Wed Sep 02 2026

Logo

આઝાદીના આટલા વર્ષોમાં જે ક્યારેય નથી થયું તે 15મી ઓગસ્ટે લાલ કિલ્લા પર થશે! જાણો કેમ પહેલીવાર ગૂંજશે 'વંદે માતરમ'?

2026-08-13 15:18:53
Author: Darshana Visaria
આઝાદીના આટલા વર્ષોમાં જે ક્યારેય નથી થયું તે 15મી ઓગસ્ટે લાલ કિલ્લા પર થશે! જાણો કેમ પહેલીવાર ગૂંજશે 'વંદે માતરમ'?

15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસના અવસરે લાલ કિલ્લા પર યોજાનારા સત્તાવાર ધ્વજવંદન સમારોહમાં દેશના ઇતિહાસમાં પ્રથમ વખત રાષ્ટ્રગીત વંદે માતરમનું સત્તાવાર ગાન કરવામાં આવશે. લાલ કિલ્લા પર પહેલીવાર કેમ ગૂંજશે 'વંદે માતરમ'? જો આ સવાલ તમને પણ થયો હોય તો આ સ્ટોરી છેલ્લે સુધી ચોક્કસથી વાંચજો... 

150 વર્ષની ઉજવણી:
બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા રચવામાં આવેલા આ અમર ગીત 'વંદે માતરમ'ની રચનાના 150 વર્ષ (1876–2026)પૂર્ણ થવાના પ્રસંગને યાદગાર બનાવવા માટે આ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે.

નવો પ્રોટોકોલ:
અગાઉ વડાપ્રધાનના આગમન બાદ ગાર્ડ ઓફ ઓનર, ધ્વજવંદન, 21 તોપોની સલામી અને રાષ્ટ્રગાન 'જન ગણ મન' ગવાતું હતું. પરંતુ હવેથી રાષ્ટ્રધ્વજ ફરકાવતા પહેલાં 'વંદે માતરમ'નું પૂર્ણ સન્માન સાથે ગાન કરવામાં આવશે.

કાયદાકીય સુરક્ષા:
તાજેતરમાં સંસદ દ્વારા પસાર કરાયેલા 'રાષ્ટ્રીય સન્માનના અપમાન નિવારણ (સુધારા) અધિનિયમ, 2026' હેઠળ રાષ્ટ્રગીતના સન્માન અને સુરક્ષા માટે કાયદાકીય જોગવાઈઓ વધુ મજબૂત કરવામાં આવી છે.

આ વર્ષના સમારોહની મુખ્ય ખાસિયતો

આમંત્રણ પત્રિકામાં મૂળ છંદ: 

સંરક્ષણ મંત્રાલયે તમામ ડિજિટલ અને પ્રિન્ટ આમંત્રણ પત્રિકાઓમાં 'વંદે માતરમ'ના તમામ 6 મૂળ છંદ છાપવામાં આવ્યા છે.

2500 યુવાનોની માનવ આકૃતિ:
NCC અને 'માય ભારત' (MY Bharat) પ્લેટફોર્મના 2,500 યુવાનો એકસરખા ગણવેશમાં બેસીને લાલ કિલ્લા સામે દેવનાગરી લિપિમાં **'વંદે માતરમ'** શબ્દની વિશાળ માનવ આકૃતિ (Human Chain/Formation) રચશે.

વાયુસેના દ્વારા એરિયલ શો: 
ભારતીય વાયુસેનાનું Mi-17 હેલિકોપ્ટર "150 Years of Vande Mataramનું વિશેષ બેનર પ્રદર્શિત કરશે અને લાલ કિલ્લા પર પુષ્પવર્ષા કરશે.

તળાવોના નામે સીટિંગ બ્લોક:
VIP સંસ્કૃતિ ઘટાડવા અને પર્યાવરણનો સંદેશ આપવા માટે લાલ કિલ્લા પર બેઠક વ્યવસ્થાના બ્લોકના નામ દેશના પ્રખ્યાત તળાવો (જેમ કે ચિલકા, વુલર, ડલ, વેમ્બનાડ અને પુલિકટ) પર રાખવામાં આવ્યા છે.

5,000 વિશેષ અતિથિઓ:
સ્પેસ ટેકનોલોજી, AI, ગ્રીન હાઇડ્રોજન ક્ષેત્રના યુવા ઉદ્યોગસાહસિકો, આશા કાર્યકરો, આંગણવાડી બહેનો, સ્વચ્છતા કર્મીઓ અને દેશભરના નાગરિકો સહિત ૫,૦૦૦ વિશેષ મહેમાનોને ખાસ નિમંત્રણ આપવામાં આવ્યું છે.