Thu Jun 25 2026

Logo

NCERT નો ધોરણ-9 ના અભ્યાસક્રમમાં મોટો ફેરફાર, હવે વિદ્યાર્થીઓ વેદ અને ઈમરજન્સીનો ઈતિહાસ ભણશે

2026-06-25 14:49:00
Author: Vimal Prajapati
Article Image

નવી દિલ્હી: રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (NCERT) દ્વારા ધોરણ-9 ના અભ્યાસક્રમમાં વ્યાપક અને ઐતિહાસિક ફેરફારો કરવામાં આવ્યા છે. નવા શૈક્ષણિક સત્રથી ધોરણ-9 ના વિદ્યાર્થીઓ પ્રથમ વખત ભારતીય જ્ઞાન પરંપરાના આધારસ્તંભ સમાન ચારેય વેદનો અભ્યાસ કરશે. આ સાથે જ ભારતીય લોકશાહીના સૌથી વિવાદાસ્પદ સમયગાળા એટલે કે 'ઈમરજન્સી' (કટોકટી) વિશે પણ વિગતવાર માહિતી મેળવશે. NCERT દ્વારા સામાજિક વિજ્ઞાનનું નવું પુસ્તક ‘અંડરસ્ટેન્ડિંગ સોસાયટી: ઇન્ડિયા એન્ડ બિયોન્ડ પાર્ટ-1’ જાહેર કરવામાં આવનાર છે.

પ્રથમ વખત ચાર વેદ અને પંચમહાભૂતની વિભાવના

નવા પાઠ્યપુસ્તકમાં વિદ્યાર્થીઓ ભારતીય સભ્યતા અને સંસ્કૃતિના સૌથી પ્રાચીન ગ્રંથો ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદનો અભ્યાસ કરશે. આ વેદોમાં રહેલ ધર્મ, દર્શન, સમાજ, સંગીત અને જીવન મૂલ્યોનું જ્ઞાન બાળકોને પીરસવામાં આવશે. આ ઉપરાંત, પ્રકરણ-1 માં દૈનિક જીવનના ઉદાહરણો દ્વારા 'પંચમહાભૂત' (પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ) ની વિભાવના સમજાવવામાં આવી છે, જે દર્શાવે છે કે પ્રકૃતિ અને માનવ જીવન એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે.

જુલાઈથી 3 ભાષાઓ ફરજિયાત કરવામાં આવી

ચાલુ શૈક્ષણિક સત્રના મધ્યમાંથી એટલે કે જુલાઈ મહિનાથી ધોરણ-9 માં ત્રણ ભાષાઓનો અભ્યાસ ફરજિયાત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, NCERT પ્રથમ વખત પોતાની વર્કશીટ વિદ્યાર્થીઓની માતૃભાષામાં તૈયાર કરાવશે, જેથી બહુભાષાવાદને પ્રોત્સાહન આપી શકાય.

ધોરણ નવા વિદ્યાર્થીઓ હવે 'ઈમરજન્સી' નો પાઠ ભણશે

ભારતીય લોકશાહીના સૌથી વિવાદાસ્પદ દોર 'ઈમરજન્સી' (આપાતકાલ) થી હવે ધોરણ-9 ના વિદ્યાર્થીઓ પણ માહિતગાર કરવામાં આવશે. અગાઉ આ પ્રકરણ ધોરણ 11 અને 12 ના રાજકીય વિજ્ઞાનના પુસ્તકમાં ભણાવવામાં આવતું હતું. 25 જૂન, 1975 ના રોજ તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની સલાહ પર દેશમાં કટોકટી જાહેર કરવામાં આવી હતી. આ પ્રકરણમાં વિદ્યાર્થીઓ ભણશે કે કેવી રીતે તે સમયે હજારો લોકોને ટ્રાયલ વિના જેલમાં ધકેલી દેવાયા હતા, અખબારો પર સેન્સરશીપ લાદવામાં આવી હતી અને નાગરિકોની સ્વતંત્રતા છીનવી લેવાઈ હતી.

હિમાચલનું લેન્ડસ્લાઈડ અને 2025 નું પંજાબ પૂર

નવા અભ્યાસક્રમમાં કુદરતી આપત્તિઓ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીર જેવા પહાડી વિસ્તારોમાં થતા ભૂસ્ખલનની (Landslides) માહિતી સાથે તાજેતરમાં વર્ષ 2025 માં પંજાબમાં આવેલા વિનાશક પૂરને ‘કેસ સ્ટડી’ તરીકે સામેલ કરાયું છે. વિદ્યાર્થીઓ જાણશે કે સતલુજ, બિયાસ અને રાવી નદીના પૂરે પંજાબમાં કેટલું મોટું નુકસાન પહોંચાડ્યું હતું અને પાકિસ્તાન સરહદે આવેલા વિસ્તારોમાં લાખો-કરોડોની સંપત્તિ કેવી રીતે બરબાદ થઈ હતી. આ કેસ સ્ટડી વિદ્યાર્થીઓએ પોતાની માતૃભાષામાં લખવાની રહેશે.

ગુજરાત અને મહારાષ્ટ્રની 'વુમન ફ્રેન્ડલી પંચાયત' ના ઉદાહરણો

મહિલા અનામત અને રાજકારણમાં મહિલાઓની ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે પુસ્તકમાં એક વિશેષ પ્રકરણ જોડવામાં આવ્યું છે. લોકશાહીમાં મહિલાઓના મતદાન અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ (પંચાયતો) માં મહિલા અનામતની ભૂમિકા પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. આમાં ગુજરાત અને મહારાષ્ટ્રની કેસ સ્ટડી આપીને 'વુમન ફ્રેન્ડલી પંચાયત' (મહિલા હિતૈષી પંચાયત) ના શ્રેષ્ઠ ઉદાહરણો રજૂ કરાયા છે. કુલ મળીને નવા અભ્યાસક્રમથી વિદ્યાર્થીઓષ કટોકટ, ભારતીય ઈતિહાસ, વેદ-પુરાણ અને મહિલા અનામત અંગેને વિગતે અભ્યાસ કરી શકશે.