માયામી (અમેરિકા)ઃ અહીંના હાર્ડ રૉક સ્ટેડિયમમાં (ભારતીય સમય મુજબ શનિવારે મધરાત બાદ) ફિફા વર્લ્ડ કપની ત્રીજી ક્વૉર્ટર ફાઇનલમાં નોર્વેને 1-2થી પરાજિત કરનાર ઇંગ્લૅન્ડ વતી 93મી મિનિટમાં જ્યૂડ બેલિંગમે જે વિનિંગ ગોલ કર્યો કે તરત જ વીઆઇપી સ્ટૅન્ડમાં બેઠેલા ભૂતપૂર્વ બ્રિટિશ ફૂટબોલર ડેવિડ બેકહૅમ તેમ જ તેના ત્રણ સંતાનો રોમિઓ (23 વર્ષ), ક્રુઝ (21 વર્ષ) અને હાર્પર (15 વર્ષ)ના ચહેરા પર આનંદ છવાઈ ગયો હતો અને તેમણે તેમ જ એ સ્ટૅન્ડમાં બેઠેલા બીજા સેલિબ્રિટિઝે સેલિબ્રેશન કર્યું હતું, પણ બેકહૅમની પત્ની વિક્ટોરિયાના ચહેરા પર કોઈ જ ભાવ નહોતો જોવા મળ્યો અને તે ગુમસુમ બેઠી રહી હતી.
જોકે બેકહૅમે સોશ્યલ મીડિયા પર વિક્ટોરિયાની આ પ્રતિક્રિયા સંબંધમાં તેનો બચાવ કર્યો હતો. આ જીત સાથે ઇંગ્લૅન્ડની ટીમ આર્જેન્ટિના સામેની સેમિ ફાઇનલ (બુધવારે મધરાત બાદ 12.30)માં પહોંચી ગઈ હતી.
Me parece que a Victoria Beckham no le interesa mucho el fútbol ⚽️😳 pic.twitter.com/LURWS73Q2R
— Carlos Montero (@CMonteroOficial) July 12, 2026
એવું મનાય છે કે વિક્ટોરિયા (Victoria)ને મૅચની 93મી મિનિટમાં બેલિંગમ દ્વારા થયેલા ગોલને કદાચ સમજી જ નહોતી શકી. આ ગોલ પહેલાં બન્ને ટીમ 1-1ની બરાબરીમાં હતી. જોકે બેલિંગમના ગોલથી બાજી ફરી ગઈ હતી અને ઇંગ્લૅન્ડની ટીમ વિજયની લગોલગ પહોંચી ગઈ હતી. બેલિંગમે ગોલ કરતાં જ 51 વર્ષીય બેકહૅમે મુઠ્ઠી ઊંચી કરીને ટીમને જોશભેર અભિનંદન આપ્યા હતા. બેકહૅમના સંતાનો તેમ જ ઇંગ્લૅન્ડના કેટલાક ખેલાડીઓની ગર્લફ્રેન્ડે પણ રોમાંચિત સ્થિતિમાં વિજયી સંકેતો બતાવ્યા હતા, પણ બાવન વર્ષીય વિક્ટોરિયાના ચહેરા પર કોઈ જ સેલિબ્રેશન નહોતું દેખાતું.
વિનિંગ ગોલ થવા છતાં વિક્ટોરિયાનો આ રીતે ગુમસુમ બેઠા રહેવાની પ્રતિક્રિયાવાળો ફોટો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો. જોકે બેકહૅમ (Beckham)એ પત્ની વિક્ટોરિયાના બચાવમાં જણાવ્યું, `વિક્ટોરિયાના ચહેરા પર ભલે કોઈ ભાવ ન જોવા મળ્યા, પણ અંદરથી તે આ ગોલ સેલિબ્રેટ કરી રહી હતી. તેની પ્રતિક્રિયા મારાથી થોડી ધીમી હતી, બીજું કંઈ નહીં.'