Thu Jun 25 2026

Logo

કચ્છ ડ્રગ્સ કેસમાં ચોંકાવનારો ખુલાસો: અફઘાની હેરોઈનની કમાણીનું લશ્કર-એ-તૈયબા સાથે આતંકી કનેક્શન

2026-06-25 16:57:22
Author: Mumbai Samachar Team
Article Image

ભુજઃ કચ્છના મુન્દ્રા બંદર પરથી વર્ષ ૨૦૨૧માં ઝડપાયેલા દેશના સૌથી મોટા રૂ.૨૧,૦૦૦ કરોડના ડ્રગ્સ કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા મહત્વની કાર્યવાહી કરવામાં આવી હતી. ઇડીની ટુકડીએ રાજધાની દિલ્હીના હાઈ-પ્રોફાઈલ નાઈટ ક્લબ માલિક હરપ્રીત સિંહ તલવાર ઉર્ફે કબીર તલવાર અને તેના સાગરિતોના દિલ્હી સ્થિત ૫ સ્થળો પર પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તપાસમાં નવા ઇનપુટ્સ મળ્યા છે કે, મુંદરા બંદર પરથી ઘુસાડવામાં આવેલા ૨,૯૮૮ કિલો અફઘાની હેરોઈનના વેપારમાંથી જે કાળું નાણું ઊભું થયું હતું, તેનો મોટો હિસ્સો શેલ કંપનીઓ મારફતે દિલ્હીની પોશ નાઈટ ક્લબો અને હોસ્પિટાલિટી સેક્ટરમાં રોકીને વ્હાઈટ કરવામાં આવતો હતો. હાલ ઇડી આ નાણાંની 'મની ટ્રેલ' શોધી રહી છે.

હરપ્રીત સિંહ તલવાર ઉર્ફે કબીર તલવાર દિલ્હીનો જાણીતો બિઝનેસમેન છે, જે ઇમ્પોર્ટ-એક્સપોર્ટ, રિયલ એસ્ટેટ અને લક્ઝુરિયસ નાઈટ ક્લબ સેક્ટરમાં સક્રિય છે. અગાઉ ૨૦૨૧માં સિગારેટ દાણચોરીમાં પકડાયેલા કબીર તલવારની ઓગસ્ટ ૨૦૨૨માં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી  દ્વારા ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાઈ હતી અને તાજેતરમાં જ તે ગુજરાત હાઈકોર્ટમાંથી જામીન મેળવી જેલમુક્ત થયો હતો. આ કૌભાંડમાં ત્રણ મુખ્ય કેન્દ્રીય એજન્સીઓ કાર્યરત છે જેમાં ડ્રગ્સ પકડીને કૌભાંડ ખુલ્લું પાડનાર ડીઆરઆઈ, આતંકી કનેક્શન અને સપ્લાય ચેઈનની તપાસ કરનાર એનઆઈએ અને ઇડી, કે જે મની લોન્ડરિંગના વિવિધ પાસાંની તપાસ ચલાવી રહી છે.

ઉલ્લેખનીય છે કે,ગત સપ્ટેમ્બર ૨૦૨૧માં  ડીઆરઆઈ દ્વારા મુંદરા બંદર પર 'સેમી-પ્રોસેસ્ડ ટેલ્ક સ્ટોન'ની આડમાં આવેલું ૨,૯૮૮.૨૧ કિલો અફઘાની હેરોઈન જપ્ત કરાયું હતું. ત્યારબાદ કાળા નાણાંના વ્યવહારો મામલે ઇડી દ્વારા મની લોન્ડરિંગનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

ઓગસ્ટ ૨૦૨૨માં એનઆઈએ દ્વારા ૪ રાજ્યોમાં દરોડા પાડી દિલ્હીથી કબીર તલવાર અને પ્રિન્સ શર્માની ધરપકડ કરાઈ હતી જૂન ૨૦૨૬માં ઇડી દ્વારા દિલ્હીમાં કબીર તલવારના ૫ સ્થળો પર દરોડા પાડી નાઈટ ક્લબમાં રોકાણનો ખુલાસો કરાયો હતો. 

રાષ્ટ્રીય તપાસ એજન્સીની ચાર્જશીટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, આ ડ્રગ્સ અફઘાનિસ્તાનથી ઈરાન થઈને ભારતમાં ઘુસાડવામાં આવ્યું હતું. આ ડ્રગ્સના વેચાણમાંથી થતી કમાણીનો મોટો હિસ્સો પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન 'લશ્કર-એ-તૈયબાને ફંડિંગ કરવા માટે મોકલવામાં આવતો હતો. 

(ઉત્સવ વૈદ્ય)