હિંગોલી: રાજ્યના હિંગોલીમાં 18 વર્ષના વિદ્યાર્થીએ તાજેતરમાં નીટ-યુજીની પુન:પરીક્ષા આપ્યા બાદ મોબાઇલ પર તેની માતા માટે વીડિયો રેકોર્ડ કરીને આત્મહત્યા કરી હતી. મૃત વિદ્યાર્થીની ઓળખ સુશીલ ધાગે તરીકે થઇ હતી. સુશીલના પરિવારે દાવો કર્યો હતો કે તેને પુન:પરીક્ષા મુશ્કેલ જણાઇ હતી. જોકે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) દ્વારા હાથ ધરવામાં આવતી આ રાષ્ટ્રીય સ્તરની તબીબી પ્રવેશ પરીક્ષાને તેની આત્મહત્યા સાથે કોઇ લેવાદેવા છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
હિંગોલીના અષ્ટવિનાયક નગર વિસ્તારમાં રહેનારા સુશીલે બુધવારે સવારે 10.30 વાગ્યે કૂવામાં ઝંપલાવી જીવનનો અંત આણ્યો હતો. આત્મહત્યા કરતા પહેલા સુશીલે માતાની માફી માગતો 33 સેકંડનો વીડિયો રેકોર્ડ કર્યો હતો. ‘હું આત્મહત્યા કરી રહ્યો છું. તારે (માતા) કોઇ તાણ લેવાની જરૂર નથી. મારા આગામી જીવનમાં હું તારી જ કૂખેથી જન્મ લેવા માગું છું. પછી ભલે સુમૈધ તરીકે જન્મ લઉં. મને માફ કરજો, એવું માતાને સંબોધીને તેણે રેકોર્ડિંગ કર્યું હતું.
સુશીલના પરિવારે પોલીસને જણાવ્યું હતું કે તેનું નીટનું પુન:પરીક્ષાનું પેપર બરોબર ગયું નહોતું. પોલીસે હાલમાં એડીઆર દાખલ કરીને તપાસ આદરી છે. હિંગોલી સિટી પોલીસ સ્ટેશનના એક અધિકારીએ કહ્યું હતું કે પરિવારની ફરિયાદમાં નીટની પુન:પરીક્ષા વિશે ઉલ્લેખ છે. અમે પરીક્ષા અને આત્મહત્યા વચ્ચે કોઇ સંબંધ છે કે કેમ તેની તપાસ કરી રહ્યા છીએ.એનટીએ દ્વારા નીટની પુન:પરીક્ષા 21 જૂને યોજવામાં આવી હતી. અગાઉ ત્રીજી મેની પરીક્ષાનું પેપર લીક થયા બાદ પરીક્ષા રદ કરાઇ હતી. (પીટીઆઇ)