ઇટાનગર: અરુણાચલ પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા અવિરત ભારે વરસાદે તબાહી મચાવી છે. રાજ્યના નવરચિત જિલ્લા કેયી પાનયોર (Keyi Panyor) વિસ્તારમાં અચાનક આવેલ પૂર (Flash Floods) અને ભૂસ્ખલન (Landslides) ના કારણે મોટી હોનારત સર્જાઈ છે. આ કુદરતી આપત્તિમાં અત્યાર સુધીમાં એક મહિલા શિક્ષિકાનું મોત થયું હોવાની પુષ્ટિ થઈ છે, જ્યારે 4 લોકો હજી પણ ગુમ છે. આ ઉપરાંત 17 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 3 ની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
નિર્માણાધીન દિવાલ પડતાં વસાહતોમાં પાણી ભરાયા
તંત્રના જણાવ્યાં પ્રમાણે, ભારે વરસાદના દબાણને કારણે એક નિર્માણાધીન પ્રોટેક્શન દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી. જેના કારણે NEEPCO પ્રોજેક્ટ કોલોનીના નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ખૂબ જ ઝડપથી ભરાઈ ગયા હતા. આ ઘટનામાં અંદાજે 18 જેટલા ઘરોને મોટું નુકસાન પહોંચ્યું છે. તમામ 17 ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં ગંભીર દર્દીઓની સારવાર ચાલી રહી છે.
35 વર્ષીય શિક્ષિકા નીર્મલા ગુપ્તાનો મૃતદેહ મળી આવ્યો
પોલીસ અધિક્ષક (SP) અંગદ મહેતાએ જણાવ્યું કે, પૂર બાદ ચલાવવામાં આવેલા સર્ચ ઓપરેશન દરમિયાનવિવેકાનંદ કેન્દ્ર વિદ્યાલય (VKV) ના 35 વર્ષીય શિક્ષિકા નીર્મલા ગુપ્તાનો મૃતદેહ મળી આવ્યો છે. તેઓ આ વિસ્તારમાં રહેતા હતા. આ સિવાય પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગયેલા અન્ય 4 લોકો જેમાં 13 વર્ષીય એલેશ મરાક, 30 વર્ષીય બાલાારી મરાક, 46 વર્ષીય તાઓ અંજીના અને સૌરવ કુમારની શોધખોળ હજુ પણ ચાલુ છે.
અરુણાચલ પ્રદેશમાં ઘણા દિવસોથી સતત ભારે વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલનને કારણે નુકસાન pic.twitter.com/Jw97IDuFyL
— MG Vimal - વિમલ પ્રજાપતિ (@mgvimal_12) June 25, 2026
ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે માર્ગ વાહનવ્યવહાર ભારે ખોરવાઈ ગયો છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ-13 પર પોટિન અને હોજ નજીક ત્રણ સ્થળોએ ભૂસ્ખલન થયું છે. કિમિન-ઝીરો માર્ગ પર પણ મોટા ભૂસ્ખલન થયા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, કેયી પાન્યોર, ક્રા દાદી, કુરુંગ કુમેય, લોઅર સુબાનસિરી, કામલે અને અપર સુબાનસિરી આ છ જિલ્લાનો માર્ગ સંપર્કથી કપાઈ ગયા છે. બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન (BRO) રસ્તાઓને ઝડપથી ફરીથી ખોલવા માટે પ્રયાસો કરી રહ્યું છે.
અરુણાચલ પ્રદેશઃ પૂર બાદ ભારતીય વાયુસેનાએ બચાવ કામગીરી શરૂ કરી દીધી છેpic.twitter.com/IviFSxJsKF
— MG Vimal - વિમલ પ્રજાપતિ (@mgvimal_12) June 25, 2026
રાહત અને બચાવ કાર્ય માટે સેના અને રેસ્ક્યુ ટીમો એક્શનમાં
આપત્તિની ગંભીરતાને જોતા ભારતીય વાયુસેના (IAF) ના હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી છે. ખરાબ હવામાન હોવા છતાં વાયુસેનાના હેલિકોપ્ટરે હોલોન્ગીથી ઉડાન ભરીને SDRF (રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ) ના જવાનો અને રબર બોટને પીટાપૂલ નજીક સુરક્ષિત રીતે ઉતાર્યા છે. આ સિવાય આપત્તિ વ્યવસ્થાપન ટીમોએ યાજલી જળાશયમાંથી બિશુ સિંહા નામના વ્યક્તિને અને નેશનલ હાઈવે-13 પર ફસાયેલા ભારતીય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ (GSI) ના એક વૈજ્ઞાનિકને પણ હેમખેમ બચાવી લીધા છે. કેયી પાનયોર ડેમની વચ્ચે ફસાયેલા એક શખ્સ અને તેના પાલતુ શ્વાનને પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.