Thu May 28 2026

Logo

વૈભવ સૂર્યવંશી સેન્ચુરી ચૂકી ગયા પછી રડવા લાગ્યો

2026-05-28 12:08:00
Author: Ajay Motiwala
Article Image

ન્યૂ ચંડીગઢ: પંદર વર્ષનો લેફ્ટ હૅન્ડ ઓપનિંગ બૅટ્સમૅન વૈભવ સૂર્યવંશી થોડા દિવસ પહેલાં 93 રન પર આઉટ થતા ભાવુક થઈ ગયો હતો અને ત્યાર બાદ બુધવારે અહીં હૈદરાબાદ સામેની મૅચમાં પોતાના 29માં બૉલ પર 97 રનના સ્કોરે વિકેટ ગુમાવી બેઠો અને ક્રિસ ગેઈલનો 30 બૉલની ફાસ્ટેસ્ટ સેન્ચુરીનો રેકૉર્ડ જરાક માટે ચૂકી ગયો એટલે ઈમોશનલ (Emotional) થઈ ગયો હતો અને રડવા લાગ્યો હતો. તે પાછો આવી રહ્યો હતો ત્યારે હતાશ હતો અને તેની આંખોમાં આંસુ આવી ગયા હતા.

રાજસ્થાનના લિટલ સ્ટાર વૈભવ સૂર્યવંશીએ બુધવારે આઈપીએલની એલિમિનેટરમાં 28 બૉલમાં 12 સિક્સર અને પાંચ ફોરની મદદથી 97 રન કર્યા હતા અને 29મા બૉલ પર વધુ એક બિગ શૉટ મારવા જતાં કૅચઆઉટ થઈ ગયો હતો.

કોણે લીધી વૈભવની વિકેટ?

મહારાષ્ટ્રના વિદર્ભ પ્રાંતમાં રહેતા અને સનરાઇઝર્સ હૈદરાબાદ વતી રમતા 24 વર્ષીય પેસ બોલર પ્રફુલ્લ હિન્ગેએ વૈભવ (Vaibhav)ને રવિચંદ્રન સ્મરણના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો. વૈભવ અને યશસ્વી જયસ્વાલ વચ્ચે 48 બૉલમાં 125 રનની ભાગીદારી થઈ હતી. વૈભવે 97માંથી 92 રન છગ્ગા-ચોગ્ગાથી બનાવ્યા હતા. 

વૈભવને ફક્ત એક ચોગ્ગાની જરૂર હતી

જો વૈભવે પોતાના એ 29મા બૉલ પર ચોગ્ગો કે છગ્ગો ફટકાર્યો હોત તો આઈપીએલમાં 30 બૉલમાં સૌથી ઝડપી સેન્ચુરી ફટકારવાનો ક્રિસ ગેઈલનો 13 વર્ષ જૂનો રેકૉર્ડ વૈભવે તોડી નાખ્યો હોત. ગેઇલે 2013માં બેંગ્લૂરુ વતી રમતી વખતે પુણે વિરુદ્ધ 30 બૉલમાં 100 રન પૂરા કર્યા હતા અને એ રેકૉર્ડ હજી સુધી અતૂટ છે.

પ્રેક્ષકોએ ઊભા થઈને વૈભવને આપ્યા અભિનંદન

વૈભવ 97 રન પર આઉટ થઈને પાછો આવી રહ્યો હતો ત્યારે મેદાન પરના તમામ ખેલાડીઓએ તેમ જ ડગઆઉટમાં ઉપસ્થિત બધા ખેલાડીઓએ તાળી પાડીને વૈભવનું બહુમાન કર્યું હતું. સ્ટેડિયમના એકેએક પ્રેક્ષકે ઊભા થઈને વૈભવને શાનદાર ઇનિંગ્સ બદલ અભિનંદન આપ્યા હતા.

વૈભવના નામે વિક્રમી 65 છગ્ગા

જોકે વૈભવે ઇનિંગ્સની મધ્યમાં ગેઇલનો એક મોટો રેકોર્ડ તો તોડી જ નાખ્યો હતો. વૈભવે બુધવારે બારમાંથી સાતમી સિક્સર ફટકારી ત્યારે તેણે આઈપીએલની એક સીઝનમાં સૌથી વધુ 59  છગ્ગા ફટકાવવાનો ક્રિસ ગેઈલનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. હવે વૈભવના નામે આ સીઝનમાં કુલ 65 સિક્સર લખાયેલી છે.