવી રહ્યા છે એ જોઈને ડાવી (Davi) નીચે ઉતર્યો હતો. જોકે નજીકમાં ઊભેલા સલામતી રક્ષકે જોયું કે આ છોકરો મર્યાદા ઓળંગીને મેદાન પર જવાની પેરવીમાં છે એટલે રક્ષકે તેને રોક્યો હતો.

એક નહીં, પણ બે સિક્યૉરિટી ગાર્ડે ડાવીને અટકાવ્યો હતો. તેમને લાગ્યું કે આ છોકરો મેદાન પર દોડી જવાની તૈયારી કરતો ઘૂસણખોર છે. સલામતી કવચ જોરદાર હતું. ડાવીને બીજા રક્ષકે પણ રોક્યો હતે. પાછળથી આવીને ઊભેલા નેમાર (Neymar)ને પણ લાગ્યું કે રક્ષકોને કંઈક ગેરસમજ થઈ છે. નેમાર પોતે રક્ષકોને કહેવડાવ્યું અને ફૂટબૉલપ્રેમીઓએ પણ રક્ષકોને કહ્યું કે `તેને જવા દો, તે નેમારનો દીકરો છે.'

સલામતી રક્ષકોને તરત જ સ્થિતિ સમજાઈ ગઈ અને તેમણે ડાવીને પિતા નેમારની પાસે જવા દીધો હતો. નેમાર પુત્ર ડાવીને ખૂબ ભેટ્યો હતો. ઈજામુક્ત થયા બાદ નેમાર ત્રણ વર્ષે ફરી બ્રાઝિલ વતી ઇન્ટરનૅશનલ મૅચ રમ્યો હતો અને એમાં જીત માણી હતી એટલે ખૂબ ભાવુક થઈ ગયો હતો. નેમારની આંખોમાંથી હર્ષનાં આસું આવી ગયાં હતાં. નેમાર અને બ્રાઝિલની ડિજિટલ ક્રીએટર કૅરોલિનાનો પુત્ર ડાવી 14 વર્ષનો છે અને તે પણ ફૂટબૉલ સારું રમે છે.