Wed Jun 24 2026

Logo

વર્લ્ડ કપમાં પાકિસ્તાની મહિલા ટીમની પ્રૅક્ટિસ શરૂ થઈ એ પહેલાં એક ખેલાડી પતિદેવ સાથે ફરવા જતી રહી!

Lahore   2026-06-24 17:26:25
Author: Ajay Motiwala
Article Image

આલિયા રિયાઝની રૂમમાં હસબન્ડ પણ રહેતો હતો એટલે કૅપ્ટન ફાતિમા સનાએ વિરોધ કર્યો, હેડ-કોચ સાથે ઝઘડો કર્યો

લાહોરઃ પાકિસ્તાનના પુરુષ ક્રિકેટરો 2023ના વન-ડે વર્લ્ડ કપ અને 2024ના ટી-20 વિશ્વ કપ વખતે અંદરોઅંદર ઝઘડી પડ્યા હતા અને ડ્રેસિંગ-રૂમમાં જૂથબંધી ચાલતી હતી એવું જ કંઈક હાલમાં પાકિસ્તાનની મહિલા ટીમમાં ચાલી રહ્યું છે જે વિશે કહેવાય છે કે ઇંગ્લૅન્ડમાં ચાલતા વિમેન્સ ટી-20 વર્લ્ડ કપ દરમ્યાન આ ટીમને આંતર કલહ નડી રહ્યો છે. ટીમની એક સિનિયર પ્લેયરના શિસ્તભંગને લીધે ટીમમાં વિખવાદ વધી ગયો છે. ટીમમાં જૂથ પડી ગયા છે અને કોચ કહે છે કે તેમના પ્લાન પ્રમાણે ખેલાડીઓ રમતી જ નથી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ત્રણ-ચાર વર્ષમાં મહિલા ટીમના વારંવાર કોચ બદલ્યા છે.

એક અહેવાલમાં જણાવાયું છે કે પાકિસ્તાનની ટીમ આ વર્લ્ડ કપમાં ભારત સામેના મુકાબલા સહિત ચારેય મૅચ હારી એનું મોટું કારણ એ છે કે કૅપ્ટન ફાતિમા સના (Fatima Sana) અને બિન-સત્તાવાર હેડ-કોચ વહાબ રિયાઝ (Wahab Riyaz) વચ્ચે નથી બનતું. મંગળવારે પાકિસ્તાનની ટીમ સતત ચોથી મૅચ હારી હતી. શનિવારે બાંગ્લાદેશ સામેની મૅચ પહેલાં કૅપ્ટન સનાએ ટીમ મૅનેજમેન્ટ સમક્ષ વાંધો ઉઠાવતા કહ્યું હતું કે ટીમની હૉટેલમાં આપણી ટીમની વરિષ્ઠ ખેલાડી આલિયા રિયાઝ (Aliya Riyaz)ની રૂમમાં તેનો પતિ અલી યુનિસ પણ રહે છે એ જરાય નહીં ચલાવી લેવાય.'

Pakistani female cricketer Aliya Riaz

સનાના જોરદાર વિરોધને પગલે જ અલી યુનિસને પત્ની આલિયાની રૂમમાંથી જતા રહેવાની ફરજ પાડવામાં આવી હતી. જોકે શનિવારે બાંગ્લાદેશ સામેની મૅચના આગલા દિવસે પાકિસ્તાનની વિમેન્સ ટીમ પ્રૅક્ટિસ માટે મેદાન પર ઊતરી ત્યારે એમાં આલિયા નહોતી. થોડી વાર પછી ખબર પડી હતી કે ટીમ પ્રૅક્ટિસ નક્કી થઈ હોવા છતાં આલિયા તેના પતિ સાથે સાઇટ-સીઇંગ પર જતી રહી હતી.

બીજા દિવસે બાંગ્લાદેશ સામેની મૅચ માટેની ટીમમાં 200 આંતરરાષ્ટ્રીય મૅચની અનુભવી 33 વર્ષીય ઑલરાન્ડર આલિયાના સમાવેશ સામે કૅપ્ટન સનાએ વિરોધ કર્યો હતો, પણ હેડ-કોચ વહાબ રિયાઝે તેને ધરાર ટીમમાં લેવડાવી હતી. આલિયા એમાં ઝીરોમાં આઉટ થઈ હતી અને પાકિસ્તાનની ટીમ હારી ગઈ ત્યાર પછી ડ્રેસિંગ-રૂમમાં કૅપ્ટન સનાએ હેડ-કોચ વહાબને બધાની હાજરીમાં કહ્યું કે `તમે ટીમના પ્રૉટોકૉલ્સનો ભંગ કર્યો એટલે આ પરાજય માટે તમે જ જવાબદાર છો.'