Wed Sep 02 2026

Logo

વલસાડમાં સરકારી કાર્યક્રમમાં બાળકોની હાલત કફોડી થઈ, તડકામાં એક કલાક ઊભા રખાયા

2026-06-16 21:17:51
Author: Pooja Shah
વલસાડમાં સરકારી કાર્યક્રમમાં બાળકોની હાલત કફોડી થઈ, તડકામાં એક કલાક ઊભા રખાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદઃ
વલસાડ જિલ્લાા સંજાણ ગામમાં સરકારી કાર્યક્રમમાં સ્કૂલના વિદ્યાર્થીઓ પ્રત્યે અસંવેદનશીલ વર્તન થયાની ફરિયાદો થઈ હતી. અહીં એક પેડ મા કે નામ કાર્યક્રમ યોજાયો હતો. વૃક્ષારોપણના આ કાર્યક્રમમાં સ્કૂલના બાળકોને પણ બોલાવવામાં આવ્યા હતા. ગુજરાતમાં સવારના સમયે સખત ગરમી હોય છે ત્યારે આ બાળકોને એકાદ કલાક સુધી તડકામાં ઊભા રાખવામાં આવ્યા હતા અને તેમનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર અમુક વિદ્યાર્થીને ચક્કર આવ્યા હતા. 

સૂત્રોએ જણાવ્યું હતું કે તુંબ ગામની સ્કૂલના ધોરણ 9 અને 10ના 150થી વધુ વિદ્યાર્થી આવ્યા હતા. કૉંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે ધારાસભ્ય રમણ પાટકર , જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ , સભ્યો , સરપંચો અને વન વિભાગના અધિકારીઓની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો. તેમણે એવો આક્ષેપ પણ કર્યો હતો કે વિદ્યાર્થીઓ તબિયત બગડી હોવા છતાં તેમને તાત્કાલિક હૉસ્પિટલ સારવાર માટે ખસેડવાને બદલે કારમાં બેસાડી રાખવામાં આવ્યા હતા. કાર્યક્રમ પૂરો થયા બાદ તેમને ટેંપોમાં ભરી હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો હતો. દોશીએ આ ઘટનાની નિંદા કરી હતી. આ મામલે તંત્ર સાથે વાતચીત થઈ શકી ન હતી.