Sun Sep 13 2026

Logo

યુરોપમાં કુદરતનો પ્રકોપ; ફ્રાન્સ, બ્રિટન સહિત 26 દેશોમાં ભયંકર ‘હીટવેવ’, ફ્રાન્સમાં 58 ના મોત

2026-06-25 12:35:00
Author: Vimal Prajapati
યુરોપમાં કુદરતનો પ્રકોપ; ફ્રાન્સ, બ્રિટન સહિત 26 દેશોમાં ભયંકર ‘હીટવેવ’, ફ્રાન્સમાં 58 ના મોત

સમગ્ર યુરોપ હાલમાં કુદરતના ભયાનક પ્રકોપનો સામનો કરી રહ્યું છે. ફ્રાન્સ, બ્રિટન, ઇટાલી અને સ્પેન સહિત યુરોપના 26 દેશો આ સમયે આકરી ગરમી અને ભયંકર લૂની ઝપેટમાં આવી ગયા છે. સ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે, 14 થી વધુ દેશોમાં ગરમીને લઈને ‘રેડ એલર્ટ’ જાહેર કરવું પડ્યું છે. મોટાભાગના દેશોમાં પારો 40 થી 43 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચી ગયો છે, જેના કારણે સામાન્ય જનજીવન સંપૂર્ણપણે ઠપ થઈ ગયું છે. આ દેશોમાં અત્યારે ગરમીએ માઝા મૂકી દીધી છે.

ફ્રાન્સમાં સૌથી કપરી સ્થિતિ, 58 લોકોએ જીવ ગુમાવ્યા

ગરમીની સૌથી ઘાતક અસર ફ્રાન્સમાં જોવા મળી રહી છે, જ્યાં અત્યાર સુધીમાં 58 લોકોના મોત થયા છે. અસહ્ય ગરમીથી રાહત મેળવવા માટે લોકો નદીઓ અને તળાવો તરફ દોડી રહ્યા છે, જેના કારણે છેલ્લા કેટલાક દિવસોમાં પાણીમાં ડૂબી જવાથી 40 યુવાનોના મોત થયા છે. આ સિવાય લૂ લાગવાને કારણે 2 બાળકો સહિત 18 લોકોએ દમ તોડ્યો છે. આ સ્થિતિએ વિશ્વ ચિંતામાં મુકાઈ ગયું છે. 

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે વધતા તાપમાનની અસર દેશના વીજ સંકટ પર પણ પડી છે. ફ્રાન્સમાં ‘ગોલફેશ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ’ (Golfech Nuclear Power Plant) ને સોમવારે રાત્રે બંધ કરવો પડ્યો હતો. આ પ્લાન્ટને ઠંડો રાખવા માટે ગારોન નદીના પાણીનો ઉપયોગ થાય છે, પરંતુ નદીનું તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની આશંકા હોવાથી સુરક્ષાના કારણોસર આ નિર્ણય લેવાયો છે.

એટલું જ નહીં પરંતુ 1,350 થી વધુ શાળાઓ બંધ કરી દીધી છે. આ ઉપરાંત, ફ્રાન્સના પ્રખ્યાત વાર્ષિક સ્ટ્રીટ મ્યુઝિક ફેસ્ટિવલ ‘ફ્ત દ લા મ્યુઝિક’ દરમિયાન જાહેર સ્થળો પર દારૂ પીવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. હવામાન વૈજ્ઞાનિકોના મતે આ ગરમી વર્ષ 2003ની એ ઐતિહાસિક આપત્તિ જેવી છે જેમાં અંદાજે 15 હજાર લોકોના મોત થયા હતા.

બ્રિટનમાં 50 વર્ષનો રેકોર્ડ તૂટવાની આશંકા

બ્રિટનની વાત કરવામાં આવે તો, હવામાન વિભાગે બુધવાર અને ગુરુવાર માટે ‘રેડ એક્સ્ટ્રીમ હીટ વોર્નિંગ’ જાહેર કરી છે. અહીં તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસને પાર જવાનો અંદાજ છે, જે 1976નો 50 વર્ષ જૂનો રેકોર્ડ તોડી શકે છે. અહીં રાત્રિનું તાપમાન પણ 20 ડિગ્રી સેલ્સિયસથી નીચે નથી જઈ રહ્યું.

જર્મની અને બેલ્જિયમની વાત કરવામાં આવે તો, જર્મનીમાં નદી-તળાવોમાં ન્હાવા દરમિયાન 5 લોકોના ડૂબી જવાથી મોત થયા છે. જ્યારે બેલ્જિયમમાં ગરમીને કારણે ઘણી શાળાઓમાં હાફ-ડે કરી દેવામાં આવ્યો છે. જ્યારે ઇટાલીના આરોગ્ય મંત્રાલયે રોમ અને મિલાન સહિત 15 મુખ્ય શહેરોમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. સ્પેનમાં પણ રાતનું તાપમાન ખૂબ ઊંચું રહેતા રાતો ‘ટ્રોપિકલ નાઇટ્સ’ માં ફેરવાઈ ગઈ છે, એટલે કે લોકોને રાત્રે પણ ગરમીથી કોઈ રાહત મળી રહી નથી.